બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
સૈફ પાલનપુરી

ગઝલ – રઈશ મનીઆર

raeesh maniar title

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

 – રઈશ મનીઆર

આપણાં સૌના ચહીતા રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન આજે રાત્રે થશે. નિખાલસ અને પ્રામાણિક વાણીથી તેમણે સદા ગઝલને શોભાવી છે. તેઓ કહે છે – ‘ મેં ગઝલને રચી, ગઝલે મને રચ્યો…’. ટીમ-‘લયસ્તરો’ તરફથી રઈશભાઈને અઢળક શુભેચ્છાઓ…..

પ્રસ્તુત ગઝલ તેઓના આ નવપ્રકાશિત સંગ્રહમાંથી લીધી છે. બીજો અને ત્રીજો શેર તેમની સર્જકતાનો વ્યાપ દર્શાવે છે.

17 Comments »

 1. neerja said,

  October 9, 2011 @ 2:07 am

  simply superb. . hearty wishes to dear RAEESHBHAI. .

 2. dr.jagdip nanavati said,

  October 9, 2011 @ 3:15 am

  આ ગઝલ રઈશભાઈને સમર્પિત્…..તેમના
  નવા સંગ્રહના વિમચન પ્રસંગે……

  અમે નીકળી પડ્યાં, રસ્તા ઉપર લઈને ચરણ
  અમારે પુછવાનું ક્યાં કોઈ છે આવરણ

  ભલે પહોંચી શક્યા મંઝિલ સુધી ના કોઈ દિ’
  પરમને પામવા દોડ્યા, અમે એવા હરણ

  બધા સંજોગની રેખાઓ કાજે મેં જુઓ
  હથેળી નામનું કેવું બિછાવ્યું પાગરણ

  ઘુઘવતા સાગરે કાયમ વમળમાં રાચતાં
  કદી જીવી જુઓ થઈને સતત વહેતું ઝરણ

  મરેલા માનવી માફક જીવેલા આપણે
  હતી બસ આખરી ઈચ્છા કે જીવવું છે મરણ

 3. Rina said,

  October 9, 2011 @ 6:10 am

  lots and lots of good wishes to Raish sir……
  will be obliged if you post name of the publisher or address and phone number of the distributor. These books are not available in kolkata.

 4. Kalpana said,

  October 9, 2011 @ 6:51 am

  રઈશ ભાઈને ખૂબ વધાઈ. સુન્દર ગઝલ માટૅ આપને.

 5. pragnaju said,

  October 9, 2011 @ 9:20 am

  રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન પ્રસંગે અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ
  આ પ્રસંગની બને તો વીડિયો મૂકવા વિનંતિ
  અને આવી ગહન ગઝલનું પઠન અને આસ્વાદ તેમના જ સ્વરમા સાંભળવા મળે…

 6. Sandhya Bhatt said,

  October 9, 2011 @ 9:57 am

  રૈઇશભાઈને અભિનંદન.પ્રજ્ઞાબેનની વાતમા હું સૂર પુરાવું છું.

 7. કવિતા મૌર્ય said,

  October 9, 2011 @ 10:00 am

  રઈશભાઈને હાર્દિક શુભકામનાઓ !!!

 8. Sudhir Patel said,

  October 9, 2011 @ 12:56 pm

  કવિશ્રી રઈશ મણિયારને ત્રીજા ગઝલ-સંગ્રહના વિમોચન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ!
  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 9. urvashi parekh said,

  October 9, 2011 @ 8:17 pm

  ખુબ ખુબ અભીનંદન.શુભેચ્છાઓ સાથે.
  સરસ અને સુંદર રચના.
  અમને બુક જોઇએ તો ક્યાંથી મળશે?

 10. મીના છેડા said,

  October 10, 2011 @ 4:23 am

  ખૂબ ખૂબ અભિનંદન રઈશભાઈ

 11. વિવેક said,

  October 10, 2011 @ 7:46 am

  રઈશભાઈને હાર્દિક શુભકામનાઓ…

  સુંદર ગઝલ અને એવો જ સુંદર ગઝલસંગ્રહ…

 12. ડેનિશ said,

  October 10, 2011 @ 8:46 am

  તાજગીથી મઘમઘતી ગઝલ !
  સાદ્યંત સુંદર ગઝલ !
  ને રઈશસર દ્વારા લખાયેલી મારી પ્રિય ગઝલોમાંની એક !

 13. dr.ketan karia said,

  October 11, 2011 @ 2:20 am

  મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
  જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો
  ગઝલની મજા …. આવી શેરિયતમાં છે…વાહ્…

 14. અનામી said,

  October 11, 2011 @ 12:06 pm

  લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
  એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો
  વાહ…

 15. P Shah said,

  October 13, 2011 @ 1:57 am

  રઈશભાઈને હાર્દિક શુભકામનાઓ…

 16. દીપક પરમાર said,

  October 20, 2011 @ 7:38 am

  આ ગઝલ જ્યારે પણ વાંચુ છુ દિલ ખુશ-ખુશ થઈ જાય છે…

  એક-એક શેર એકબીજાથી ચડિયાતા છે…

  રઈશભાઈને હાર્દિક શુભકામનાઓ…

 17. Chintan Acharya said,

  June 6, 2016 @ 10:11 am

  આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
  એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

  excellent depth….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment