વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

કપાસમાં – અમિત વ્યાસ

તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં !

સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં !

જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં !

તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં !

ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !

સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !

– અમિત વ્યાસ

ગઝલના બધા જ શેર સુંદર થયા છે પણ મને તો દાદીમાની રાજકુમારીની વારતા વધુ ગમી ગઈ. દાદા-દાદી ભલેને ઘરના એક ગોખલામાં મૂકાઈ ગયેલા દીવા જેવા થઈ ગયા હોય, ઉજાસ આપતા રહેવાનું ભૂલતા કે છોડતા નથી. ઉંમર ઝોલે ચડી હોય એમ ભલે ડગુમગુ થતી હોય પરંતુ પોત્ર-પૌત્રી માટે રાજકુમારીની વારતાઓનું અજવાળું પાથરવાનું છોડતી નથી. અને ગઝલનો આખરી શેર ઉચ્ચ કક્ષાનો મનનીય શેર બન્યો છે. શબ્દને વેડફવાને બદલે એની સાચી શક્તિ જો પામી શકાય તો જીવનનો સાચો અર્થ સરે. શબ્દનું સત પમાય તો સંત થવાય.

12 Comments »

  1. Pinki said,

    October 17, 2008 @ 3:28 AM

    વાત એ જ પણ અંદાજે બયાઁ
    બહુત ખૂબ !!

    ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
    ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !

    આ શેર તો અફલાતૂન –

    સેવી શકે, તો સંતની કોટિને પામશે;
    જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !

    શબ્દસાતત્ય !!

  2. Shah Pravinchandra Kasturchand said,

    October 17, 2008 @ 7:16 AM

    ખૂબ સુંદર રચના થઈ છે.

  3. ધવલ said,

    October 17, 2008 @ 8:24 AM

    ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
    ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !

    – સરસ !

  4. pragnaju said,

    October 17, 2008 @ 9:23 AM

    સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
    લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં !
    પંક્તીઓ ગમી
    યાદ આવી
    ને નાસિકા,જ્યમ કપાસનું ફૂલ ફૂટે …
    છૂટે સમીર હળવોક રચાય ચહેરો.
    સેવી શકે, તો સંતની કોટિને પામશે;
    જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
    શીરમોર શેર…
    વિચારે દિવાનના દિવાન આવે!

  5. sudhir patel said,

    October 17, 2008 @ 11:12 AM

    સાચી વાત, બધા જ શેર સરસ છે! મજા આવી તરબતર થવાની.
    સુધીર પટેલ.

  6. ઊર્મિ said,

    October 17, 2008 @ 11:53 AM

    સેવી શકે, તો સંતની કોટિને પામશે;
    જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !

    વાહ… મજાની ગઝલ થઈ છે!!

  7. ડૉ. મહેશ રાવલ said,

    October 17, 2008 @ 1:18 PM

    વર્ષોથી અમિતનો સંગાથ માણ્યો છે અને કાયમ અલગારી મિજાજમાં જ જોયો છે એને…..!
    પ્રસ્તુત ગઝલમાં જે જે લખાયેલું છે એજ,મને એમ લાગે છે કે જીવાયું છે….ગઝલની બ્હાર પણ..
    -અભિનંદન

  8. dr.Nanavati said,

    October 17, 2008 @ 2:43 PM

    ત્રિજીયા પરીઘ કોણમાં એને ન શધશો
    મળશે તમોને કાયમી અમિત વ્યાસમાં…!!!!

    મઝા આવી ગઈ

  9. preetam lakhlani said,

    October 17, 2008 @ 3:14 PM

    પ્રિય અમિત ભાઈ, રાજકોટ ના ગણયા ગાઠયા કવિ મા તમે મારા ઍક પ્રિય કવિ ….તમારિ ગઝ્લો મને મારા મિત્ર મધુ માણૅકે આજ થિ દોધ દાયકા પ્રુવે આપી હતી….તમારી ગઝલો મારી પાસે મૉજુદ ચે…..ધણી વાર મોડિ રાતે વાચુ અને તમને યાદ કરુ……તમારી આ ગઝ્લ મા મજા આવિ ગઈ…….ગુજરાતી મા લખવાનિ કોસીશ કરુ ચુ અટ્લે સમજિ વિચારિ ને વાચિ લેશો, તમારો ક્ફન ભાગિ દાર ……………અકવિ, પ્રીતમ્……..

  10. અનામી said,

    December 5, 2008 @ 1:05 PM

    આફરીન!
    ખરેખર દરેકે-દરેક શેર અદભુત છે.

  11. dr.ketan karia said,

    November 3, 2011 @ 10:39 AM

    તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
    તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં

    તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
    એનોય હાથ હોય છે તારા વિકાસમાં !
    —–
    વાહ!!!!!

  12. અમિત વ્યાસ said,

    March 26, 2020 @ 2:37 PM

    આપ સહુ આત્મીય ભાવક મિત્રો અને પ્રિય સર્જકમિત્રોનો ખૂબ ખૂબ આભાર સહ પ્રેમ સ્મરણ વંદન….
    જે જીવાય, તે જ અનુભૂતિ…. બાકી તો અનુ કૃતિ જ…. મારા એ દૃઢ આગ્રહને આ સહુએ સ્વીકાર્યો તેનો રાજીપો..
    અનુભવજગત સિવાય જે થાય તે નરી ભ્રમણા જ હોય,રમણા નું ઐશ્વર્ય એને ક્યાંથી?!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment