પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
ભરત વિંઝુડા

ઊભો છું – રમેશ પારેખ

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં  ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

હોડ આવડવું-આવડવું એવી હતી, એમાં અવડાવા જાવું પડ્યું’તું.
તું જ નિર્ણય દે: હું શું હતો ને હવે આ હું શું આવડીને ઊભો છું !

કોઈ કુંવારી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી !
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું

કોરા કાગળમાં પાંચે નમાજો પઢું ને કરું શૂન્યતાના સિઝદો
શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું

– રમેશ પારેખ

લાંબી બહેરની ગઝલમાં સિદ્ધહસ્ત કવિએ ઘણા ઘણા અર્થ-આયામો છૂપાવ્યા છે. પોતાના મનની નિશાળમાં એકલા ઊભા રહેતી વખતે પણ કવિને ચામડીના સાત આવરણો નડે છે. સીધી વાત છે : શીખવાની જેટલી હોડ કરો આખરે એટલું ઓછું આવડે. કોરા કાગળમાં પાંચે નમાજો પઢે એવા પાકા શબ્દ-પરસ્ત કવિને પુસ્તક વાંચતા – શબ્દ પોતાની જાત પર ઘા કરીને બધા આવરણોને ઊકેલી આપે એટલે – પોતાની જાત વધુ સમજાય છે. પોતાની અશક્તિઓની શરમની અવસ્થા માટે કવિએ ‘રમેશાઈની ગાંસડી’ જેવો ધારદાર પ્રયોગ કર્યો છે.

5 Comments »

 1. જયેન્દ્ર ઠાકર said,

  July 12, 2011 @ 5:00 pm

  છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડી ઊભો છું……

  શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું….
  આ રમેશભઇની ભાષા તો ખાંડાની ધાર જેવી છે.

 2. chintan said,

  July 14, 2011 @ 2:30 pm

  just an observation,,,
  પંડિતો આનાં વિશે શું કહ્શે?

  બારાખડીમાં ઊભો છું
  ચામડીમાં ઊભો છું
  આવડીને ઊભો છું !
  ઘડીમાં ઊભો છું

 3. વિવેક said,

  July 15, 2011 @ 2:10 am

  પંડિતો કે પંડિતાઈની વાત નથી…

  પ્રસ્તુત ગઝલમાં બીજા શેરમાં કાફિયા દોષ છે…

 4. અનામી said,

  July 15, 2011 @ 8:38 am

  રમેશાઈની ગાંસડી…..કયા બાત….ગઝલિયતથી ભરપૂર..

 5. Rajnikant Vyas said,

  January 9, 2015 @ 3:47 am

  આવી અર્થસભર ગઝલ રમેશ પારેખને જ સ્ફૂરે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment