ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.
વિવેક મનહર ટેલર

ગીત- મુકેશ જોષી

કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી,
પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી.

આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું,
એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ

ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.

ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.

પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.

આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.

પાણી ભરવા જાવું એનો રોજિંદો વહેવાર,
જે એને ટીકીને જોતું એને મન તહેવાર.

ઈંઢોણી પર બેડાં મૂકી પાછી વળતી ઘેર,
મારી આંખે એના ઘરમાં જળની લીલાલ્હેર.

 

એક રમતિયાળ ગીત….

10 Comments »

 1. Rina said,

  January 8, 2012 @ 12:42 am

  lovely..:):):):::)

 2. વિવેક said,

  January 8, 2012 @ 12:53 am

  વાહ… સાવ જ રોજિંદો લાગતો એક પ્રસંગ પણ કવિની કલમ ચિત્ર દોરે ત્યારે કેવી મનોરમ ભાત સર્જાય છે… !

  એને ભરવા સહુ, હું એનામાં ડૂબ્યો, સહેજ નહીં પલાળે, મુજથી હોત સુકાતી – અદભુત કવિકર્મ !

 3. Jayshree said,

  January 8, 2012 @ 3:28 am

  કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી..

  ચિત્રકામના વર્ગમાં (અને ઘણીવાર પરીક્ષામાં) ‘કૂવા કાંઠે સ્ત્રી’ કે ‘પનિહારી’ એવા ચિત્રો દોર્યા’તા – એ યાદ તાજી થઇ ગઇ..! 🙂

 4. pradip shah said,

  January 8, 2012 @ 8:09 am

  વાહ વાહ આજે ગામ અને કૂવા નિ યાદ અને તેના મધુર સ્મરણ ધન્યવાદ
  enjoyed very much at Jammu away from native

 5. vijay joshi said,

  January 8, 2012 @ 8:18 am

  નાનપણમાં કુવા કાંઠે આ દૃશ્ય રોજ અમે પણ રોજ જોતા
  as a matter of fact this was the highlight of the day-
  wonderful narration- beutifully worded –
  it is a lyrical painting rendered like a master. bravo!

 6. pragnaju said,

  January 8, 2012 @ 8:25 am

  ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
  ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.

  પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
  હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.
  સરસ
  યાદ
  હાલી આવતી’તી રાત્ય ઘમ્મરઘોરી, રે સૈયર મોરી !
  વળી વીસરી ગાગરની તે દોરી, રે સૈયર મોરી;
  . કે’ને પાણીડાં શેણે ભરાય ?

  બાંધી ઓઢણી મેં કોરીધાકોરી, રે સૈયર મોરી !
  તો યે પ્હોંચે નંઈ જળને બિલોરી, રે સૈયર મોરી; -કે’નેo

  કૂવા કાંઠે મહૂડી કાંઈ મ્હોરી, રે સૈયર મોરી !
  માથે બેઠો’તો આહીરનો ધોરી, રે સૈયર મોરી; -કે’નેo

 7. praheladprajapatidbhai said,

  January 8, 2012 @ 8:32 am

  આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
  જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.
  સરસ્

 8. urvashi parekh said,

  January 9, 2012 @ 4:11 am

  સરસ ગીત.
  હુ એનામાં ડુબ્યો,
  અન્ર ભડ ભડ મારો જીવ બળે,
  સરસ વાત.

 9. Lata Hirani said,

  January 9, 2012 @ 6:46 am

  ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
  હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.

  વાહ વાહ્ ક્યા બાત હૈ….

 10. હર્ષેન્‍દુ ધોળક‍િયા said,

  January 10, 2012 @ 10:06 am

  Mesmerizing & extra ordinary

  આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
  જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.

  વાહ કલ્‍પના અને શબ્‍દ ચ‍િત્રનું અદભુત સામંજસ્‍ય દાદ માંગી લે છે. ધન્‍યવાદ

  હર્ષેન્‍દુ ધોળક‍િયા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment