લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
વિવેક મનહર ટેલર

થાકી જશે ત્યારે ? – રમેશ પારેખ

ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?

કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?

ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયા,પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?

મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?

હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?

– રમેશ પારેખ

આમ તો મારી પાસે આમાંના એકપણ પ્રશ્નનો જવાબ નથી,પરંતુ છેલ્લો પ્રશ્ન રાતોની ઊંઘ હરામ કરી દે તેવો છે…..

22 Comments »

 1. rajesh gajjar said,

  April 3, 2011 @ 4:32 am

  કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે…….
  અદભુત….વાહ…વાહ…
  અભિનન્દન…

 2. Lata Hirani said,

  April 3, 2011 @ 5:51 am

  સ્પર્શની લીલાશના સ્મરણો જ્યારે લીલાકાચ થઇ ઝેરની જેમ વિસ્તરે ત્યારે શ્રદ્ધા થાકી જાય ને ઉચ્ચારાતા શબ્દો પણ થાકીને અર્થ ગુમાવી દે….

  રમેશ પારેખ એટલે રમેશ પારેખ…

  લતા

 3. Kirftikant Purohit said,

  April 3, 2011 @ 6:04 am

  સરસ ચિન્તન અને સરસ ગઝલ.

  હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
  તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?

 4. pragnaju said,

  April 3, 2011 @ 7:00 am

  ર પાની અ દ ભૂ ત ગઝલ

  તેને માણતા વધુને વધુ ચિંતન કરવા પ્રેરે

  હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
  તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?

  આ પંક્તીઓના ભાવ માટે સંતોને પૂછતા અમને આવું સમજાયુ.
  જીવનની ઉન્નતિની ઈચ્છાવાળા કોઈયે પુરુષે એ શબ્દોને ખાસ યાદ રાખવા જેવા છે. જીભના વિષયમાં રસાસ્વાદ ને વાણી બંનેનો સમાવેશ થઈ જાય છે. સંયમની મહત્તા તો લગભગ પ્રત્યેક ધર્મના મહાપુરુષોએ પોકારી પોકારીને કહી બતાવી છે. સ્ત્રી ને પુરુષ બંનેને માટે તેનું પાલન એકસરખું આવશ્યક છે. જીભ અને ઉપસ્થ બંનેનો સંયમ શ્રમસાધ્ય છે. તે માટે સતત જાગૃતિ, આત્મનિરીક્ષણ ને પ્રભુપ્રાર્થનાનો આધાર આવશ્યક છે. તે ઉપરાંત સારા પુરુષો, સ્થળો અને ઉત્તમ પુસ્તકોનો સંગ પણ સહાયકારક થઈ પડે છે. ગમે તેમ કરીને પણ સંયમનું વ્રત સાધકે લેવું જોઈશે અને સંયમની સાધના કરવી જ પડશે. તેના વિના આત્મિક ઉન્નતિની સાધના અધૂરી જ રહેશે
  સાધનાનો માર્ગમાં ભારે ઉત્સાહ, લગની, તાલાવેલી, શ્રદ્ધા ને પુરુષાર્થની જરૂર પડે છે.
  યોગની સાધના તો વળી વધારે કપરી છે. તેની સિદ્ધિ સારું વરસો સુધી મહેનત કરવી પડે છે. બધા માણસોમાં એવી સતત ને દીર્ઘ મહેનત કરવાની શક્તિ નથી હોતી. એટલે બહુ ઓછા સાધકોને યોગનો માર્ગ પસંદ પડે છે ને તેથી પણ ઓછા તેમાં સફળ થઈ શકે છે.
  દાદાના સરળ સહજ વાત અંતરથી સમજાય કે ‘કરવાપણું તેથી જ, થાક ! ‘

 5. Dr.J.K.Nanavati said,

  April 3, 2011 @ 8:43 am

  અજાણતાજ આજે આવી ગજ્હલ લખાઈ ગઈ
  અદભુત યોગાનુ યોગ…..

  હવે તો આ રસ્તાયે થાક્યા હશે, નહીં ?
  નિસા:સા હરેક મોડ નાખ્યા હશે, નહીં ?

  અમસ્તા હરણ આમ દોડે નહીં ત્યાં
  કદી ક્યાંક મૃગજળને ચાખ્યા હશે, નહીં ?

  લખી આંસુઓથી વ્યથા પાપણો પર
  પછી બંદગી કાજ રાખ્યા હશે, નહીં ?

  ઘણા ઘાવ પીઠે હતા, આયનાને
  ખબર જાણભેદુએ આપ્યા હશે, નહીં ?

  તસુ એ તસુ બંધ બેઠી કબર આ
  અમોને જમાનાએ માપ્યા હશે, નહીં ?

 6. Bharat Trivedi said,

  April 3, 2011 @ 9:04 am

  મને ડો. નાણાવટીની ગઝલ વિશેષ ગમી.

 7. Capt. Narendra said,

  April 3, 2011 @ 10:06 am

  સપ્તર્ષીના વિરાટ પ્રશ્નચિહ્નસમી ર પાની ગઝલની ગહનતા અને આર્તતામાં મન-બુદ્ધિ-ચિત્ત ડૂબી ગયા. આ પ્રશ્નોનાં જવાબ ક્યારે’ય મળશે ખરાં? મને તો ર પાની ગઝલની છેલ્લી પંક્તિમાં ઉદ્ભવતો સવાલ વધુ પરેશાન કરે છે:
  “તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?”
  જેનું નામ લઇએ છીએ એ પણ પોતાનું નામ સાંભળી સાંભળીને થાકી જશે ત્યારે???

 8. preetam lakhlani said,

  April 3, 2011 @ 12:46 pm

  રમેશ તો રમેશ છે……..તેની ગઝલ સુધી પહોચવા તો બે ચાર જન્મ્ પણ ઓછા પડે….બાકી કોઈને કેરી મુકી કાદાનો રસ વધારે ભાવેતો આપણે શુ કરી શકી એ!!!!!!આપણામા કહેવત છે ને કે ખાખરાની ખિસકોલી આંબાના રસ ને શુ જાણે ?…..રમેશને સમજવાની વાત વગર વાવે રાતો રાત ઉગી નીકળેલા વિવેચકો બિચારા કયાથી સમજી શકે?

 9. DHRUTI MODI said,

  April 3, 2011 @ 3:07 pm

  ખૂબ જ સરસ અને ગહન ગઝલ. ર. પા. હોય પછી પ્રશ્ન શું ને જવાબ શું?

 10. sudhir patel said,

  April 3, 2011 @ 4:33 pm

  ખૂબ સુંદર ચિંતનથી ભરપૂર ગઝલ!
  સુધીર પટેલ.

 11. મીના છેડા said,

  April 3, 2011 @ 10:15 pm

  જ્યારે પણ આ ગઝલ સામે આવી છે… ત્યારે ત્યારે હટી જવાનું બહુ સરળ નથી થયું….

 12. sapana said,

  April 3, 2011 @ 10:42 pm

  હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
  તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ? ખરેખર આંખો ભીની થઈ…બસ કાઈ નથી કહેવૂ..
  સપના

 13. jigar joshi 'prem' said,

  April 3, 2011 @ 11:05 pm

  ક્યા બાત ! ર. પા. તો એક ‘યુગ’ છે….આખો ‘યુગ’ લઇને એમનુઁ અવતરણ થયું આપણે અને આપણી ભાષા ભાગ્યશાળી કે ગુજરાતી ભાષામાં ર.પા. જન્મ્યા…..

 14. વિવેક said,

  April 4, 2011 @ 2:09 am

  સાદ્યંત સુંદર ગઝલ…

 15. Jignesh Adhyaru said,

  April 4, 2011 @ 2:38 am

  વાહ્, ખૂબ સરસ,

  કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
  પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?

  કેવી ઝીણી બાંધણી !

 16. Dr. J. K. Nanavati said,

  April 4, 2011 @ 4:06 am

  કહ્યું’તું કે શંકાનો ઠળીયો ન વાવો
  જુઓ, આજ ઉગ્યા છે અનબન બનાવો

  આ તો યોગાનુયોગ હતો….બાકી ર.પા. ને પાર કરવાનુ
  સ્વપ્ન પણ ન જોવાય…….પ્રિતમ ભાઈ….

 17. Girish Parikh said,

  April 4, 2011 @ 10:12 am

  પ્રીતમભાઈઃ નમ્સસ્તે. તમારું ઇ-મેઇલ સરનામુ અને સેલ ફોન નંબર મારા પર girish116@yahoo.com સરનામે મોકલશો? જૂન ૨૦૧૧માં હું રોચેસ્ટર આવવાનો છું ત્યારે તમારી સાથે સાહિત્યસત્સંગ કરવાની ઇચ્છા છે.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 18. Girish Parikh said,

  April 4, 2011 @ 10:20 am

  ઉપરના લખાણમાં ‘નમસ્તે’ વાંચવા વિનંતી. –ગિરીશ

 19. gunvant thakkar said,

  April 4, 2011 @ 2:24 pm

  અહી મોટાભાગની કોમેન્ટોમાં ગઝલ વિશેના અભિપ્રાય કરતા ગઝલકાર પ્રત્યેનો અહોભાવ વધારે મુખર જણાય છે પરંતુ કવિ રમેશ પારેખ પ્રત્યેના આપણા અહોભાવને વ્યક્ત કરવા માટે આપણે કેરી=કાંદા કે ખાખરા=ખિસકોલી જેવી ઊક્તિઓનો સહારો લેવો પડે એ દુઃખદ છે અંહી આપણી અને કવિ રમેશ પારેખની ગરિમા પણ જોખમાય છે એવુ મારુ નમ્રપણે માનવુ છે

 20. Bharat Trivedi said,

  April 4, 2011 @ 3:26 pm

  રમેશ પારેખનાં ગીતો જે ઊંચાઈ આંબી શક્યાં છે તે કામ તેમની ગઝલો નથી કરી શકી તે અંગે બે મત ના હોઈ શકે. વળી, પ્રસ્તુત ગઝલ રમેશભાઈની 100 ઉત્તમ ગઝલોમાં પણ આ ના જ આવી શકે. એ પણ કહી શકાય કે ગુજરાતીમાં આજ સુધી લખાયેલ 1000 ગઝલોમાં પણ આ ગઝલ સ્થાના ના પામી શકે.

  સફળ ગઝલ, ગઝલ અંગેની કેટલીક શરતો પૂરી કરતી હૉય છે. સૌથી મહત્વની બાબત ગઝલિયત હોય છે. શયદા, મરીઝ, ઘાયલ, ગનીભાઈ, કે પછી આદિલ, મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, કે મનોજ ખંડેરિયાની ગઝલોમાં થયેલ અપૂર્વ નકશીકામ અને અંગત અનુભૂતીને વૈશ્વિક સ્તરે લઈ જવાનો કસબના સંદર્ભમાં જ કોઈ પણ ગઝલને મૂલવી શકાય. કોઈ પણ સર્જકની પ્રત્યેક રચના સારી જ હોય તેમ ના માની લેવાય.

  જેમણે રમેશ પારેખની ઉમદા ગઝલોને માણી છે તેને આ ગઝલમાં એટલો રસા ના પડે તો કૈ આભ તૂટી પડતું નથી. પ્રત્યેક સર્જક પાસે આપણી અપેક્ષા અલગ રહેવાની. અને તેને કારણે આપણો પ્રતિભાવ પણ અલગ રહેવાનો. કોઈને કેરી ભાવે અને કોઈને ડુંગળી તે અંગે ખોટો ઉહાપોહ કરવા પાછળ કયાં પરિબળ કામ કરતાં હોઇ શકે તે અંગે અનુમાન કરવું ક્યાં અઘરૂ હોય છે!

  પોતે કશું નોંધપાત્ર લખી ના શકતા હોય તે કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેવા માગતા હોય તેમને સમજાવવાથી કશો ફેર પડી શકે ખરો ? ઘણા બધા કરી ચૂક્યા છે પણ આપણામાં કહેવાતા છે કે ‘ જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ!’ વધારે તો કહેવું પણ શું ?

  હાથવગી ગઝલને બાજૂ પર રાખીને, એલ ફેલ વિધાનો કરવા કરતાં પ્રસ્તુત ગઝલનું તલસ્પર્શી વિષેષ્ણ કરીને આ ગઝલની ખૂબીયો બતાવો તો વાત બને બાકી તો બકવાસ કરવો ખૂબ સહેલો છે. કરી બતાવો જો તેવડ હોય તો.

  -ભરત ત્રિવેદી

 21. P Shah said,

  April 5, 2011 @ 12:09 pm

  સુંદર રચના !
  તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?…..અદભૂત વાત !

 22. bharat joshi said,

  April 5, 2011 @ 1:10 pm

  ભાઈઓ, જ્યાથી રપા છે, ત્યાથી જ જના છે, માણૉ ને બન્ને ને………મારા વ્હાલા…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment