હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
વિવેક મનહર ટેલર

સુખ – દિલીપ જોશી

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું 
           ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
              આપણી છે ઠકરાત

 પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
                એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
               પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

-દિલીપ જોશી
(‘વીથિ’)

ગઈકાલે ‘શાંતિ’નું કાવ્ય મૂકેલું ને આજે ‘સુખ’નું કાવ્ય ! આ ગીતનો કોઈ મોટી ફિલસૂફીનો દાવો નથી. નથી એમાં ઊંડું ચિંતન. આ ગીત તો છે માત્ર સુખ નામની – પકડમાં ન આવતી – બધાને લલચાવતી – ઘટના વિષે કવિને થયેલું આશ્ચર્ય !

પહેલી જ બે પંક્તિઓ ખૂબ ગમી ગઈ. સુખની પાંદડા પરના પાણી અને પરપોટા સાથે સરસ સરખામણી કરી છે. એ પછી સપનાંમાં, જીવનમાં અને કુદરતના ખોળે સુખ વેરાયેલું મળી આવવાની વાત છે. મને સૌથી વધુ ગમી ગઈ એ પંક્તિ તો આ છે – લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી. સુખ કોઈ નવો પદાર્થ નથી એ તો રોજબરોજની જીંદગીના ગાર-માટીમાંથી જ બનેલું છે. જો આપણને એ ગાર-માટીનું લીંપણ સારી રીતે કરતા આવડે તો એ જ સુખ બની જાય !

5 Comments »

  1. ભાવના શુક્લ said,

    December 12, 2007 @ 1:36 PM

    ખૂલવા ને મીંચવા વચ્ચે
    આપણી છે ઠકરાત
    ……………………………………..
    ખુબ ગમ્યુ!!!!!

  2. pragnajuvyas said,

    December 13, 2007 @ 10:19 AM

    સુંદર ગાઈ શકાય તેવું મધુર ગીત
    તેમાં ટહુકો નભમાં છલકી ઊઠે
    એટલો હો કલરવ
    સાંજનો કૂણા ઘાસ ઉપર
    પથરાયો પગરવ
    લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
    સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
    ગમી…
    નીલમનું કાવ્ય યાદ આવ્યું
    ટીપે ટીપે કદી ટપકી જાય છે સુખ
    વાદળ સમ કદી વરસી જાય છે સુખ
    સાતતાળી દઇ છટકી જાય છે સુખ
    કદી પલમાં પકડાઇ જાય છે સુખ
    કદી પ્રિયાના આલિંગનમાં સમાય છે સુખ
    કદી મા ના બોખા ચહેરા માં પમાય છે સુખ
    મહેમાન બની હમેશા આવ્યું છે સુખ
    રાતવાસો કરવા ન રોકાયું છે સુખ
    ભરોસાપાત્ર કયારેય કયાં રહ્યું છે સુખ
    વારંવાર નશીબથી છટકતું રહ્યું છે સુખ
    કદી અશ્રુના બે બુંદમાં ઝળકયું છે સુખ
    બુઝાતી કોઇ જયોતમાં ટમટમયું છે સુખ
    ગળતા નળની જેમ ટપકયું છે સુખ
    એકધારું કયાં કદી છલકયું છે સુખ ?
    સૌની આંખમાં શમણુ થઇ વસ્યું છે સુખ
    આંખ ખૂલ્યે અદ્રશ્ય બની રહ્યું છે સુખ
    અંતે તો દ્રષ્ટિમાં સમાયું છે સુખ
    એ વિના કયાં કદી પમાયું છે સુખ ?

  3. Darshit said,

    December 13, 2007 @ 10:53 AM

    રાજકોટ થિ પાછો આવ્યો દુબઇ એ પેલા દિલિપ અન્કલ ને મડેલો અક્ટોબર મા એક સન્જે સન્જુ અન્કલ ને ત્યા. આજે ફરિ માલિ ખુબ ખુશિ થઇ. ખુબ જ સરસ ગિત!!!!

    આંખ ખોલું તો મોસૂઝણું
    ને આંખ મીંચું તો રાત
    ખૂલવા ને મીંચવા વચ્ચે
    આપણી છે ઠકરાત

  4. ઊર્મિ said,

    December 13, 2007 @ 12:13 PM

    વાહ, આખું ગીત જ મજાનું છે… ખૂબ ગમ્યું !

  5. hetal said,

    December 14, 2007 @ 1:27 PM

    હ આ સઇત નિ સોક્ન ચુ i love this site & pl addd audio for conviency

    thanks
    hetal

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment