જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

એક ઊખાણું! – રાજેન્દ્ર શુક્લ

ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!

– રાજેન્દ્ર શુક્લ

સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.

9 Comments »

 1. La' Kant said,

  February 5, 2013 @ 7:12 am

  ” આ તો પ્રેમની સંગત છે” પ્રેમને કારણ ન હોય!! એ તો બસ માણી શકાય એટલું માણ્યું એજ સહી…
  એમાં સુધર્યાકે બગડ્યા ? શું પામ્યા કે ખોયું ? ….ગમે તે પરિણામ હોય…” અનુભવ” લીધો ને?
  આપણે એ મિલનમાં કેટલા ઊંચે ચઢ્યા? વિકસ્યા કે સામે પક્ષે એવું થાય એમાં સિંહફાળો આપી શક્યા , એવી તક મળી એનોજ આનંદ હોય ને?
  વાહ એક અનેરી રજૂઆત….સાવ દેશી સ્ટાઈલમાં… તળપદી ભાષા અને વિશિષ્ટ શબ્દ-પ્રયોગો..
  આનંદ …આભાર રાજેન્દ્રભાઈનો. જેમને અંગત વ્યક્તિગત મળવાનો. તેમની કૃતિઓ સ્વમુખે સાંભળવાનો..માણવાનો, અમદાવાદમાં તેમને ઘરે..શ્રી સુરેશ જાનીના સૌજન્યને કારણે મળ્યો તે યાદ આવ્યું..તેમનો ઘેરો અવાઝ કાનમાં ગુંજવા લાગ્યો… આ અનુભૂતિ…લ્હાવો….સદનસીબેજ સાંપડે..
  રજુકર્તાનો પણ..ધન્યવાદ.
  લા’કાન્ત / ૫-૨-૧૩

 2. vijay joshi said,

  February 5, 2013 @ 10:08 am

  wow! This is Kathiyawadi at its best. This is what I grew up with in Saurashtra and have lost touch with now for more than 40 years far away in a foreign land which I call home now and write mostly in English but my heart at its core still belongs to and will always long for and will cherish Gujarati with love and affection. An immigrant is always prospecting for new home while never quite feeling at home away from home.
  This wonderful multi layered rich Gazal delivers sher after sher pearls of wisdom in a simple old fashioned package.

  હું તારામાં ગયું ઓગળી,
  તું મુજમાં આવી સંતાણું!…..

  યાદ આવી…..

  लाल ना रंगाऊ मैं हरी ना रंगाऊ
  अपनेही रंगमें रंग दे चुनरिया।।
  મીરા બાઈનું આ પ્રતીમ ભજન પણ હરિના શ્યામ રંગમાં રંગાઈ જવાની વાત કરે છે એની યાદ આવી.

 3. pragnaju said,

  February 5, 2013 @ 1:13 pm

  હું તારામાં ગયું ઓગળી,
  તું મુજમાં આવી સંતાણું!

  અવલોક્યું તો અલગ રહ્યું ના,
  આંખોમાં આખ્ખું અંજાણું!
  ખૂબ સુંદર ભાવવાહી

 4. naresh solanki said,

  February 5, 2013 @ 2:05 pm

  રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
  રંગ વગર આખર રંગાણું!

  અમે જ અમને ફટવી મૂક્યા,
  ઉપરથી તમણું ઉપરાણું!

  – રાજેન્દ્ર શુક્લ

  ખુબ સુન્દર્…………………………

 5. M.D.Gandhi, U.S.A. said,

  February 5, 2013 @ 2:57 pm

  બહુ સુંદર રચના છે.

 6. Maheshchandra Naik said,

  February 5, 2013 @ 5:34 pm

  રંગ ચડ્યા ને રંગ ઊતર્યા
  રંગ વગર આખર રંગાણા
  અમે જ અમને ફટવી મૂક્યા,
  ઉપરથી તમણુ ઊપરાણુ!
  જીવનની ફિલસુફી સમજાવતુ ખુબ સરસ ઊખાણુ………………………

 7. vijay joshi said,

  February 5, 2013 @ 6:08 pm

  ખુબસુરત ઉખાણું લખાણું
  હું એને કેટલું વખાણું?
  વિજય જોશી

 8. Suresh Shah said,

  February 5, 2013 @ 9:39 pm

  રાજેન્દ્રભાઈ ની રચના અને તળપદી ભાષા – આ બન્નેનો સુમેળ આહ્લાદક બન્યો.
  આનંદ આવ્યો.

  આભાર.

  -સુરેશ શાહ, સિંગાપોર

 9. વિવેક said,

  February 6, 2013 @ 1:26 am

  સુંદર ગઝલ અને મનભર આસ્વાદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment