પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.
વંચિત કુકમાવાલા

યુગ તો વટાવી જાઉં – મધુમતી મહેતા

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

– મધુમતી મહેતા

મધુમતી મહેતા (જન્મ:૧૦-૦૫-૧૯૪૯) વ્યવસાયે તબીબ છે અને શિકાગો ખાતે રહે છે. પ્રસ્તુત ગઝલમાં છંદોની નજીવી શિથિલતાને નજરઅંદાજ કરીએ તો પાંચ સશક્ત શેર સમુદ્ર-મંથન પછીના અમૃત સમા ઊભરી આવે છે. જીવનનું સંગીત અહીં કવિતાની વાંસળીમાંથી સુપેરે સરતું જણાય છે.

9 Comments »

 1. pragnajuvyas said,

  November 24, 2007 @ 10:39 am

  પાંચે પાંચ સુંદર શેર પણ તેમાં
  આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
  દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.
  વધુ સારી દૃષ્ટિ માટે ડેસિમેટસ સ્ટ્રોપીંગ એન્ડોથેસિઅલ કેરેટોપ્લાસ્ટી કરવામાં આવે છે પણ આ શસ્ત્રક્રિયા અહીં કામ નથી લાગતી! અહીં તો પાંચ માન્યતાઓ નડ્યા કરે છે.તે સમજ્યા એટલે જ્યોતિ પ્રગટ થવાની શક્યતાઓ વધે છે.
  અહીં અમેરીકામાં ઘરમાં ગુજરાતી ભાષામાં વાત કરતાં કરવા એ જ સિધ્ધી છે તો તબીબી વ્યવસાય સાથે કાવ્યો લખવા તે તો ખાસ અભિનંદનને પાત્ર છે

 2. Darshit said,

  November 24, 2007 @ 11:10 am

  બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
  આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

  આટલુ સરળ અને સચોટ મત્ર બે લિટિ મા!!!!!
  ખુબ જ સરસ…..

 3. ઊર્મિ said,

  November 25, 2007 @ 12:16 pm

  સુંદર ગઝલ… દરેક શેર ખૂબ જ સ-રસ!

  સદભાગ્યે સુ.દ.ના પ્રોગ્રામમાં મને આ કવિ દંપતિ (અશરફ ડબાવાલા-મધુ મહેતા) ને મળવાનો લ્હાવો મળ્યો હતો! નજીકનાં ભવિષ્યમાં જ મધુબેનનો કાવ્યસંગ્રહ પણ આપણને જરૂર માણવા મળશે એવી આશા છે…!

 4. વિવેક said,

  November 26, 2007 @ 1:21 am

  શ્રી મધુમતિ મહેતા અને અશરફ ડબાવાલા દંપતિ છે એ આજે જ જાણ્યું…

 5. ભાવના શુક્લ said,

  November 26, 2007 @ 11:37 am

  બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
  આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.
  ……….
  બહુ જ સુંદર!!!!

 6. Chandresh Thakore said,

  November 30, 2007 @ 11:34 pm

  મધુમતીબેન: તમારા કાવ્યસઁગ્રહની રાહ જોનારાઓની હરોળમાઁ ઘણી ધીરજ રાખીને, તમને સૌ પ્રથમ મળ્યો ત્યારનો હુઁ ઊભો છુઁ. આ ગઝલ પણ ઘણી ગમી. પ્રતિભાવમાઁ આટલુઁ જ કહીશ કે તમનેઃ

  વર્ષો વર્ષ શબ્દોનુઁ ગળપણ જડયા કરે …

  — ચઁદ્રેશ

 7. Pinki said,

  December 2, 2007 @ 2:17 pm

  યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
  જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

  હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
  ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

  ખૂબ જ સુંદર શેર…….

 8. Raju Yatri - NJ said,

  December 2, 2007 @ 5:38 pm

  ઘણી સુંદર રચના – ખૂબ ઉંડાણવાળા શબ્દોનો અનોખો સમન્વય કરી “ક્ષણ”નું મહત્વ ખૂબ સમજાવ્યુ. આ શબ્દોને સ્વર આપીને મેં “મધ્યબિંદુની જેમ સ્થિર” થવા કોશિશ કરી! ખૂબ ખૂબ ધન્યવાદ.

 9. nilam doshi said,

  December 4, 2007 @ 3:03 am

  યુગ વતાવવા કયારેક.. સહેલા બની શકે પરંતુ કયારેક કોઇ એક ક્ષણ યુગ જેવી લબાય છે..અને તે ક્ષણનો ઉન્બરો ઓળંગવો અઘરો બની જાય છે.ક્ષણ જેવી ક્ષણ નો યુગ બની જાય છે.

  રકતમાં થીજેલું સગપણ ઓળંગવું આસાન થોડુ છે ? બુધ્ધ બનવું જો આસાન હોત તો…?

  આપણે બધા તો એ સગપણની આસપાસ એક પરિઘમાં ઘૂમતા રહીએ છીએ..એ પરિઘનો વ્યાસ શકય તેટલો મોટો કરી શકાય તો પણ ઘણું.

  ખૂબ સુન્દર રચના.અભિનન્દન.આમ પણ તેમની બધી રચનાઓ ની હું ચાહક ,ભાવક રહી છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment