સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
વિવેક મનહર ટેલર

સભર નથી – ભગવતીકુમાર શર્મા

છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી,
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી.

અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો,
હું કશેય પહોંચી નહીં શકું,બધું વ્યર્થ છે,આ સફર નથી.

અહીં કાળમીંઢ સદીઓ છે અને કાળખંડના ચોસલાં,
હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી.

ગયો સાથ છૂટી દિશાઓનો,નહીં સ્પર્શ શેષ કશાયનો,
હું સ્વયંને પૂછ્યા કરું સતત,મને અંશ માત્ર ખબર નથી.

ગયો ક્યાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઈ ભાવભીનો યે સ્વર નથી.

આ નગર,ગલી અને ધૂળ આ,આ નદીનાં નીર ભર્યાં ભર્યાં,
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારું ઘર નથી.

હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.

– ભગવતીકુમાર શર્મા

એક સળંગ સૂર ધરાવતી આ ગઝલ નો બીજો શેર સદાય યાદ રહી જાય તેવો છે. [ સિસિફસ એ ગ્રીક પુરતાનકથા અનુસાર એક શાપિત રાજા હતો જેને શ્રાપ હતો કે તેણે એક મસમોટી ગોળાકાર શિલાને એક સીધા ઢોળાવવાળા પર્વત ઉપર ચડાવવાની હતી,પરંતુ તે જેવો તેની ટોચની નજીક પહોંચતો કે તે શિલા પછી ગબડીને તળેટીમાં ચાલી જતી…-તેણે અનંત સુધી એક અંતહીન,અર્થહીન પ્રવૃત્તિ કરતા રહેવાનું હતું…] એક નિરાશાના સૂર સાથે જે એક આત્મખોજનો,આત્મનિરીક્ષણનો સૂર છે તે આ ગઝલની ખૂબી છે.

[ ગઝલની ઊંડી સમજ ધરાવતા ભાવકોને એક નમ્ર વિનંતી- મારી સમજમાં વધારો થાય તે હેતુથી આ વિનંતી કરું છું, કવિ વિષે કોઇપણ comment કરવાની મારી કોઈ જ લાયકાત નથી- છઠ્ઠો શેર મને કઠ્યા કરે છે, બહુ જામતો હોય તેમ નથી લાગતું. કદાચ તે શેર વગર ગઝલ વધુ સબળ થતે તેમ લાગે છે. આપ પ્રકાશ પાડો તો આભારી થઈશ. ]

12 Comments »

 1. કિરણસિંહ ચૌહાણ said,

  January 9, 2011 @ 3:01 am

  કામિલ છંદમાં ગઝલકર્મ કરવાનું ગજુ બહુ ઓછા ગઝલકારોનું છે. ભગવતીભાઇએ એ છંદમાં અહીં બહુ જ નમૂનેદાર ગઝલ રચી છે. રહી વાત છઠ્ઠા શે‘રની તો તીર્થેશભાઇની વાત સાચી છે. કોઇ નવી વાત આ શેરમાં જણાતી નથી. આમ છતાં આ શેર નભી તો જાય છે પણ બીજા શેર આટલા સુંદર થયા હોય ત્યારે સાચા ભાવકમિત્રોને આ પ્રશ્ન થાય જ. એક બીજી વાત એ પણ છે કે આ છંદની રવાની જ એવી છે કે સર્જન શરૂ કરીએ પછી શબ્દપ્રવાહ એવો વહેવા માંડે છે કે કયો શે‘ર નબળો રહી ગયો છે એ મિત્રો ધ્યાન દોરે ત્યારે જ ખ્યાલ આવે છે.

 2. વિહંગ વ્યાસ said,

  January 9, 2011 @ 6:56 am

  સુંદર ગઝલ. કિરણભાઇનો પ્રતિભાવ બહુ ગમ્યો.

 3. Dr. J. K. Nanavati said,

  January 9, 2011 @ 7:04 am

  સૌ પ્રથમ તો આભાર તીર્થેશભાઈ નો
  ને શ્રી કિરણ ભાઈ નો કે કદી ખબર જ નહોતી
  એવા છંદ ની રચના નો આસ્વાદ કરાવ્યો…….માંડ મગજમાં
  લય ઉતર્યો…!!

  પણ લય ઉતર્યા પછી એક જગ્યાએ ર્મ લાગ્યું કે

  હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી

  ને બદલે

  હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી ને પ્રહર નથી

  હોત તો રજુ કરવાની મઝા આવે એવી ગઝલ છે
  આભાર ફરીથી..

 4. pragnaju said,

  January 9, 2011 @ 8:32 am

  હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
  જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.
  સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
  યાદ આવી
  માઇકલ એન્જેલોએ કવિતાઓ લખી . તેમના પર ઇરવિંગ સ્ટોને ‘એગની એન્ડ એકસ્ટસી’ નામનું સરસ પુસ્તક લખ્યું છે. આમ છતાં એન્જેલો એવું કહેતા I am learning alphabet of my art તેમની મહાનતા એમની આવડત નહીં પણ આવી જીવનભાવના છે.

 5. bharat vinzuda said,

  January 9, 2011 @ 1:18 pm

  આ ગઝલ જોઈ અને ગનીચાચાની યાદ તાજી થઈ….

 6. kishoremodi said,

  January 9, 2011 @ 5:05 pm

  સળંગ પ્રવાહમાં વહી જતી સુંદર ગઝલ.

 7. sudhir patel said,

  January 9, 2011 @ 9:24 pm

  ખૂબ જાનદાર રવાની સભર ગઝલ! બાકીના મજબૂત શે’ર સામે છઠ્ઠો શે’ર ભરતીનો લાગે છે.
  સુધીર પટેલ.

 8. Gunvant Thakkar said,

  January 10, 2011 @ 1:33 am

  બીબાઢાળ અને એકજ ઘરેડમા જીવાતી જિંદગીની વ્યથાઓ અને નિરાશાઓની સુંદર અભિવ્યક્તિ. ભગવતીભાઈની આજ છદમાં લખાયેલી એક ગઝલનો સુંદર શેર અત્રે યાદ આવે છે. પછી ઝુમ્મરોને બુઝાવશે કો હવા અદીઠ ભવિષ્યની હું નિહાળી સ્વપ્ન લઉ જરા આ ક્ષણોના મંદ ઉજાસમાં

 9. Pinki said,

  January 11, 2011 @ 6:26 am

  સરસ ગઝલ !

 10. સુનીલ શાહ said,

  January 11, 2011 @ 10:22 am

  સરસ ગઝલ..
  કિરણભાઈનો ઉત્તર ગમ્યો.

 11. urveesh said,

  January 12, 2011 @ 10:25 am

  સરસ ગઝલ ૫ણ કામિલ છંદમાં જયારે કોઇએ ૫ણ લખ્યું છે ત્યારે લલગા લગા સાથે છુટ લેવાયેલ છે.ગનિભાઈની દિવસો જુદાઈના માં ૫ણ આ જોવા મળે છે બહાદુરશાહ જફર ની ન કીસીકી આંખકા નૂર હું ૫ણ આ છંદમાં છે.

 12. Pancham Shukla said,

  January 12, 2011 @ 1:55 pm

  ઉર્વીશભાઈની વાત બરાબર લાગે છે. કામિલને સંપૂર્ણ ચુસ્તી સાથે ખેડવો ખૂબ મુશ્કેલ છે.

  બીજું એક અવલોકનઃ જ્યારે ચુસ્તી સરસ હોય ત્યારે એ આપણા હરિગીત છંદના પાઠ જેવો ધ્વનિ આપતો માલૂમ પડે છે.

  દા.ત.- ‘અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો’

  શું એટલે ઓછી છૂટના આગ્રહી ગઝલકારો કામિલને બદલે હરિગીત વાપરવાનું પસંદ કરતા હશે?

  મને લાગે છે કે ૬ઠ્ઠા શેરને બે રીતે જોઈ શકાયઃ

  ૧. ઈમ્પ્રેસના તત્વને કેન્દ્રમાં રાખી – જાણકાર ગઝલકારોના મંતવ્ય સાથે સહમત
  ૨. એક્સપ્રેસના તત્વને કેન્દ્રમાં રાખી – એ કવિના ભાવવિશ્વમાં પ્રવેશીએ અથવા તો સ્વાભાવિક ઊક્તિઓ સાથે તાદાત્મ્ય સાધીએ તો કશું કહી શકીએ.

  આમ તો દરેક ગઝલકારની ગઝલોને (કે શે’રોને) આ બે ભાગમાં જોઈ શકાય. એવું બને કે પહેલામાં ગઝલકાર પોતાના કસબને શ્રોતાને ધ્યાનમાં રાખી ખેડતો હોય. બીજામાં પોતાની કુદરતી ઊર્મિઓ/જાતને વફાદાર રહીને કામ કરતો હોય.

  ૬ઠ્ઠા શેરને ૫માં અને ૭માંની વચ્ચે સેન્ડવિચ કરીને જોઈએ તો કદાચ એક્સપ્રેસનું તત્વ વધુ ખૂલે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment