‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું !
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

ગીત – મુકેશ જોષી

આ મારી છાતીમાં ફાટફાટ એકલતા
તારે શું કરવું છે જોઈને.
આખું આકાશ મારી અંદર હિજરાય
સાવ નવોનક્કોર ચાંદ ખોઈને…

હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
ઓઢાડે કાશ્મીરી શાલ.
એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
મને મફલર વીંટાળશે કે વ્હાલ.
તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
કોઈ નથી ઓળખતું કોઈને..            આખું આકાશ……

ટુકડો જમીનનો દરિયામાં હોય
એમ મારુંય નામ કોઈ ટાપુ,
મારી તારીખ સહુ વાંચીને કહી દેતા
પસ્તીમાં મૂકો આ છાપું.
દુઃખના આ ડાઘ નથી ભૂંસાતા:
થાક્યો છું ગંગાથી જખ્મોને ધોઈને.        આખું આકાશ…..

– મુકેશ જોષી

રૂપકોનું નાવીન્ય અતિખેડાયેલા વિષયમાં નવા પ્રાણ ફૂંકે છે……

21 Comments »

  1. વિવેક said,

    September 5, 2010 @ 1:38 AM

    સુંદર મજાનું ગીત… મુકેશ જોષીની ગીત શૈલીનો પોતીકો અવાજ છે અને એ અવાજ અહીં પણ સંભળાય છે…

  2. Jayshree said,

    September 5, 2010 @ 2:10 AM

    મઝ્ઝાનું ગીત… મુકેશ જોષી હોય અને ગીત ના ગમે એવું બને?

  3. વિહંગ વ્યાસ said,

    September 5, 2010 @ 2:20 AM

    મજાનું ગીત લાવ્યા છો તીર્થેશભાઇ, ગમ્યું. વિવેકભાઇ ર.પા. નું “મદારીનું પ્રણયગીત” હાથવગુ હોય તો મુકવા વિનંતી. તેમના સમગ્ર કાવ્ય સંગ્રહમાં છે. આભાર.

  4. Ruchir Pandya said,

    September 5, 2010 @ 3:19 AM

    મુકેશ જોશી ગીતો ના ગઢવી છે …..લયપરસ્તી વિશે શુ કહો છો?

  5. ઉલ્લાસ ઓઝા said,

    September 5, 2010 @ 4:23 AM

    હાલની વરસાદી મોસમમા શાલ ઓઢી વ્હાલપની હૂંફ આપી જતુ સુંદર કાવ્ય.

  6. Pancham Shukla said,

    September 5, 2010 @ 5:11 AM

    આ કવિનાં ગીતોમાં શબ્દોની પસંદગી, આંબી શકાય એવું કલ્પનાવિશ્વ અને સહજ પાઠ્યલયના સંમિશ્રણો જનસામાન્યને પોતીકી વાતથી પંપાળતા હોય એવો અનુભવ કરાવે છે. અને આ કારણે એમના ઘણાં બધાં ગીતો પહેલાં વાંચનને જ અબાલ-વૃદ્ધ તેમજ નર-નારીને ઝંકૃત કરી જતાં હોય છે.

  7. Mukund Joshi said,

    September 5, 2010 @ 8:21 AM

    મુકેશ જશી ના ગીત, હૈયાને સહેજ જ ગાતા કરી દે એવા ગીત છે.

  8. Ramesh Patel said,

    September 5, 2010 @ 10:31 AM

    શ્રી મુકેશભાઈ કલ્પનાની તાજગી અને નાવિન્ય
    એક લયના લહેકા સાથે ગીતની ઝોલીમાં
    ઝુલાવી દે છે.સરસ રચના માટે અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  9. "માનવ" said,

    September 5, 2010 @ 9:43 PM

    સરસ ગીત છે..

  10. Ashok Trivedi said,

    September 5, 2010 @ 10:15 PM

    maja avi gai.monday morning sudhri gai

  11. pragnaju said,

    September 5, 2010 @ 10:24 PM

    સરસ મજાનું ગીત
    હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
    ઓઢાડે કાશ્મીરી શાલ.
    એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
    મને મફલર વીંટાળશે કે વ્હાલ.
    તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
    કોઈ નથી ઓળખતું કોઈને..
    વાહ્

  12. Mousami Makwana said,

    September 6, 2010 @ 12:10 AM

    BEAUTIFUL……
    એકાન્તનુ , એકલતાનુ અતિસુન્દર નિરુપણ…..
    મુકેશ જોશી મારા મનગમતા કવિઓ માના એક છે…

  13. dhrutimodi said,

    September 6, 2010 @ 8:43 AM

    સુંદર મઝાનું ગીત. એકલતાની પીડા અને હૂંફની આશા માટે સુંદર રુપકોનો ઊપયોગ.

  14. હેમંત પુણેકર said,

    September 7, 2010 @ 1:29 AM

    ખૂબ સુંદર ગીત! પ્રતીકોની તાજગીમાં અનેરી મજા છે!

  15. Meet said,

    September 7, 2010 @ 7:30 AM

    સાહેબ કહેવું પડે તમને તો..!
    -મીત

  16. Kirtikant Purohit said,

    September 7, 2010 @ 11:30 AM

    સહજ સરસ અને ભાવવાહી ગીત.

  17. Bharat Trivedi said,

    September 8, 2010 @ 5:35 PM

    ગુજરાતી ગીત આજે કેટલું આગળ નીકળી ગયું છે તેના કૈ પુરાવા આપવા પડે તેમ છે? તીર્થેશભાઈએ નોંઘ્યું છે તેમ વિષય તો અતિ ખેડાયેલો છે પરંતુ કવિની માવજતે અહીં કમાલનું કામ કર્યું છે. ગીતનો ઊઘાડ જ કેવો લાજવાબ છે! એક જ સ્વાસસમાં કવિએ પોતાની એકલતાને ક્યાંથી ક્યાં આભ સુધી વિસ્તારી દીધી છે! એકલતાનું કારણ તો કહે ‘સાવ નવોનક્કોર ચાંદ ખોઈને’! અહીં અમેરિકામાં તો દર શુક્રવારે ‘નવો ચાંદ ‘ મળી રહે ખરો પણ ગુજરાતમાં?
    ખેર…તો, પહેલાં આભ ને પછી તો ચાંદ જ આવે ને? પરંતુ અહીં તે કેવી રીતે આવે છે તે જોયું? હું જોયું સકારણ કહી રહ્યો છું કેમકે સારો કવિ આપણને બતાવે એટલે કે દેખાડે ! બધું જ આપણી નજર સમક્ષ્ આવીને ખડુ થઈ જાય !

    જુઓ બીજો અંતરા એક પળમાં તો વામન પગલું માંડે છે. જોકે વાત અહીં એટલી નથી રહી રોમાન્ટિક કે સીધી સાદી ના રહેતાં ગંભીરતા પકડે છે. હૂંફની આ કડકડતી ‘તંગીમાં’ કહ્યુ છે- નહીં કે “ઠંડીમાં! કવિ અહીં જે સ્વસ્થતા દાખવે છે- જે અનિસ્ચિતતા – uncertenty પર અટકી જાય છે!

    તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
    કોઈ નથી ઓળખતું કોઈને..

    આ પંક્તિઓ પર મારે વળી વળીને જવું પડ્યું કેમ કે દેખાય છે તેટલી વાત સરળ હોવા વિશે મન મારું માનવા તૈયાર ના હતું. દર વર્ષ વીંટરના ચાર માસ હું કેરાલા ને વદોદરા/ અમદાવાદ વચ્ચે
    વહેંચી લેતો હોઉં છું ને તાપણું કરી કુંડાળે વળી બેઠેલા લોકો મેં જોયા છે ને બેસવા મન પણ કર્યુ છે. છતાં અહીં જે વાત છે તે મને જૂદી જ જણાય છે. જાણે કે ચિતા પાસે અધિરાઈ પૂવક કૂંડાળે બેઠેલા સ્વજનો! જે ઘેર પહોંચતાં જ અપરિચિત થઈ જવાના છે! આ મેં જે કહ્યુ તેની કદાચ શાખ પૂરે છે પરંતુ છેલ્લા ચરણમાં પ્રિય મુકેશભાઈએ ગરબડ કરી હોય તેમ મને લાગ્યુ. આટલી સ્વસ્થતા દાખવ્યા પછી આટલા તે બોલકા થઈ જવાય, મુકેશભાઈ?

    ભરત ત્રિવેદી

  18. atulyagnik3505@gmail.com said,

    September 9, 2010 @ 1:02 AM

    આજે મજા આવિ ગઇ

  19. PRADIP SHETH . BHAVNAGAR said,

    September 9, 2010 @ 3:36 AM

    કોઇ નથી ઓળખતું કોઇને….સરસ…ખૂબજ સરસ….

  20. nalin suchak amdavad said,

    September 10, 2010 @ 10:39 AM

    I really love your songs. once i loved ramesh parekh and next u r who make me ” zoooooom” my bleessings are always with u.

  21. Pinki said,

    September 11, 2010 @ 7:28 AM

    વાહ્.. મુકેશભાઇ,
    નવાં કલ્પન, શબ્દ અને અનેરી તાજગી તેમનાં ગીતોમાં જોવા મળે જ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment