ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

કાળ – ધીરેન્દ્ર મહેતા

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

– ધીરેન્દ્ર મહેતા

ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!

8 Comments »

 1. Pancham Shukla said,

  May 6, 2011 @ 3:03 am

  બાહ્યાકારે અછાંદસ જેવું લાગતું પણ પરંપરિત લયમાં અનવરુદ્ધ વહી જતું મઝાનું અને બળૂકું કાવ્ય. શબ્દોની પસંદગી, બાની અને પ્રતીકાત્મક આવરણ ‘કાળ’નું પણ પ્રકીર્ણ ચિત્ર ખડું કરી દે છે- ક્દાચ એ જ આ કાવ્યની ઉપલબ્ધિ છે.

 2. Bharat Trivedi said,

  May 6, 2011 @ 7:38 am

  ખૂબજ સુંદર કાવ્ય. વાહ !

 3. ધવલ said,

  May 6, 2011 @ 8:14 am

  સરસ !

 4. Maheshchandra Naik said,

  May 6, 2011 @ 8:41 am

  સરસ કાવ્ય, મૃત્યુનો ઓછાયો વર્તાતો જરુર લાગે છે…………સાંજ ઢળવાની વેળાની વાત કહી જીવન -સંધ્યાની વાત કરી હોય એવુ લાગે છે……………………

 5. pragnaju said,

  May 6, 2011 @ 8:44 am

  હળવેક હળવે
  હોલવાતાં જાય દૃશ્યો
  કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
  ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.
  સુંદર અછાંદસ
  આ સમય કેવો અદ્ ભૂત હોય છે ? સૂર્ય ધીમેધીમે અસ્ત થાય છે, પ્રકાશનાં કિરણો શનૈઃ શનૈઃ સંકેલાઈ જાય છે, અંધકારના ઓળા આજુબાજુથી બધે જ ઊતરી પડે છે, અને જોતજોતામાં અંધકાર ફરી વળે છે. અંધકારનો પડદો પડે છે ને થોડીક વારમાં આવે છે તપશ્ચર્યાથી તેજસ્વી બનેલા તારાસમૂહો અને એમની સાથે કુદરતનો સૂર્યાસ્ત………..
  આ કાળ શાશ્વત નથી હોતો. એ પછી અવકાશમાં સર્વત્ર અંધકારના ઓળાઓ ઊતરી પડે છે અને કાળનાં સ્મૃતિચિહ્નનો પડે છે. જીવનનો સંધ્યા-સમય પણ એ જ પ્રમાણે અશાશ્વત અથવા ક્ષણજીવી હોય છે. યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેતો. એની પછી જીવાતા જીવન પર કાળનો કામચલાઉ પડદો પડી જાય છે. વર્તમાન અભિનય પરિસમાપ્ત થાય તે પહેલાં એવી તૈયારી કરવી જોઈએ કે કશી ફરિયાદ ના રહે, અફસોસ અથવા વસવસો ના રહે, દ્વેષ કે ડંખ ના રહે, ક્યાંય મમત્વ, રાગ અથવા આસક્તિ ના રહે. અંતરમાં, અણુએ અણુમાં ઊંડો આત્મસંતોષ રહે. ચિત્તમાં ચંદ્રની ચારુતા જેવી ચારુતા કે પ્રસન્નતા ફરી વળે. સમસ્ત પ્રકૃતિ આત્મા સાથે મંગલ મહોત્સવ કરે. સાર્થકતાનો શ્વાસ ભરે.

 6. Pushpakant Talati said,

  May 6, 2011 @ 8:59 am

  મને આ રચના ઘણી જ પસંદ પડી
  અને સાથે સાથે pragnaju ની COMMENT પણ ગમી
  જ્યારે હું આ વાંચતો હતો ત્યારે મારા મનમાં મને રાવજી ભાઈનું પેલું જાણીતું ગીત યાદ આવી ગયું
  ‘ મારી આંખે કંકુનાં સુરજ આથમ્યાં ……….. ‘

 7. Ramesh Patel said,

  May 6, 2011 @ 12:55 pm

  સુંદર કવન અને પ્રતિભાવો દ્વારા સપ્ત રંગો માણવા મળ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. મીના છેડા said,

  May 7, 2011 @ 12:24 am

  કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?

  કદાચ આ કલ્પના સમયના એકાદ ટુકડાની પણ હોઈ શકે…. એવો ટુકડો જે કોઈ પણ સમયને સ્પર્ષતો હોય ને પછી વિસ્તરી જાય… ચોમેર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment