પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

લોહીની ધાર જેવું – શેખાદમ આબુવાલા

છે સાંજે તો એ લોહીની ધાર જેવું
સવારે હશે એ સમાચાર જેવું

અનાસક્તિના મોહની એ ઘડીઓ
કે લાગ્યું હતું એ ય સંસાર જેવું

વાગોવ્યાં અમે ખંજરને નકામાં
તમારી નજરમાં હતું વાર જેવું

ઊઘડતા ઉમંગો હશે બારી પાછળ
નકર હોત ના બન્ધ આ દ્વાર જેવું

બન્યા બુદ્ધિ પાછળ અમે સાવ ઘેલા
ન સમજ્યા હતું દિલ સમજદાર જેવું

રડ્યા તો નયન સાવ હલકા બન્યાં પણ
હસ્યા તો હતું મન વજનદાર જેવું

મને એક દી ચાંદે પૂછી જ લીધું
નથી ભાઈ તારે શું ઘરબાર જેવું

– શેખાદમ આબુવાલા

શેખાદમની ગઝલ કદી સમજાવવી પડે નહીં. પહેલો શેર તો સૌથી સરસ જ છે. અને ‘અનાસક્તિના મોહની ઘડીઓ’ એવી વાત બીજે ક્યાંય જોવા નહીં મળે એની મારી ગેરેંટી ! બન્યા બુદ્ધિ પાછળ… શેર ઈકબાલના પ્રસિદ્ધ શેર अच्छा है दील के पास रहे ની યાદ અપાવે છે. ને છેલ્લે શેખાદમની ચોક્ખી છાપ ધરાવતો રમતિયાળ શેર જેમા રાતોની રખડપટ્ટીની વાત મઝાની ચમત્કૃતિ સાથે આવે છે.

શેખાદમ મારો પ્રિય ગઝલકાર છે. ઘણા લોકો મને કહે છે કે શેખાદમથી સારા કંઈ કેટલાય ગઝલકારો ગુજરાતીમાં છે. પણ ભાઈ, ગમી તે ગઝલ – શેખાદમની ગઝલો મને કેમ ગમે છે એનું કોઈ કારણ નથી… કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે ! ખરી વાત તો એ છે કે જીવનના એવા સોનેરી દીવસોમાં શેખાદમની ગઝલો જોડે ઓળખાણ થયેલી કે એની અમૂક ગઝલો તો એકદમ અંગત યાદ જેવી બની ગઈ છે. હવે કહો કે પોતાની અંગત યાદો કોને પ્રિય ન હોય !

2 Comments »

 1. વિવેક said,

  March 2, 2007 @ 10:28 am

  વ્હાલા ધવલ ! હવે જરા અંગત યાદો વિશે ફોડ પાડીશ?

 2. Mohammedali'Wafa' said,

  March 2, 2007 @ 8:05 pm

  હવે ચાલતુઁ બસ આ વ્યપાર જેવુઁ
  કરે કોણ અહિઁયા હવે પ્યાર જેવુઁ

  ન સાકી હવે એ ન વેડફતાઁ એને
  નકો મયકદે છે તલબગાર જેવુઁ

  For complete gajhal pl.goto url
  http://bagewafa.blogspot.com/2007/03/blog-post.html

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment