પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

6 Comments »

 1. Rina said,

  July 1, 2012 @ 12:52 am

  એક એક કિરણોને જીવ જેમ સાચવું
  તોય તૂટી જાય રોજ સાંજ,
  એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
  તો અંદર તૂટેલો અવાજ.
  એને મૃગજળથી સપનું પલાળવું હતું
  મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.
  Awesome….

 2. વિવેક said,

  July 1, 2012 @ 1:24 am

  સાદ્યંત સુંદર ગીત રચના…. અભિવ્યક્તિ નાવીન્ય, સાહજિક મૌલિકતા અને લયની મજબુત બાંધણી એ મુકેશ જોષીને સાંપ્રત ગીતકવિઓમાં અલગ તારવી આપે છે…

 3. pragnaju said,

  July 1, 2012 @ 8:59 am

  મધુરા શબ્દોથી ગુંજન કરાવતું સુંદર ગીત
  એને મૃગજળથી સપનું પલાળવું હતું
  મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.
  મમળાવી ફરી ફરી આ લયબધ્ધ પંક્તી ગાઇ જોઇ.અહીં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું વાયોલેટ દેખાયું ! એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે પ્રભુના પક્ષે આવી કમાલ છે, કિંતુ આપણા પક્ષે ખૂબ શરમજનક કરુણા છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ ‘વાયોલેટ’ નામની વનસ્પતિ જેવા. ‘વાયોલેટ’ની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. આપણે ય મહદઅંશે આ ‘વાયોલેટ’ જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક તો એવી નાની નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે માત્ર ને માત્ર પારાવાર નુકસાની જ આવે. કરવી છે
  ઊડી ગઈ ઓચિંતી લાગણી.
  એને સૂરજથી જળને દઝાડવું હતું,
  મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું

 4. Chandresh Thakore said,

  July 1, 2012 @ 10:00 pm

  વિચારોની સમ્રુદ્ધિ અને ગીતોમાં એની અભિવ્યક્તિ માટે આવશ્યક શબ્દસમ્રુદ્ધિ અને લયબદ્ધતા ઉપર મુકેશની દેખીતી કાબેલિયતને બિરદાવું છું …

 5. P Shah said,

  July 1, 2012 @ 11:12 pm

  એને સૂરજથી જળને દઝાડવું હતું,
  મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું…

  સુંદર ગીત !

 6. Darshana Bhatt said,

  July 13, 2012 @ 12:11 am

  નવા કલ્પનો સાથે સુન્દર રચના.પ્રિયજન સાથેનિ વિશમતાનિ કેવિ અનુભુતિ!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment