ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૬ : લાગણીવશ હૃદય
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
ગનીચાચાની હૃદયને, લાગણીવશ હૃદયને ધ્યાનમાં રાખીને લખાયેલી આ ગઝલ છંદના હિંડોળા લેતા આવર્તનોના કારણે જેટલી ગેય બની છે એનાથી વધુ ગુણવત્તાસભર પણ બની છે. દરેક શેર દાદનો હકદાર બન્યો છે… ગનીભાઈ વિશે ટૂંકમાં જાણવું હોય તો અહીં ક્લિક્ કરશો.
pragnaju said,
October 3, 2008 @ 8:26 AM
બધાજ સુંદર શેરમા આ વધુ ગમ્યો
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
ધવલ said,
October 3, 2008 @ 7:58 PM
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– સરસ ! એક જમાનામાં ગનીચાચાના મોઢે આ ગઝલ સાંભળેલી..
Pinki said,
October 6, 2008 @ 12:41 PM
વાહ્..
આખી ગઝલ વાંચી આનંદો
મને તો ખૂબ જ ગમી આ ગઝલ પણ ત્યારથી
અજ્ંપો તો હતો જ કે ચાર જ શેર તો ના જ હોય ?!!