વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
ગની દહીંવાલા

પૂર્વાવસ્થા – રઘુવીર ચૌધરી

પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન.
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી,ઓળખીને
અળગા થનાર :

ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.

અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્વૈત.
દ્વૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિ થી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાન પવનોમાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટિરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષાઘાત…
અરે,જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !
છતાં આજ લગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી !
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.

-રઘુવીર ચૌધરી.

[ તથ=સત્ય, વિતથ=અસત્ય, સંપાતિ= જટાયુનો ભાઈ જે વાનરોને લંકા અને રાવણ વિષે માહિતી આપે છે., સમિધ=હવનમાં હોમ કરવાની સામગ્રી અથવા હવન, ઉચ્ચાવચતા=ઊંચા-નીચાપણું અથવા વિવિધતા]

આ અત્યંત બળકટ ચિંતનાત્મક અછાંદસમાં જાણે અનેક કાવ્યો સમાયેલા છે ! માનવસહજ નબળાઈઓને વિસરી સામર્થ્ય વિના હનુમાન-કુદકો મારવાની ચેષ્ટાનો શું અંત હોઈ શકે,ત્યાંથી શરૂઆત કરી કવિ મધ્યભાગમાં એક શકવર્તી ‘statement’ આપી દે છે- ‘ દ્વૈત એટલે જ યુદ્ધ ‘ ! – આ ઘોષણા આ કાવ્યની ચરમસીમા સમાન છે. ત્યાં તો જરા આગળ વધતા બીજી અદભૂત પંક્તિ આપણને આંચકા સાથે થંભાવી દે છે- ‘ અરે, જેણે આત્મવંચના….અન્ય સામે યુદ્ધ ! ‘ બંને વાત એક જ છે,પરંતુ અંદાઝે-બયાંની તાકાત કાવ્યના મૂળ તત્વને વધુ ઠોસ રીતે નિખાર આપે છે. આથી વધુ કઠોર અને ઈમાનદાર આત્મ-નિરીક્ષણ શું હોઈ શકે ? પૌરાણિક સંદર્ભોને જે અધિકારપૂર્વક અને સચોટ રીતે કવિએ પ્રયોજ્યા છે તે પુરાણોનું સાચું અધ્યયન કોને કહેવાય તેના ઉત્તમ ઉદાહરણ સમાન છે.

7 Comments »

 1. Kirtikant Purohit said,

  January 16, 2011 @ 7:31 am

  દ્વૈત એટલે જ યુદ્ધ.

  અનેકાનેક પુરાણોના તથ્યોને સમાવતો કાવ્યમય (અછાઁદસ) નિબઁધ.

 2. manoj said,

  January 16, 2011 @ 8:09 am

  આફ્રિન્

 3. pragnaju said,

  January 16, 2011 @ 9:01 am

  ખૂબ સુંદર

  શાસ્ત્રો પુરાણો કહેલી વાતો જેવી કે ધુમાડો અગ્નિના લીધે પેદા થયો છે. અગ્નિ વગર એનુ કોઈ અસ્તિત્વ નથી. તે અગ્નિનું જ અંગ છે. આ અદ્વૈત છે. આત્મા અગ્નિ છે અને જીવ ધુમાડો છે. બંને જુદા ૫ણ છે અને એક ૫ણ છે. ઉ૫નિષદોમાં એમને એક વૃક્ષ ૫ર બેઠેલાં બે ૫ક્ષીઓની ઉ૫મા આ૫વામાં આવી છે. ગીતામાં એ બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરતાં એકને ક્ષર અને બીજાને અક્ષર કહેવામાં આવ્યો છે

  . આ અછાંદસ અને તેના રસાસ્વાદ દ્વારા વધુ સારી રીતે સમજાય છે

 4. dHRUTI MODI said,

  January 16, 2011 @ 3:59 pm

  અનેક મીથ સાથે કહેવાયેલી ઉત્કૃષ્ટ અને તાકાતવર અછાંદસ.

 5. bharat vinzuda said,

  January 17, 2011 @ 11:09 am

  પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !
  છતાં આજ લગી યુદ્ધની કથાઓ
  બધી રમ્ય રહી !
  યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.

  કવિ રઘુવીર ચૌધરીને વંદન…

 6. Ramesh Patel said,

  January 17, 2011 @ 2:59 pm

  સાક્ષર સાહિત્યકારની એક ઉમદા રચના …રમ્ય.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. dilip said,

  January 23, 2011 @ 1:55 am

  ખૂબ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment