ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે – મનોજ ખંડેરિયા

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે

અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે

ઝંખનાના બંધ ખાલી સાવ જૂના ઓરડે-
કોણ હરતુંફરતું ? ઝીણી ઝાંઝરી રણક્યા કરે !

એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે

એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !

– મનોજ ખંડેરિયા

ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.

4 Comments »

  1. Jay said,

    November 27, 2018 @ 6:09 AM

    મનોજભઈ છે ખંડેરિયા, પણ શ્બ્દોના જે મહેલ રચે છે તેની સરખામણીમાં કોઈ ના ઉતરે!

  2. વિવેક said,

    November 27, 2018 @ 7:14 AM

    ત્રીજા અને ચોથાની જ વાત શા માટે કરવી? મને તો પાંચેય શેર લાજવાબ લાગ્યા…

  3. SARYU PARIKH said,

    November 27, 2018 @ 9:11 AM

    અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
    રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે..સરસ રચના,
    સરયૂ

  4. PALASH SHAH said,

    April 14, 2020 @ 5:56 AM

    જાદુગર ની જેમ મનોજભાઈએ શબ્દો નો મહેલ વાવ માં ગાયબ કારીનાખ્યો …
    સુંદર રચના …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment