મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
મરીઝ

કોણ બોલે ને કોણ સાંભળે – મનોજ મુની

કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!
બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને….

પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! – કોણ બોલે ને….

સાંજની લાલી મેઘધનુષમાં રંગ સૂરજના ગણતી રે!
સાત રંગ જોઇ હૈયું જાણે, કામળી રાતની ઓઢે રે !
જોતી રહી એ આભની આભા, રંગ મળ્યા ના માણ્યા રે !
આનંદો મન વનફૂલે જ્યાં ઉપવન કોઇ ન થાતા રે ! – કોણ બોલે ને….

શ્યામલ નભના તારા વીણજે, અઢળક વેર્યા સૌને કાજ,
ચાંદ સૂરજની વાટ ન જોજે, ઊગે આથમે વારંવાર.
દુઃખ અમાપ ને સુખ તો ઝીણાં, સત્ય કોઇ ક્યાં સમજે રે!
ચૂંટજે ઝીણા તારલીયા, તારી છાબે ના એ સમાશે રે! – કોણ બોલે ને….

મનોજ મુની

અહીં કવિને દિવસ નહીં પણ રાત્રિનું આકર્ષણ છે! સૂર્યપ્રકાશ અને મેઘધનુષનો નહીં પણ કાળી રાતનો મહિમા કવિ ગાય છે.સૂર્યકિરણથી ઝળહળ થતા ઝાકળબિંદુ તેમને પસંદ નથી. કારણકે, કદાચ કવિને જે ભાવની વાત કરવી છે; તે કોઇ સાંભળવા તૈયાર નથી;તેમનાં સ્વપ્નો માટે તો તેમને રાતનો મહોલ જ બરાબર લાગે છે. જીવનનાં અમાપ દુઃખ જેવા તારલા તેમને વધારે પસંદ છે!

સંતૂરના કર્ણપ્રિય રણકારની સાથે સોલી કાપડીયાના મધુર કંઠે ગવાતા આ ગીતનો મહિમા પણ અપરંપાર છે !

1 Comment »

  1. સૂર્ય, સુરજ « સહિયારું સર્જન - પદ્ય said,

    June 8, 2007 @ 2:07 am

    […] પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ, ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર, આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે! પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment