તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

શબ્દ – ઉમાશંકર જોશી

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

– ઉમાશંકર જોશી

શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )

14 Comments »

 1. nilam doshi said,

  October 30, 2007 @ 11:48 pm

  શબ્દને ખોલો અને મૌન મળે…! અદભોૂત વાત

 2. Pinki said,

  October 31, 2007 @ 12:02 am

  શબ્દથી ધ્વનિને પામો
  ધ્વનિમાં અર્થ વિસ્તરો,
  અર્થમાં પ્રગટો જ્યોતિ,
  જ્યોતિ આનંદમાં ઠરો. -મકરંદ દવે.

  ખરે જ, શબ્દ તો મૌન બરાબર જ છે
  જ્યાં સુધી શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં ના વિસ્તરે,
  અને અર્થ પ્રકાશપુંજ બની જાય છે
  જ્યારે એ પથદર્શક, અવિચલ માર્ગદર્શક બની
  સમગ્ર અસ્તિત્વને સત્યના માર્ગ પર લઈ જઈ આચરણમાં મૂકાય છે…..!!

 3. વિવેક said,

  October 31, 2007 @ 9:03 am

  આ જ ઉમાશંકરે કહેલું: “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે !”

 4. pragnajuvyas said,

  October 31, 2007 @ 9:11 am

  મૌન જ સત્ય છે.
  તેના એક કારણમાં જે અનુભૂતિ હોય તેને માટે શબ્દો બોલનારનું સત્ય બને-શાશ્વત સત્ય નહીં. ક્યારે ય તેનું વર્ણન કરવાનો પ્રયાસ થાય ત્યારે સત, ચિત, ઘન, નીત, આનંદરુપં, અનંત, અનાદી, અનુપમ કહી શબ્દ અટકી જાય….પછી કવિ કહે તેમ સાનંદાશ્ચર્યમૌન તે સાક્ષાતકાર!
  આવા અનૂભૂતિ કરનાર કવિ મકરંદ દવેની પંક્તિ દ્વારા પીન્કીના મંતવ્યથી કાંઈક ઝાંખું ઉકલે છે. શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ તે ઉમાશંકર જોશીની પંક્તીને વિવેકનો અભિગમ પ્રકાશ પાથરનારો, પથદર્શક,અવિચલ માર્ગદર્શક સ્થૂળ અર્થ દ્વારા તેની કૃપા પામીએ તેવી પ્રાર્થના.

 5. Pinki said,

  November 1, 2007 @ 1:38 am

  શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
  ધવલભાઈનું કાવ્યની અંતિમ પંક્તિ માટે યોગ્ય જ વિવેચન છે………!!

  પણ મને લાગે છે કે,
  આખું કાવ્ય તો ‘શબ્દ’ કરતાં ‘શબ્દાર્થ’ને વધુ મહત્વ આપે છે.
  સાંઈકવિશ્રી મકરંદ દવે પણ આ મુક્તકમાં શબ્દાર્થની મહત્તા વર્ણવે છે,
  આથી મને તે યાદ આવ્યું …. આભાર પંચમભાઈ……..!!

  “શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
  અર્થનો પ્રકાશ
  અર્ધઝાઝેરો
  ખૂંતી ન શકે આરપાર.
  નવલ એ આભા-વલય
  બન્યું રસનું આધાન.”

  શબ્દ તો ભેદી શકાય નહિ એમ બેઠો છે
  અને અર્થનો ઝાંખો પ્રકાશ એની આરપાર જઈ શકતો નથી.
  અદ્.ભૂતતા… આ જ ! નહિ તો પ્રકાશ તો કશાની પણ આરપાર જઈ જ શકે !

  પણ એ જ કમજોરી ને કવિ કહે છે
  એ આભા-વલય બહુઅર્થના શબ્દને ફરતા જે છે તેનાથી જ તો
  વધુ રસાસ્વાદ કરવાની તક મળે છે. – ‘Juxtaposition’

  “શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.”
  અને શબ્દોના અર્થ પામીને પણ શું ?!!
  કારણ શબ્દના મૂળમાં-ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે
  જો સમજીને આચરણ ના કરીએ તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!!

  અંતિમ પંક્તિમાં વળી,
  ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ કહે છે
  જે શબ્દને મહત્વ આપે પણ કાવ્યપૂર્તિ અથવા એમની વિચારપૂર્તિ હોઈ શકે,
  જે એમના મનનું સમાધાન મળે છે તે જ દર્શાવે છે….

  નહિ તો હું પણ એવું માનું કે
  જે તમારું મૌન ના સમજી શકે એ તમારા શબ્દો શું સમજી શકવાના
  પણ જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!

  પ્રજ્ઞાઆંટીએ ખરેખર મને ફરી વિચાર કરતી કરી દીધી અને હું આવું સમજી છું.

  ‘શબ્દ’નો પ્રકાશ મારી આરપાર જાય એવું હું ચાહું છું આથી જ પૂછવા માટે જ
  આ પ્રતિભાવ આપું છું ……..વિવેકભાઈ, હવે આ આભા-વલયને આપ ભેદશો તો સારું….!!

 6. Pinki said,

  November 1, 2007 @ 7:48 am

  અરે !! આ તો નિબંધ લખી નાંખ્યો છે મેં તો……….!!

 7. ધવલ said,

  November 1, 2007 @ 1:08 pm

  પીંકીબેન, પહેલા તો બહુ જ સરસ પંક્તિ ટાંકી. મકરંદ દવેની બહુ માર્મિક પંક્તિઓ ઘણા વખત પર વાંચેલી પણ આજે નવા સ્વરૂપમાં દેખાઈ ! અને પછી જે છણાવટ કરી એ તો એથી ય વધુ સરસ છે. હું તમારી સમજ સાથે સંમત છું.
  કવિ શું કહેવા માંગે છે એનું તો મહત્વ છે જ, પણ એનાથી ય વધારે મહત્વનું છે કે કવિતા તમને વિચાર કરતા કરી દે છે. વિચાર-ચાનક ચડાવવી એ કોઈપણ કવિતાનો ulterior motive છે.

  રાજેન્દ્ર શુક્લે આ જ શિર્ષક પર લખેલી (પણ અલગ જાતની) કવિતા : http://layastaro.com/?p=694

  શબ્દ અને મૌનની વાત નીકળી છે તો જયશ્રીએ ટહુકા પર એ જ વિષય પરની પંક્તિઓનું સંકલન કરેલું એ પણ સાથે જોશો : http://tahuko.com/?p=615

 8. Jugalkishor said,

  November 2, 2007 @ 1:45 am

  આરંભે શબ્દને ખોલ્યો છે અને મૌનની પ્રાપ્તી પણ અનુભવી છે. પણ પછી તરત જ કહે છે કે શબ્દ દુર્બોધ છે ! અર્થાત્ શબ્દને ખોલી શકાય છે અને ખોલીએ તોય મળે છે તો મૌન જ. એ આપોઆપ પ્રગટતો નથી.

  કવીનો શબ્દ જાદુગરની મુટ્ઠીની જેમ અરધુંપરધું જ બતાવે છે ! બધું જ કહી દે તો કવીકર્મ ક્યાં રહ્યું ? વળી એની આવી અર્ધપ્રકાશતી આભા જ રસનું આકર્ષણ-કેન્દ્ર છે અને એ જ તો છે કાવ્યનું ન્યુક્લીઅસ.

  શબ્દ એ ગર્ભદશામાં પડેલું કર્મ છે. શબ્દ સમગ્ર કર્મની ગંગોત્રી છે. ક્યારેક એ જ કૃતી બની રહે છે અને અમર આકૃતી પણ. (અમર+આકૃતી)

  શબ્દ શાશ્વતી જ્યોત છે જે દીવાદાંડી બની રહે છે.

  શબ્દનો એક અર્થ ધ્વની પણ છે ! અને કવી અહીં એને મૌન રુપે પામે છે ! કવીને/નું કશું કહેવાય નહીં.

 9. વિવેક said,

  November 2, 2007 @ 4:37 am

  ધીમે ધીમે અલગ અલગ કાવ્યોને તોડી-ફોડીને એક વિવેચકની જેમ એનો સાચો રસ કાઢવાની પ્રવૃત્તિ થોડા સમયથી અગ્રસર દેખાય છે. આના કારણે કવિતા વાંચવાની અને માણવાની મજા ઓર વધી જાય છે. શબ્દો પર અટકી-અટકીને આગળ વધીએ તો જ એનો પાર પામી શકાય…

  …સૌ મિત્રોએ એવું મજાનું રસદર્શન કરાવ્યું છે કે હવે આ તરસ વધતી જાય છે..!

 10. Atul Jani (Agantuk) said,

  November 2, 2007 @ 6:16 am

  અહીં શબ્દો દ્વારા ઘણું બધું કહેવાઈ ગયું છે.
  મારી રજૂઆત હવે હું મૌન દ્વાર કરું એ જ ઠીક.

 11. લયસ્તરો » ગઝલ - ધૂની માંડલિયા said,

  January 9, 2008 @ 9:43 pm

  […] શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં. […]

 12. Webમહેફિલ » Blog Archive » શબ્દ : ઉમાશંકર જોશી said,

  September 24, 2009 @ 1:03 am

  […] લયસ્તરો પર આ કાવ્ય મૂકાયેલું ત્યારે જે સમજાયેલું તે જ ફરીથી પ્રતિભાવમાં મૂકું છું !! […]

 13. vinod patel said,

  July 19, 2011 @ 1:02 am

  મારે ઉમાશન્કર જોશિ એ ગાયેલ ગિતો જોએ ચે

 14. vinod patel said,

  July 19, 2011 @ 1:04 am

  મારે ઉમાશન્કર જોશિ એ ગાયેલ ગિતો જોઇએ ચ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment