આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અનિલ ચાવડા

વેદનાનાં વારિ – દિલીપ પરીખ

સ્નેહના સાગરમાં હું એથી જ ડામાડોળ છું,
તેં દીધેલી વેદનાનાં વારિથી તરબોળ છું !

આભને ધરતી જેના વિસ્તારને ઓછાં પડે,
હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

આમ મારો ચહેરો ફિક્કો ફિક્કો દેખાતો ભલે,
લાગણીની ક્ષણ મહીં નીરખો તો રાતોચોળ છું !

પ્રેમમાં તું તો સભર છે ઊર્મિની ઉષ્મા વડે,
શું કરું કે લાગણીમાં હું જ ટાઢોબોળ છું !

– દિલીપ પરીખ

સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે.

છેલ્લા શેરનું આત્મનિરીક્ષણ ધ્યાન ખેંચે તેવું છે – પ્રેમ અનુભવવા માટેની એક અનિવાર્ય પૂર્વશરતની વાત છે. પહેલો શેર મને બહુ ન ગમ્યો-શબ્દોની રમત લાગી.

8 Comments »

 1. Dr j k Nanavati said,

  May 21, 2012 @ 4:57 am

  ટ્રાયલ બોલ કોઈને રમવા દ્યો….પછી વાત….!,,!!!

 2. વિવેક said,

  May 21, 2012 @ 8:16 am

  ડૉક્ટર નાણાવટીસાહેબ,

  આ તો પહેલો કાપો બીજા કોઈને મૂકવા દો, પછી હું ઓપરેશન કરીશ જેવી વાત થઈ… ક્યારેક ઓપનિંગ પણ કરવું જોઈએ જેથી કેરી-થ્રુ બેટિંગ કરવાનો મોકો મળે….

 3. dr>jagdip said,

  May 21, 2012 @ 11:44 am

  દાવ ડિકલેર……

  રિટાયર્ડ હર્ટ…!!!!!

 4. રાકેશ ઠક્કર, વાપી said,

  May 22, 2012 @ 3:49 am

  બહુ મજા ન આવી

 5. Dr j k Nanavati said,

  May 22, 2012 @ 5:01 am

  ગઝલમા લય…શ્બ્દો ઉપર નુ વજન્….ગેયતા…..બહુ અગત્યનો ભાગ ભજવી જાય છે…વિચારો સારા હોય પણ
  અમુક શબ્દો એક બીજાની શોભા વધારે તો રચના વધુ ઉત્તમ બને

 6. વિવેક said,

  May 22, 2012 @ 9:24 am

  તીર્થેશની આ વાત – “સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે” – લયસ્તરો પર મૂકાનારી બધી જ કવિતાઓને સંપૂર્ણપણે લાગુ પડે છે…

  પ્રસ્તુત ગઝલમાં બીજો અને ચોથો શેર સારો છે. એમાં પણ બીજા શેરમાં –

  હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

  – આ પંક્તિમાં છંદ જાળવવા માટે શબ્દોનું સ્થાન અદલબદલ થયેલું હોવાથી પંક્તિ વધુ કૃતક લાગે છે. એ પંક્તિ આ રીતે હોય તો જ વધુ સશક્ત લાગે: “હું પ્રણયના એવા પ્રચંડ વેગનો વંટોળ છું”

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  May 22, 2012 @ 12:24 pm

  લિબાશ કરચલી વિનાનો હોય તો સારું છે;બહુ જ સારું છે.
  એકાદ-બે કરચલીઓ હોય તો ચલાવી લેવું પણ સારું છે.

 8. dr>jagdip said,

  May 22, 2012 @ 12:30 pm

  ઈસ્તરી બંધ કપડાંની માંગ હોય ત્યારે કરચલી તરફ
  ધ્યાન દોરાય તો એમા કંઈ ખોટું નથી……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment