જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
વિવેક મનહર ટેલર

પછી – હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
          સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
          રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
          મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
          મુલાકાત થઈ પછી.

– હરીન્દ્ર દવે

આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !

9 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  November 7, 2007 @ 3:51 am

  કવિતાની ખુબી જ તે છે કે જેટલી વખત વાંચીએ તેટલી વખત નવા નવા અર્થો મળી આવે.

  ખુશનુમા લાગતું વાતાવરણ ક્યારે ઘેરા શોકમાં પરિણમે તે કાઈ કહેવાય નહીં. અને મૃત્યું ને હથેળીમાં લઈને ફરનારા મરજીવા જ સાચુ જીવન માણી શકે છે.

  શ્રી હરીન્દ્ર દવે ને માણવાનો લહાવો તો કાંઈક અનેરો જ છે.

 2. pragnajuvyas said,

  November 7, 2007 @ 9:35 am

  ડો. શ્યામલ-સૌમીલ મુન્શી જાણે ગાતાં હોય
  ‘ પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !’
  કે
  ” તારા ગયા પછી
  તારી સાથે કરેલી વાતો
  મેં કદી સમયને સોપી નથી”
  કે
  “મળ્યા છે પ્રેમી હ્રદયો આજ વર્ષો પછી,
  પુરાવી છે મૂક હાજરી વર્ષાએ આજ વર્ષો પછી.”
  કે
  છોડી દીધા સ્વજનોને તમને મેળવવા માટે,
  રહ્યું નહિં કોઈ સગુ સારું, તમારા થયા પછી !
  કે
  અમારી પેરણા – પન્ના
  “કેટકેટલાં વર્ષો પછી
  આંખ ઉકેલે આંસુ.”
  …પછી ટ્યુબ લાઈટ થઈ- કવિતાનો મર્મ સમજાણો
  મારી જીવનની સાથે
  મુલાકાત થઈ પછી.
  ફરીવાર વાંચવાનૂં થાય તો
  આવી નવીન રીતે વિવરણ કરવા વિનંતિ

 3. ભાવના શુક્લ said,

  November 7, 2007 @ 10:50 am

  સુદર….
  નઘરોળ વાસ્તવિકતાને આમ જ મળી “Hello!!! Good morning” કહેવુ ગમ્યુ.

 4. Pinki said,

  November 8, 2007 @ 2:01 am

  “‘મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો –
  જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.” – મનોજ ખંડેરિયા

  હોવાપણાનો અહેસાસ વસ્તુના ગયા પછી જ થાય
  આ મોત – શબ્દ માત્ર જ કેવો ભયાનક –
  જીંદગીના હોવાપણાનો અહેસાસ તો કરાવે !

 5. વિવેક said,

  November 8, 2007 @ 2:09 am

  આ સ્વતંત્ર કવિતા છે કે બે શેરનું ઝુમખું? અહીં ગઝલનો છંદ, રદીફ અને કાફિયા બધું જ છે… જો આ ગઝલ હોય તો આખી ગઝલ કેમ માણવા ન મળે?

 6. ઊર્મિ said,

  November 8, 2007 @ 12:38 pm

  પ્રિય વિવેક, આ રહી… પિંકીએ લખેલા શેરવાળી આ આખી ગઝલ… http://tahuko.com/?p=1027 🙂

 7. વિવેક said,

  November 9, 2007 @ 12:04 am

  પ્રિય ઊર્મિ,

  હું હરીન્દ્ર દવેની અહીં પ્રસ્તુત કવિતા અંગે જ ટિપ્પણી કરતો હતો. ધવલે પૉસ્ટ કરેલી કવિતા મને કવિતા ઓછી અને બે શેરનું ઝુમખું વધારે લાગે છે…

 8. ઊર્મિ said,

  November 9, 2007 @ 11:53 pm

  ઓહ… 🙂

 9. Ketan Yajnik said,

  August 15, 2014 @ 12:25 pm

  જ્યારે બે “શેર્ ના ઝુમ્ખામા “વિવેક્ અતવાય તો ઓહ ઉર્મિ આહ મા પલતાય્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment