અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

8 Comments »

 1. gunvant thakkar said,

  January 25, 2013 @ 1:18 am

  ગઢવીઓની દુહા છંદની વિશેષ પરંપરા આ રચનામાં સુપેરે ઝળકી ઉઠી છે . ર.પા.જેવા અપવાદો ને બાદ કરતા આવી રચના કોઈ ગઢવી જ આટલી સરસ રીતે રચી શકે .મિલિન્દ ભાઈને ખુબ ખુબ અભિનન્દન .

 2. વિવેક said,

  January 25, 2013 @ 2:02 am

  @ ગુણવંત ઠક્કર:
  કાંઈ સમજફેર થઈ લાગે છે, ગુણવંતભાઈ… આ ગઝલમાં તો ગાગાલગાના ચાર આવર્તન માત્ર છે..

 3. gunvant thakkar said,

  January 25, 2013 @ 2:51 am

  તમારી વાત સાચી છે વિવેકભાઈ , છે તો આ ગઝલ જ એ દેખીતું છે પરંતુ એમાં સૌરાષ્ટ્રના પરમ્પરાગત લોકકવિઓની થોડી છાંટ કે ખુશ્બુ મને વર્તાય છે મારો એ તરફ જ ઈશારો છે અલબત મારા ઉપરોક્ત વિધાનમાં મારી વાત હું યોગ્ય રીતે મુકી નથી શક્યો એ હું સ્વીકારું છું.

 4. Mukundrai Joshi said,

  January 25, 2013 @ 6:09 am

  બહુ સ્રરસ રચના

 5. pragnaju said,

  January 25, 2013 @ 8:00 am

  ખૂબ સુંદર ગઝલ્
  અને વિવેકનો સ રસ આસ્વાદ જેના વગર માણવાની આટલી મઝા ન આવત
  આ શેર વધુ ગમ્યો
  છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
  રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*
  ‘કિતના હૈ બદનસીબ ‘ઝફર’, દફન કે લિયે,. દો ગજ જમીં ભી ન મીલી કૂ-એ-યારમેં…’
  આ શેર છે હિન્દુસ્તાનના છેલ્લા મુઘલ શહેનશાહ બહાદુર શાહ ઝફરનો. ફાની દુનિયા છૉડ્યા
  બાદ બે ગજ જમીન પણ નથી મળતી એ યાતના કેવી હોય છે તે દર્શાવે છે.

 6. Maheshchandra Naik said,

  January 25, 2013 @ 3:04 pm

  ગઝલ માણવાની દોડ્મા હાંફી ગયા રે લોલ્….
  સરસ ગઝલ, મિલીંદ ગઢવીને અભિનદન્ આપનો આભાર…………..

 7. Pravin Shah said,

  January 30, 2013 @ 3:27 am

  રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા..

  ખૂબ સુંદર રચના ! મઝા આવી.
  ગઝલનો ગીતનુમા ઉઠાવ ગમ્યો.
  વડોદરાની બુધસભા તમને ખૂબ યાદ કર છે.

 8. જૈમિન ઠક્કર "પથિક" said,

  January 30, 2013 @ 3:32 am

  વાહ ગઢવી સાહેબ ખૂબ સુંદર ગઝલ મજા આવી,.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment