સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી

દૈવી કીમિયાગર – શ્રી અરવિંદ – અનુ-હરીન્દ્ર દવે

આ જગતની ઘટનાઓનો પ્રશાંત આત્માથી સામનો કરું છું;
એ સૌમાં સંભળાય છે તારા પદધ્વનિ : તારાં અદ્રશ્ય ચરણો
મારી સન્મુખ ગતિ કરે છે નિયતિના માર્ગો પર . જીવનનું આખું
પ્રચંડ પ્રમેય એ તું સંપૂર્ણ.

મારા મનની નીરવતામાં કોઈ જોખમ વિક્ષેપ નહિ કરી શકે;
મારાં કાર્યો તારાં છે; હું તારાં કાર્યો કરું છું,પસાર થઈ જાઉં છું;
નિષ્ફળતા તારા અમર્ત્ય બાહુ પર આશ્રય લે છે
વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ.

માનવ-પ્રારબ્ધ સાથેના આ કઠોર સંઘર્ષમાં
મારા અંતરમાંનું તારું સ્મિત સર્જે છે મારી સઘળી શક્તિ;
સમય-સર્પની મંદ સરકતી ગતિની ખેવના વિના
તારી મારામાંની શક્તિ રચે છે એનું ભગીરથ આલય.

કોઈ તાકાત મારા આત્માને હણી ન શકે: એ તારામાં જીવે છે.
તારું અસ્તિત્વ એ મારી અમરતા.

-શ્રી અરવિંદ – અનુ.-હરીન્દ્ર દવે

વીસમી સદી અત્યંત સદભાગી હતી કે જેણે આ ઋષિધ્વનિ સાંભળ્યો….. પ્રત્યેક પંક્તિ ઉપનિષદની યાદ અપાવે છે …. ‘વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ….’ – અદભૂત !! મહર્ષિ અરવિંદને વાંચવા માટે પૂરતો સમય કાઢવો પડે અને એક ઉત્તમ કક્ષાની dictionary સાથે રાખવી પડે . તેઓ ગ્રીક અને લેટિન ભાષાના પ્રખર વિદ્વાન હતા કે જે ભાષાના જાણકારો વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય ! વળી સંસ્કૃત અને અંગ્રેજીના professor, એટલે ભાષાઓ તો તેઓની પ્રેમિકાઓ હતી …. ઘણીવાર તો તેઓનું એક વાક્ય એક-એક પાના જેટલું લાંબુ હોય ! પરંતુ ધીરજપૂર્વક વાંચતા એક અનેરું-અનન્ય ઊંડાણ માણવા મળે… તેઓએ મહાત્મા ગાંધી અને અહિંસાના ગાંધીજીના ખ્યાલ ઉપર લખેલો લેખ એક ઉત્તમ constructive criticism નો નમૂનો છે.

4 Comments »

 1. perpoto said,

  December 17, 2012 @ 3:08 am

  શ્રી અરવિંદની સાવિત્રી અદ્‌ભુત કવિતા છે.માતાજી વિષે પણ લખવાં જેવું છે.

 2. વિવેક said,

  December 17, 2012 @ 8:47 am

  મહર્ષિ અરવિંદની આવી જ એક રચના આપ અહીં માણી શકશો:

  http://layastaro.com/?p=2368

 3. pragnaju said,

  December 17, 2012 @ 10:09 am

  અદભૂત રચના
  કોઈ તાકાત મારા આત્માને હણી ન શકે: એ તારામાં જીવે છે.
  તારું અસ્તિત્વ એ મારી અમરતા.
  પોતાની બધી જ સીમીત, ખાસ માન્યતાઓ, પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો પરિત્યાર કરીને પોતાની આત્માના દરેક સ્તર પાર કરીને પોતાની જાતને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવવા પડશે. ત્યારે જ તે પોતાની અંદર ભગવાનની શોધ, દર્શન, પ્રાપ્તિ તેમજ અભિવ્યક્તિના શિખર પર પહોચી શકાશે. આખી સૃષ્ટિ પર ફેલાયેલી અસુરી શક્તિઓથી પીડિત માનવતાના ઉદ્ધાર માટે નવા પ્રકાશ, શક્તિ, જ્ઞાન, પ્રેમ તેમજ આનંદથી પરિપૂર્ણ સૃષ્ટિના જાગરણ તેમજ નિર્માણની તીવ્ર પ્રાર્થના કરી. આ જ કરૂણ ક્રંદનયુક્ત અવાજે મહર્ષિ અરવિંદની દિવ્ય આત્માને 15 મી ઓગસ્ટ 1872માં ધરતી પર મોકલી. નાનપણથી જ તેમના પિતાએ તેમને ભારતીય સંસ્કૃતિથી દૂર રાખવામાં આવે તેવુ કહીને તેમને લંડન મોકલી દિધા. 5 વર્ષની અવસ્થાથી લઈને 21 વર્ષની યુવાવસ્થા સુધી લંડનમાં ભણેલા શ્રી અરવિંદની આત્મા ભાગવતી શક્તિ આંતરિક રૂપથી ભારતીય આધ્યાત્મના સ્વર્ણિમ રંગમાં રંગાઈ રહ્યાં છે

 4. Maheshchandra. Naik said,

  December 17, 2012 @ 10:20 pm

  મહર્ષિ અરવિદને કોટી કોટી પ્રણામ ,કવિશ્રી હરીન્દ્ર દવેને સ્મ્રુતિવદના…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment