ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા

તડકાનું નામ – મહેન્દ્ર જોશી

હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

-મહેન્દ્ર જોશી

કેટલીક કવિતા એવી હોય છે કે પહેલીવાર વાંચો ત્યારે માત્ર અડે અને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડતા રહે. કેટલાક કાવ્ય એવાં હોય છે જે વાંચતાની સાથે અડી તો જાય જ, સમજાઈ પણ જાય. અને કેટલીક કવિતા વળી એવી હોય છે કે પહેલી નજરનાં પ્રેમ સમી અડી તો તરત જ જાય પણ પછી સમય સાથે જેમ પ્રેમના, એમ એ કવિતાના અર્થ પણ જેટલીવાર વાંચો, બદલાતા લાગે. મહેન્દ્ર જોશીનું આ ગીત આ ત્રીજા પ્રકારની કવિતાના સ-રસ ઉદાહરણ તરીક ગણી શકાય… વાંચો… મમળાવો અને ગાઓ…

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ.

1 Comment »

  1. ધવલ said,

    June 11, 2007 @ 7:42 pm

    જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
    આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!

    સુંદર રચના… જગદીશ જોષીના ગીતોની યાદ તરત આવે એવું ગીત છે… એવો જ ઘૂંટાયેલો વિષાદ અને શબ્દો-રૂપકોની એવી જ પસંદગી…. ધ્રુવપંક્તિ થોડે વધુ સમજાય તો આખા ગીતનો આસવ છૂટે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment