જીવ, તારી જી-હજૂરી જો ટળે,
શ્વાસ લેવાની પછી ઝંઝટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

હજો – મકરંદ દવે

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

વર્ષના અંતે આ મનોરમ અછાંદસ…….

6 Comments »

  1. ravindra Sankalia said,

    December 31, 2013 @ 5:44 AM

    વર્ષના અન્તે કેવી સુન્દર માન્ગણી | આપ્ણે સહુ આવી ઇછા કરીએ તો ધરતી પર સ્વર્ગ ઉતરે.

  2. Sandhya Bhatt said,

    December 31, 2013 @ 10:52 AM

    સૌંદર્યનું ભાવન એ મોટું સુખ સૌને બક્ષવા માટે આભાર..

  3. perpoto said,

    December 31, 2013 @ 11:36 AM

    સુંદર ભાવના…

    જાણે ઇશ્વર
    ટપાલી હોય તેમ
    પત્ર લાવજો

  4. Maheshchandra Naik (Canada) said,

    January 1, 2014 @ 2:14 PM

    સાંઈ મકરંદ દવેને સલામ…………………

  5. Dhaval said,

    January 1, 2014 @ 11:29 PM

    સંતોષનું સુંદર ગાન !

  6. nirlep bhatt said,

    July 27, 2018 @ 2:56 PM

    વાહ વાહ…બહુ ગમતુ ગેીત…અમર ભટ્ટ બહુ સરસ ગાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment