જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
વિવેક મનહર ટેલર

મૃત્યુફળ – ઉમાશંકર જોશી

મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

– ઉમાશંકર જોશી

હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:

કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?

– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!

11 Comments »

 1. sneha patel - akshitarak said,

  April 4, 2013 @ 2:03 am

  બહુ જ સરસ કવિતા અને શબ્દચિત્ર !.

 2. Rina said,

  April 4, 2013 @ 2:06 am

  Awesome

 3. perpoto said,

  April 4, 2013 @ 3:08 am

  ચાહું છું છતાં

  પાનખર વસંત

  આવે ને જાય

 4. pankaj said,

  April 4, 2013 @ 6:35 am

  સુન્દર ક્લ્પ્ના કહેવાય.

 5. pragnaju said,

  April 4, 2013 @ 9:51 am

  મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
  શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
  મૃત્યુફળ.
  ખૂબ સરસ

 6. sudhir patel said,

  April 4, 2013 @ 10:48 am

  ખૂબ મોટા ગજાના કવિનું કાવ્ય કેવું હોય એનો ખ્યાલ આપતું કાવ્ય!

  અછાંદસ ઉપર હાથ અજમાવતા દરેક કવિએ નોંધવા જેવું કાવ્ય!!

  સુધીર પટેલ.

 7. Maheshchandra Naik said,

  April 4, 2013 @ 3:22 pm

  મૃત્યુફળની વાત મૌન ગૌરવ્ બરછટ શુષ્કતા, મમતા આ ધર્તીની…….શાખા બાહુ વચ્ચે અંગે વાત કવિશ્રી ઉમાશ્ંકર જેવા ઉચા ગજાના કવિ જ કરી શકે, બહુ વિચાર માગી લેતી કવિતા………………………..

 8. પંચમ શુક્લ said,

  April 6, 2013 @ 5:21 am

  વાહ, સરસ કાવ્ય.

 9. મૃત્યુફળ – ઉમાશંકર જોશી | વિજયનું ચિંતન જગત- said,

  April 6, 2013 @ 4:36 pm

  […] http://layastaro.com/?p=9856 This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink. ← મને વીંટળાયો આ પવન પરખનો….રમેશ પટેલ(આકાશદીપ) […]

 10. JAyant Shah said,

  April 7, 2013 @ 10:04 am

  કાવ્ય ખુબ ગમ્યુ ને એના કરતા હરિન્દ્રે દવેનુ લખાણ સારુ લાગ્યુ – એને ભિસિ રાખેલુ મ્રુત્યુફલ સરેી પણ પડૅ –પણ કદાચ જ ……!

 11. La'Kant said,

  April 10, 2013 @ 4:30 am

  આભાર ! આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિશ્રી ઉ.જો.નિ કૃતિ ની પેશગી બદ્દ્દલ…
  “…. રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની……:”
  રજુકર્તાની પેશગી સાથેના કથનો – ” કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે –” માં શાશ્વત ” આશાવાદ”નો અણસારો !
  સરસ…
  “આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?”…. આયુષ્યના ઢળેલા મુકામે આવું “દર્શન’ સહજ…સ્વાભાવિક પણ…એક અતિસામાન્ય માનવીય લાગણી,
  ભાવ પણ…

  વાત ભલે ‘કોઈક” અથવા, ” કંઈક”ના સંદર્ભે મંડાણી હોય પણ , મૂળ તો પોતાની અંદરની કો’ક વાત કહેવાની હોય છે! દરેક શબ્દના ગોયાને પોતાની વ્યથા-કથાજ… લગભગ બહાર આવે…
  (નર્યું રેખાઓનું માળખું છે એ. એને ચરણેથી એને જોઉં છું.પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો ! ) કવિએ પોતાની કૃષ્ કાયાને જ અનુલક્ષીને ઝાડના ઠુંઠાની વાત સ્મરી હશે ને? આજ કાયાને સહારે કઈ કેટલું થયું સમગ્ર જીવન દરમ્યાન, તે પણ સ્મૃતિમાં ઉભરાય….
  ‘મૃત્યુફળ’ (જે જીવનની સાથે જ જડાયેલી, સીક્ક્સની બીજી બાજુ જેવી વાસ્તવિકતા છે ને? ) એજ તો જીવનની ” ફલશ્રુતિ….=ઉપલબ્ધિ એમ પણ કહી શકાય ને?
  -લા’ કાન્ત / ૧૦-૪-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment