અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
મીનાક્ષી ચંદારાણા

જીર્ણ તરણી – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

– મનોજ ખંડેરિયા

કેટલીક ગઝલો વાંચીએ એટલે ગઝલ, ગઝલકાર અને ગઝલના કથાવસ્તુ- ત્રણેયના પ્રેમમાં પડી જવાય છે. મ.ખ.ની આ ગઝલ કંઈક એવી જ જાદુઈ અસર મારા પર કરી ગઈ. હું તો ફૂલ-ખરણી શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયો. દિવાળીની દિવસો ગયા એટલે ફૂલઝડી તો યાદ હોય જ પણ કલમને ફૂલ-ખરણી સાથે સરખાવીને કવિએ કમાલ કરી દીધી છે. ક્ષણ જેવી વીતી જાય છે કે ગાયબ થઈ જાય છે અને આવનારી ક્ષણો પણ અનંત છે. જીવનની નિસરણી જીવનપર્યંત કદી પૂરી થતી નથી… બધા જે શેર આસ્વાદ્ય પણ મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને તો બધું ગાળીને સાફ સ્વરૂપે આપણને આપતી આકાશની ભૂરા રંગની ગળણી વધુ ગમી ગઈ.

8 Comments »

 1. Rina said,

  December 1, 2012 @ 12:55 am

  awesome…thanks for sharing your khazaana…..

  જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,

  reminds Rabindranath Tagore’s lines

  Not for me this renunciation,
  Even if leads to deliverance.

 2. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  December 1, 2012 @ 2:07 am

  શ્રી મનોજ ખંડેરીયા અને જવાહર બક્ષી પ્રત્યે કંઈક પક્ષપાત ભર્યો લગાવ હોય તે સ્વાભાવિક છે, કેમકે ગીર ગીરનાર થી સંજોગવશાત થોડું દૂર થવું પડ્યું પણ… આભાર લયસ્તરો નો કે મને ગઝલ થી સમીપ રાખ્યો છે. હવે , ટીપ્પણી કે મુલ્યાંકન કરવાની હેસીયત તો નથી ઘણી વખત એવું બને કે બસ …. મધુવન માં શ્રી કૃષ્ણની વેણુ સાંભળતી રાધા કે ગોપી ની ધ્યાન સમાધી ની અનંત સ્થિતી વરદાન રૂપે મળે એવું નસીબ માગું ! શબ્દ બ્રહ્મ છે તેની અનુભૂતી ગીર ગીરનારની અનોખીભૂમી મારા વતન તરફથી અને ખાસ તો મનોજભાઈ તરફ થી ગઝલ રૂપે હંમેશ થતી રહે !

 3. ડૉ.મહેશ રાવલ said,

  December 1, 2012 @ 3:49 am

  આદરણીય ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પ્રસ્તુત ગઝલ એમની સુક્ષ્મ ભાવ-વિભાવનાથી ભરપૂર
  છે.
  હું તો ત્યાંસુધી કહીશ કે, આ ગઝલની નીચે જો ગઝલકારનું નામ ન લખ્યું હોય તો પણ જે કોઇ ગઝલ સાથે જરાકે ય સંકળાયેલા હોય એમને તરત ખ્યાલ આવી જાય કે આ મનોજ ખંડેરિયાની ગઝલ છે..આખી ગઝલ એક અલગ ઐશ્વર્ય લઇને આવી છે પણ,
  જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
  કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.
  આ શેરનો આધ્યાત્મભાવ છેક ભીતર સુધી સંવેદનાને સ્પર્શી ગયો વિવેકભાઇ….!
  સો સો સલામ કવિને.

 4. vijay joshi said,

  December 1, 2012 @ 8:24 am

  જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
  કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

  વાહ વાહ વાહ

  ઝેન, પતંજલિનુ યોગશાસ્ત્ર અને કપિલ ઋષિનું સાંખ્ય તત્વજ્ઞાન એક શેરમાં સમાવવાની કમાલ.

  13મી સદીમાં મહાન ઝેન માસ્ટર ડોગન ઝેંકીએ મોક્ષ અને જીવન-મૃત્યુ વિષે ઘણું ગહન અંદ સુંદર ભાષ્ય કરેલું છે. એ કહે છે કે જીવન-મૃત્યુ એજ મોક્ષ છે એ જીવન-મૃત્યુ વગર અશક્ય છે. જો આપણે આ વાત સમજીએ કે જીવન-મૃત્યુ એજ મોક્ષ છે તો જીવન-મૃત્યુનો ત્યાગ કરી મોક્ષ્ શોધવાની જરૂર જ રહેતી નથી.
  કવિએ આ જ ગહન વિચાર કેટલી સહજતાથી, સરળતાથી, સુંદરતાથી એક ઝેન માસ્ટરની જેમ મુકેલો છે. હું વિવિધ ધર્મોનો અભ્યાસુ છું એટલે આ અતિ રમણીય શેર વિષે મને વિશેષ ભાવ છે.

  યોગશાસ્ત્રમાં ઋષિ પતંજલિ કહે છે કે ), પ્રકૃતિ (જીવાત્મા, ચિત્તવૃત્તિ) જીવન ભોગવે છે અને પુરુષ (આત્મા) એક ફક્ત નિરક્ષક હોય છે જયારે સાધકને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે મોક્ષ માર્ગ તરફ પ્રવાસ કરે છે. આવું જીવન જીવવું એટલે આવા જીવનને મોક્ષ્ માનવું અને વિશેષ પુરુષ (પરમાત્મા,ઈશ્વર)ના શરણે જવું.

  આમાં કપિલ ઋષિના સાંખ્ય તત્વજ્ઞાનનુ પણ સુંદર દર્શન થાય છે.

 5. pragnaju said,

  December 1, 2012 @ 10:33 am

  સુંદર ગઝલનો વિવેકનો આસ્વાદ અને ભાવકો-ચાહકોનો પ્રતિભાવ માણતા સવાર ધન્ય થઇ !
  કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
  ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.
  ખૂબ સુંદર
  આ ધરાના જ આ ગઝલકાર મનોજ ખંડેરિયા આગળ કહે :
  નિત્ય ગિરનાર મ્હોરે આંખમાં
  એ સ્થિતિ કેવી સુખદ આપી અને
  ગિરનો થાક કળે પિંડીમાં
  રગ રગ જુનાગઢ તૂટે છે
  તળેટી જતાં એવું લાગ્યા કરે છે
  હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે…
  આ અનુભવવાની વાત! વર્ણવતા કંઠ રુંધાઇ જાય! લેપટોપ પર આંગળા થંભી …

 6. perpoto said,

  December 1, 2012 @ 11:05 am

  મનોજ ખંડેરીયા શુક્ષ્મતાના કવિ છે.
  વર્તુળે વિશ્વ
  ક્યાં કશું થાય ઘુમ
  બધું કણી કણી છે

 7. Maheshchandra Naik said,

  December 1, 2012 @ 12:17 pm

  જીવનથી મોક્ષ માગે તૂં, જીવનને મોક્ષ માનુ હું,
  કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે
  આ બે શેર દ્વારા જીવન પ્રત્યેનુ તત્વદર્શન કવિશ્રી મનોજ ખંડેરિયા કરાવે છે, મનોજ ખડેરિયાને લાખ લાખ સલામ્……………

 8. Darshana bhatt said,

  December 1, 2012 @ 9:26 pm

  આવી તાત્વિક ગઝલ અને તેના વિવેકભૈએ કરવેલા આસ્વાદથી મન ભાવસભર બની ગયુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment