નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

ગઝલ – બાલુભાઈ પટેલ

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

-બાલુભાઈ પટેલ

ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!

(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)

5 Comments »

 1. Vijay Shah said,

  September 22, 2007 @ 3:22 am

  આંગણે આંબાને આવી કેરીઓ,
  રોજના બેચાર પથ્થર આવશે.

  જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
  ઝેર સૌ પીવાને શંકર આવશે.

  બહુ સરસ્

 2. pragnaju said,

  September 22, 2007 @ 9:02 am

  આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ,
  સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે
  એ સાચે જ પ્રતીત કરાવે છે

  ખુબ સુંદર કાવ્યનું
  રસદર્શન ન કરાવ્યું હોત તો
  પ્રથમદર્શી અર્થની બહાર નીકળવાનો ખ્યાલ ન આવ્યો હોત

 3. Urmi said,

  September 22, 2007 @ 3:33 pm

  સ-રસ ગઝલ!

 4. Bhavna Shukla said,

  September 23, 2007 @ 11:15 am

  આંગણે આંબાને આવી કેરીઓ,
  રોજના બેચાર પથ્થર આવશે.
  ………………………………….
  હમમમ બહુ ચોટદા૨ અને વાસ્તવિક વાત કહી છે કવિ એ.
  કોઇ૫ણ શેર ને કોઇ૫ણ ક્રમમાં ગોઠવીને વાચી જોશો તો ક્યાય ૫ણ રસક્ષતિ નથી.

 5. Lipitor. said,

  March 13, 2011 @ 5:58 pm

  Lipitor….

  Lipitor….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment