ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ઝાકળબુંદ : ૯ : …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – વિવેક મનહર ટેલર

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-વિવેક મનહર ટેલર

વિવેક વિષે આ બ્લોગના વાંચકોને કાંઈ કહેવાનું જ હોય નહીં. વિવેકના બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’થી અહીં કોઈ અજાણ્યું નથી. આમ તો એ ગઝલનો માણસ છે. પણ હવે એનું રચના-ફલક વધુ ને વધુ વિસ્તરી રહ્યું છે. મારા માટે વિવેકની રચનાઓમાંથી એકની પસંદગી કરવી એ બહુ અઘરું કામ છે. ઘણી ગડમથલ પછી મેં આ ગીત પસંદ કર્યું છે કારણ કે આ ગીત વિવેકની બીજી રચનાઓથી તદ્દન જુદું તરી આવે છે. વિષય અને માવજત બન્ને નવા અને તાજા છે. ‘મૂંછોના ખેતરમાં બગલો’ જેવા રમતિયાળ ઉપાડથી શરૂ થતું ગીત સહજતાથી ભાવ અને અર્થના ઊંડાણમાં ખેંચી જાય છે.

14 Comments »

 1. Bhavna Shukla said,

  October 9, 2007 @ 12:27 pm

  સમય ને વિસારી ને વાટે પડ્યો છે,
  સમજ ને પસારી ને ઘાટે ઉડ્યો છે,
  ગઝલ ને કવન ભરી મોતી બઝારે
  બગલાના વેશે છુપો છે આ રુસ્તમ્ !
  મફતમા મળે એવા ભ્રમ ના જ સેવો,
  ક્ષણો માગી સદીઓ ને ચોરી જશે એ
  શબ્દોના સરોવરમા શ્વસતો ઉભો છે.
  કે સાવધાન આ ઠગ તો છે શુભ્ર હંસલો!!

 2. JayShree said,

  October 9, 2007 @ 12:29 pm

  ધવલભાઇ…
  આ તો મારું એકદમ ફેવરીટ ગીત છે.. કારણ કે આ ગીત મેં વિવેકભાઇ પાસે જ સાંભળ્યું છે, અને એ પણ જ્યારે એમણે એક કાર્યક્રમમાં રજુ કર્યું હતું ત્યારે…

  ખરેખર, કવિના સ્વર સાથે કવિની રચનાનો આનંદ જ કંઇ ઓર હોય છે…

  મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
  તો યે બગલાના પગલાનું શું?…

  એકધારું સરકતો રસ્તો અચાનક….

  ખૂબ જ સરસ મજાનું ગીત…

 3. Pinki said,

  October 9, 2007 @ 1:21 pm

  વાંચી તો શકાય જ નહિઁ…….
  ગણગણવું જ પડે એવા એમના ગીતો હોય છે
  પછી એ ‘ભીતરનો કલશોર’ હોય કે ‘મનજીભાઈ’
  કે ‘ભીઁજાવાની મોસમ’………….

  ‘એકધારું સરકતો રસ્તો અચાનક
  માઈલોનો પથ્થર થઈ બેઠો,
  અટકી જઈને એણે પહેલીવાર જાતને
  કહ્યું આજે કે થોડું પાછળ જો.
  વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
  કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.’

  so nice one………….. !!!

 4. Pinki said,

  October 9, 2007 @ 1:23 pm

  પણ આ ‘સિઁધુ’ ને ‘ઝાકળબુંદ’ કેમ માનવું ?

 5. pragnajuvyas said,

  October 9, 2007 @ 1:48 pm

  આ કાવ્ય ફરી વાંચું ,
  બધા પ્રતિભાવ વાંચ્યા.
  એવી જ મઝા ફરી આવી.
  ક્યાંય કવિનું રસદર્શન ન દેખાયું.
  તમારા આ કાવ્ય લખતી વખતનાં
  ભાવ જણાવવા વિનંતિ.
  —————————————
  મારા ડાઈ કરેલા કાળાવાળ અને આજાના ચાદેરી વાળ જોઈ
  અમારા પૌત્રને જોડકણું સુઝ્યું.
  આજાઝ હેર સોલ્ટ-
  આજીઝ હેર પેપર
  મોમસ હેરસોલ્ટ્પેપર
  એન્ડ માઈન્ લસ્ટરસ્સ…
  અને ઘણા જુદી જુદી પધ્ધતિઓના ચારાસાઝોને કાવ્ય માધ્યમ સહજ છે તેવું અહીં પણ છે!
  એક પ્રસિધ્ધ ડોકટર સર વિલિયમૅ કહ્યું છે કે,” મને કાવ્યની ભેટથી દર્દીઓનાં દર્દ સમજવાની આગવી, અનોખી અને શક્તિશાળી પધ્ધતિ મળી છે.મારા દર્દીઓને વિનંતિ કે બીજી વખત આવો ત્યારે તમારી જીવનની કવિતા અવશ્ય લેતા આવજો” ડો વેલેસ સ્ટીવન્સ કહે તે પ્રમાણે ડોકટરને સારવાર કરવામાં આનંદની અનુભૂતિ ન થાય તો તે કાવ્ય નથી.
  મને હોસ્પિટલનાં વેઈટીંગ રુમમાથી આ કવિતા મળેલી…
  A Man Of Letters
  The P.R.N. took the T.P.R.
  And gave the tonic T.I.D.
  Some C.C. pills and S.S.E.
  Took the B.P. – B.I.D.
  Made him gargle q. 4 h.,
  Gave M.S. upon that day,
  Took him to the O.R. too,
  Just to have a T. & A.
  આ શું છે? તે તમે જાણો!

 6. ધવલ said,

  October 9, 2007 @ 7:43 pm

  પ્રજ્ઞાબેન, તમે કહી તે કવિતા ઘણી જાણીતી છે. એ કવિતા Frederick E. Keller એ લખેલી છે. એમાં ડોકટરો ખૂબ બધા ‘શોર્ટ-ફોર્મ’ વાપરતાં હોય છે એના પર કટાક્ષ છે. કવિતામાં વપરાયેલા acronymsનો અર્થ આ પ્રમાણે છે : p.r.n= as needed, t.p.r.= temperature, pulse, respirations, tid= three times a day, cc= compound cathartic, sse= ??, bp= blood pressure, bid = twice a day, q4h = every four hours, ms = morphine sulfate, or= operating room, t&a = tonsillectomy and adenoidectomy.

  આ કવિતા વિષે વધુ માહિતી તમને આ લીંક પર મળશે : http://jeffline.jefferson.edu/Education/forum/04/05/articles/history.html

 7. Pinki said,

  October 10, 2007 @ 12:41 am

  thanks dhavalbhai……..

  થોડા શબ્દોમા ખબર પડતી’તી

  એટલે હાર્દ તો પકડાઈ ગયેલુ પણ –

  હવે વધુ મજા આવી ખરે જ ……… !!

 8. વિવેક said,

  October 10, 2007 @ 4:56 am

  પ્રિય પિન્કી,

  નાનપણમાં ફુલણજી દેડકીની વાર્તા વાંચી હતી તે હજી યાદ છે એટલે મારી વેબસાઈટ ચાલુ કરી ત્યારથી મારા પ્રશંસાના ફુગ્ગાની હારોહાર ટાંકણી રાખીને જ ફરું છું… સિંધુની વાત તો ઘણી દૂર રહી, સૂર્યનું પ્રતિબિંબ ઝીલી શકું, આકાશના રંગોને સપ્તરંગી કરીને મઘમઘાવી શકું કે જાતે બળીને કોઈ પાંદડીને થોડી ક્ષણો માટે ય થોડી ઠંડક બક્ષી શકું એવું ઝાકળબુંદ પણ જો બની શકીશ તો ય મારા માટે ઘણું… તો ય મારું કવિત્વ સાર્થક…

  …આપની શુભેચ્છા બદલ આભાર…

 9. ઊર્મિ said,

  October 10, 2007 @ 8:48 am

  કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો…

  અરે આ તો મારું ખૂબ જ પ્રિય ગીત છે એની મૂંછોનું… આઈ મીન વિવેકનું… 🙂

  એમ તો તમારી વાત એકદમ સાચી છે ધવલભાઈ… એનાં અનુકૃમણિકામાંથી કોઇ એક રચનાની પસંદગી કરવી એ બહુ અઘરું કામ છે… અને તમે એ કરી શક્યા એ જ દાદ માંગે લે છે!

  પ્રિય વિવેક, આટલી કાવ્યાત્મક વાતોથી પિંકી અને અમને બધાને સમજાવવાની નિરર્થક કોશિષ ન કર હોં દોસ્ત… ઝાકળબુંદ જ રહેવું હોય તો ભલે રહે, પણ એક ઝાકળબુંદ નહીં, આખા બગીચાનાં બધાં જ ઝાકળબુંદો ! અને હું તો અંતે બસ આટલું જ કહું — શબ્દોનું એક અવિરત વહેતું ઝરણું, જે લગભગ નદી જ બની ચૂક્યું છે, એટલે એક દિવસ સિંધુ પણ બનશે જ બનશે… એમાં જરાયે શંકાને સ્થાન નથી!!

 10. સુનીલ શાહ said,

  October 10, 2007 @ 11:16 am

  પિન્કીબેન અને ઊર્મિબેન–બંન્નેની વાતને મારો ટેકો છે. વિવેભાઈ તમારી ટાંકણીની વાત પણ એટલી જ સાચી છે. તમે મને એકવાર ફોન પર કહેલું તે બરાબર યાદ છે કે ‘ જે દિવસે મને લાગશે કે મને બધું જ આવડી ગયું છે તે દિવસથી મારું પતન શરુ થશે.’ તમારી આ નમ્રતા અને નિરાભીમાન મને સ્પર્શી ગયા. (જો..જો..મારી આ વાતમાં ટાંકણી ન ભોંકતાં…!)

 11. Pinki said,

  October 10, 2007 @ 12:56 pm

  દરિયો – ઊર્મિએ આપેલ વિષયવસ્તુ –
  પણ મારો તો
  પહેલી નજરનો પહેલો પ્રેમ-

  અને અચાનક મને કાલે ખબર પડે છે કે
  સૌથી વધુ મને સ્પર્શે છે , આકર્ષે છે
  એની વિશાળતા…………

  હમણાં વિવેકભાઇને વાંચ્યા,
  પછી થયું કે યોગ્ય જ કહ્યું કે
  આ ‘સિંધુ’ ને ‘ઝાકળબુંદ’ કેમ માનવું ?

  ‘સિંધુ’ની આ વિશાળતા જ ને કે બીજું કૈં ?!!

 12. nilam doshi said,

  October 11, 2007 @ 12:25 pm

  એકધારું સરકતો રસ્તો અચાનક માઇલોનો પથ્થર થઇ બેઠો…

  સરસ કલ્પના…સરસ રચના,અભિનન્દન વિવેકભાઇ.

 13. Harshad Jangla said,

  October 12, 2007 @ 7:16 pm

  વિવેકભાઈ ના વિસ્તરતા જતા ફલકમાં ફરવાની જેટલી મઝા પડે છે એટલી જ મઝા કાવ્ય પછીની આલોચનાઓમાં પણ પડી. વિવેકભાઈ મારી પાસે તો પ્રશંસા નો ફુગ્ગો નહીં,ફુલ છે.ટાંકણી નહીં તમારી હથેળી આગળ કરો અને ફુલનો સ્વીકાર કરો. પ્રશંસાને પાત્ર તો તમે છો જ.
  સરસ કાવ્ય. ધન્યવાદ.

  હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

 14. NAWEL said,

  October 25, 2007 @ 12:54 pm

  nawel est elle est magnifik

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment