અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.
હરદ્વાર ગોસ્વામી

ગઝલ – કાસમ પટેલ

હેલ, પનિહારી, પરબ, જળ ને પછી શું શું ગયું ?
વાવ, વીરડો, વ્હેણ, વાદળ ને પછી શું શું ગયું ?

બાગનો પર્યાય જો શોધી શકો તો શોધજો,
પર્ણ, ડાળી, ફૂલ, ઝાકળ ને પછી શું શું ગયું ?

કો’ક આપો આ મને મારા ખજાનાના સગડ,
શબ્દ, કીત્તો, શાહી, કાગળ ને પછી શું શું ગયું ?

અર્થનું આકાશ અંતે હાથ છેટું રહી ગયું,
કલ્પનાઓ, તર્ક, અટકળ ને પછી શું શું ગયું ?

વાદળો પાછળ લપાઇ સૂર્ય શું રણમાં જુએ ?
મૃગજળોનો એ ભરમ, છળ ને પછી શું શું ગયું ?

મુકત છો તો મુકત થૈ જા આ ગણતરીથી ય તું,
કેદ, પિંજર, રાવ, સાંકળ ને પછી શું શું ગયું ?

-કાસમ પટેલ

5 Comments »

  1. Pragnaju Prafull Vyas said,

    December 16, 2007 @ 10:18 AM

    કાસમભાઈની ગઝલ ગમી
    તેમાં
    મુકત છો તો મુકત થૈ જા આ ગણતરીથી ય તું,
    કેદ, પિંજર, રાવ, સાંકળ ને પછી શું શું ગયું ?
    પક્તીઓ ગમી
    ગુંજનની રચના યાદ આવી
    એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
    એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?
    જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
    એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?
    લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
    ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
    જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
    એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
    કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
    એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
    ય’ના ચાર આવર્તનોથી ભુજંગી.
    પછી શું થયું રે ? પછી શું ગયું રે?

  2. ઊર્મિ said,

    December 16, 2007 @ 2:07 PM

    અરે વાહ… ખૂબ જ મઝાની ગઝલ.. મજા આવી ગઈ!

  3. ભાવના શુક્લ said,

    December 16, 2007 @ 5:08 PM

    અર્થનું આકાશ અંતે હાથ છેટું રહી ગયું,
    કલ્પનાઓ, તર્ક, અટકળ ને પછી શું શું ગયું ?
    …………………………………………………….
    સુંદર….

  4. AKHIL said,

    December 19, 2007 @ 4:26 AM

    કવિતા સાથે સાથે comment are also too cool.

  5. અનામી said,

    December 5, 2008 @ 12:39 PM

    છેલ્લો શેર ખરેખર ખુબ જ અદભુત છે.છેલ્લા શેર સુધી ગયેલાનો અફસોસ છે અને છેલ્લા શેરમાં અફ્સોસ પણ ચાલ્યો જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment