ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

લયસ્તરોની બીજી વર્ષગાંઠ : આપના પ્રતિભાવ !

લયસ્તરોની આજે બીજી વર્ષગાંઠ છે. બે વર્ષ પહેલા મનને ગમી ગયેલી અને દિલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ શરૂ કરેલો. બે વર્ષમાં આ બ્લોગે અમને ઢગલાબંધ કવિતાઓ સાથે અને એનાથીય વધુ તો કવિતા જેવું દિલ ધરાવતા મિત્રો સાથે ઓળખાણ કરાવી આપી છે. આજે એ પ્રસંગે મિત્રોએ મોકલેલ પ્રતિભાવો અહીં માણો.

મુંબઈથી મીનાબેને એમના સ્નેહાળ શબ્દો મોકલ્યા છે:

મિત્ર ધવલ, લયસ્તરો આ નામ નથી જાણતી તેં કયા વિચારથી પ્રેરાઈને પસંદ કર્યું છે પણ આ સ્તરનો લય અવિરત સુગંધ પસરાવતો વહી રહ્યો છે. આ માટે તમારા ત્રણેની ટીમ – તું, વિવેક અને સુરેશભાઈ … આપ ત્રણેના કાર્ય સામે નતમસ્તક છું. અહીં નેટ પર વિવેકના બ્લોગ બાદ લયસ્તરો જ છે જેના પર હું વાંચવા આવું છું. સમયની અછતને કારણે બીજા પણ સારા બ્લોગ વાંચવાના રહી જાય છે ને આ બે બ્લોગ પણ હું સમય પર વાંચી નથી શકતી પણ જે ઘડીએ વાંચું છું લાગે છે કે એ દિવસનો મારો માનસિક આહાર મેં બરાબર લીધો છે. આપ ત્રણેને મારી શુભકામના. લયસ્તર પર આવતા એવું લાગે છે જાણે આખા દિવસના કામબાદ થાક્યા ઘરે પાછા ફર્યા છીએને થોડી જ વારમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. આગળ હવે આપ સૌની જવાબદારી પણ વધી જાય છે. આટલું સરસ સ્તર બનાવ્યા બાદ એની પાત્રતા વધુ ને વધુ સારી રીતે જળવાઈ રહે એની દરકાર રાખશો જ.

જરૂરથી મીનાબેન, અમે લયસ્તરોનું સ્તર જાળવવા માટે કોઈ કસર નહીં છોડીએ.

લયસ્તરો’ નામ પાછળ કયો વિચાર હતો એ તો આજે મને પણ યાદ નથી ! વર્ષો પહેલા જે નોટબૂકમાં હું ગમતી કવિતાઓ ઊતારી લેતો, એ નોટબૂકનુ નામ મેં ‘લયસ્તરો’ આપેલું. બ્લોગ ચાલુ કર્યો ત્યારે એજ નામ સ્વાભાવિક રીતે ચાલુ રાખ્યું !

નીલાબેન કડકીયાએ ટૂંકોને ટચ સંદેશો મોકલ્યો છે :

Have a nice time but do not get lost.

સિદ્ધાર્થ એની શુભકામનાઓ મોકલે છે:

અભિનંદન અભિનંદન જન્મદિવસના અભિનંદન …

આ અવિરત સફર ચાલુ જ રહે અને અમારા જેવા વાઁચકોને રસલ્હાણ પીરસાતી રહે એ જ આશા.

કવિલોકના શ્રી જયેશભાઈ પટેલ લખે છે:

લયસ્તરોને ૪ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બે વર્ષ પૂર્ણ થાય છે એ પ્રસંગે કવિલોક પરિવાર તરફથી ધવલ શાહ, વિવેક ટેલર અને સુરેશભાઇ જાની ખૂબ ખૂબ અભિનંદન. Keep up your good work.

વિહંગભાઈ વ્યાસ એમની વાત અનોખી રીતે મુકુલ ચોકસીના મુક્તક સાથે કરે છે:

લયસ્તરો જ્યારે બે વરસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ત્રીજા વરસમાં મંગળ પ્રવેશ કરે છે ત્યારે અમારા જેવા સામાન્ય ભાવક રાજીપા સિવાય બીજું શું વ્યક્ત કરી શકે ? મારી માતૃભાષાનો આ ગૌરવવંતો દિવસ છે. કશાય સ્વાર્થ વગર લયસ્તરો નામ થી બ્લોગ શરૂ કરીને ગુજરાતી ભાષાને વિશ્વ વ્યાપક બનાવનાર આ ત્રણેય જિન્દાદિલોને મારા લાખ લાખ અભિનંદન…છેલ્લે મુકુલ ચોકસીનું એક મુક્તક કહીને મારી વાત પૂર્ણ કરું છું.

આપણી પાસે સ્વમાન જ આપણું છે
જો કે કહેવા માટે એ પણ ઘણુ છે
મારે આંતરરાષ્ટ્રિય બનવું નથી,
મારી પાસે મારું ગુજરાતીપણુ છે.

અમિતભાઈ પિસવાડિયા એમની શુભેચ્છાઓનું અમીઝરણું મોકલે છે:

હાર્દિક અભિનંદન,
ઉત્તમ કૃતિઓના આસ્વાદ માણતા રહીએ…

ચેતનભાઈ ફેમવાલા એમના આગવા શબ્દોમા આ પ્રસંગે લખે છે:

લયસ્તરો…… બે વર્ષ……. ૨૪ મહીના…. અભિનંદન …..

ગુજરાતી ગીત ,ગઝલ,અછાંદસ,મુક્તક , રૂબાઈ અને ગુજરાતી કાવ્ય જગતનાં વિવિધ ‘લય’ નાં સહસ્ત્ર ‘સ્તરો’ વીશ્વનાં સૌ ગુજરાતી સાહિત્ય રસીકોને પહોંચાડવા બદલ ધવલભાઈ, વિવેકભાઈ તથા સુરેશદાદા નો ખુબ ખુબ આભાર…. લયસ્તરોની આ સફર દાયકાઓ સુધી ગતિશીલ રહે એજ અભ્યર્થના સહ.

રીડ ગુજરાતી દ્વારા ગુજરાતીને નેટ-વગી કરવાની સફરમાં અમારો સહપ્રવાસી એવો મૃગેશ વડોદરાથી લખે છે:

લયસ્તરો તેમજ તેમના તમામ સંચાલકોને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ બ્લોગ વધારે વધારે પ્રગતિ કરે અને કાવ્ય રસિકોમાં ઉત્તરોત્તર લોકપ્રિય બનતો જ રહે એવી મારી અંતરની શુભકામનાઓ.

રમેશભાઈ શાહ એમની લયસ્તરો સાથે ઓળખાણ કઈ રીતે થઈ એ વિષે લખે છે:

વર્ષગાઠ ની શુભેચ્છા. હજું તો બે વર્ષ જ થયા છે અને કેટલું આપ્યુ છે “લયસ્તરો” એ. મારી પોતાની જો વાત લખું તો ગયા વર્ષે લાબાં સમય માટે યુ.એસ. રહેવાનું થયુ ત્યારે ઇન્ડિયા થી લાવેલી વાંચન સામગ્રી ખુટી,એક નું એક વાંચી ને કંટાળ્યો.લાયબ્રેરી માં પણ આટો માર્યો. પણ ભાવતું વાંચન ક્યાંય ન મળ્યુ.

કોમપ્યુટર પર ગૂગલ માં ‘ગુજરાતી લીટ્રેચર’ સર્ચ કરતાં એકાએક મને મોતી જડ્યુ.એ હતી આપણી પહેલી મૂલાકાત. ”લયસ્તરો” એ મને પાછો વાંચતો કર્યો , વધુ ને વધુ બ્લોગસ અને વધુ ને વધુ વાંચવાની મજા. સાચુ કહું,ઓછી પ્રેક્ટીસ ને લીધે વાંચતા બહુ વાર લાગતી અને આખો દિવસ જાણે ઓછો પડતો. મારો સન ઓફીસે જવા નીકળે (સવારના સાત વાગે) ત્યારથી પાછો આવે (સાંજ નાં) ત્યાં સુધી મારી આંખો વાંચ્યા જ કરતી એનો યશ પણ ‘લયસ્તરો’ નેજ આપું તો ખોટુ નથી. (છોકરો અકળાય એટલે કહે પપ્પા માદા પડશો ! )

એમણે સાથે સૂચનો પણ મોકલ્યા છે :

થોડા સુચનો: ઘણા મારી જેવાં વાંચકો માટે કાવ્ય નો ગુઢાર્થ સમજવો મુશ્કેલ થતું હોય છે.તો કોઈ રસિક જણ રસાસ્વાદ કરાવી શકે ? વિવેક ની ઘણી કવિતાઓ માં મેં આ અનુભવ્યુ છે. તો તેઓ પોતેજ પોતાનું કાવ્ય સમજાવી ન શકે – જેમ શાળા માં હતો ત્યારે અમારા ગુજરાતી ના સર સમજાવતા- ભલે ટૂક માં.

ચોક્ક્સ. લયસ્તરો પર વધુ રસાસ્વાદને સ્થાન આપીશું. પણ, ઘણી વાત કવિતા અને ભાવકની વચ્ચે ન આવવાનું જ વધારે ઉચિત લાગે છે !

ઊર્મિ સાગર લયસ્તરોને માટે આ હ્રદયસ્પર્શી સંદેશો મોકલે છે:

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળ! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!

સંજોગોવસાત, ગયા વર્ષે મારે છ મહિના માટે દેશમાં જવાનું થયું અને ત્યારે રોજનાં વાંચનમાં અખબારો, પૂર્તિઓ અને મેગેઝીનોમાં સાહિત્ય વિભાગને અચૂક અડ્યો હતો… જ્યારે પાછી અમેરીકા આવી ત્યારે અંતરમાં એક કણસ હતી કે હવે ફરી આવું વાંચવાનું ક્યાં અને ક્યારે મળશે? પરંતુ બહુ રાહ જોવી ન પડી… આવીને બે-ત્રણ મહિનામાં જ અંતરની એ કણસ એકદમ ગાયબ થઇ ગઇ… લગભગ પાંચેક મહિના પહેલાં નેટ સર્ફ કરતાં કરતાં પ્રથમ એસ વીનાં ‘પ્રભાતનાં પુષ્પો’ અને પછી ‘લયસ્તરો’ પર આવી ચડી… અચાનક જાણે એવું લાગ્યું કે કોઇ ખજાનો હાથ લાગી ગયો! 15 વર્ષથી પણ અધિક જન્મભૂમિથી દૂર રહીને હવે સાહિત્યનું વાંચન તો લગભગ નહિવત્ થઇ ગયું હતું. (હા, કો’કવાર અઠવાડિક ગુજરાત સમાચારમાં ‘કંઇક’ વાંચવા જરૂર મળી જતું!) અને તેમાં લયસ્તરો જેવું હાથ લાગી જાય તો એ ખજાના કરતા પણ કંઇક જ અધિક લાગે! ખાસ કરીને અમારા જેવા માતૃભૂમિનાં વિરહાતુરોને…!!

લયસ્તરોએ પ્રસ્તુત કરેલ રચનાઓ ઘણી મારી ગમતી હતી તો ઘણી પ્રથમ વાર જ વાંચી હતી… પુસ્તક લેવા માટે કયા કવિનું પુસ્તક ખરીદું એવી કાયમ ઉલઝન રહેતી અને ઘણા બીજા સારા કવિઓની રચના વાંચવા મળી શકતી ન’હોતી, એ ઉલઝનને લયસ્તરોએ એકદમ સુલઝાવી દીધી… અને મને ઘણા વિવિધ કવિઓની વિવિધ રચનાઓ માણવાનો મોકો મળ્યો…. જેમ કે, ગીત, ગઝલ, અછાંદસ, મુક્તક/હાઇકુ, રૂબાઈ, કાવ્યો, વિગેરે..!

લયસ્તરોએ મને યાદ કરાવ્યું કે સ્કુલકાળમાં સાહિત્ય મારો જેટલો પ્રિય વિષય હતો, એટલો જ પ્રિય વિષય એ હજી આજે પણ હતો… અને ત્યારે મને યાદ પણ આવ્યું કે સ્કુલમાં કેવી થોડી કુમળી કુમળી કવિતાઓ (કે કવિતા જેવું જ કંઇક!) લખવાની ચેષ્ટા શરૂ કરી હતી! અલબત્ત, એ કોઇને વંચાવી ન’હોતી… (થોડી શરમ તો આવે જ ને, વળી?!!!) 🙂 અમેરીકા આવ્યા પછી એટલું સારું હતું કે કો’કવાર નિજાનંદ માટે ‘કશુંક’ લખી નાંખવાની આદતને અકબંધ રહેવા દીધી હતી.

લયસ્તરોનાં વિશેષ વાંચનને લીધે અને મારી ‘કંઇક’ લખવાની જુની આદતને સંતોષવા માટે, મારી ‘ઊર્મિનો સાગર’ પ્રગટ થયો… જે હતો મારી સ્વરચિત તથા મનગમતી રચનાઓનો બ્લોગ! આ બ્લોગનું સર્જન કરવાની પ્રેરણા આપવાનું પ્રથમ શ્રેય જાય છે લયસ્તરોને (બીજું શ્રેય, એમનાં સંચાલકોને… પણ એ દરેકને માટે તો મારે જુદો નિબંધ લખવો પડે)!!

મારી મુરજાયેલી સાહિત્ય રુચીને વિવિધ રચનાઓનું પાણી પાઇ પાઇને ફરી લીલીછમ્મ કરવાનું સૌથી મોટું શ્રેય જાય છે લયસ્તરોને… અને એનાં સંચાલકોને!! એમનો આભાર માનવો મારે માટે લગભગ અશક્ય હોય એ સૌને મારાં સ્નેહ-નમન!

છેલ્લે કહું તો…

ભાષા આવીને મને એમ વરી આજે,
ખોવાયેલું મારું કોઇ ઘરેણું હતી જાણે

જયશ્રી એના મનની વાત રસાળ શબ્દોમાં લખે છે:

લયસ્તરો ને એના જન્મદિવસે ઘણું ઘણું કહેવાનું મન થાય છે.. એમ થાય છે કે ગુજરાતી કવિતાના આ મહાસાગરના પ્રેમ અને માનમાં એક કવિતા લખી દઉ. પણ ઘણા દિવસો સુધી વિચાર કરવા છતાં કઇં એવું લખી ના શકી…

લયસ્તરો સાથે મારી ઓળખાણ થઇ ‘રીડગુજરાતી.કોમ’ ના ગુજરાતી બ્લોગ-જગત વિભાગમાં આપેલ લિંક પરથી… અને ખરેખર… એ દિવસે તો જાણે તરસ્યાને છલોછલ છલકતો કૂવો મળ્યા જેવી લાગણી થયેલી…. થોડી જાણીતી અને થોડી પહેલીવાર વાંચવા મળતી કવિતાઓ અને ગઝલોનો જાણે ખજાનો જ મળી ગયો…

વિવેકભાઇ એ કહ્યું હતુ, કે તમારી સૌથી ગમતી કવિતા કઇ? એ પણ જણાવી શકો…. પણ એ કામ અતિમુશ્કેલ તો નહીં, મારા માટે અશક્ય છે..

એ પછી સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનીષદ હોય, કે હરિન્દ્ર દવે ની ‘એકલવાયો’, સુરેશ દલાલનું ‘તારા વિના’, કે રમેશ પારેખના ‘હું અને ચંદુ… ‘ લયસ્તરોના મહાસાગરે એવા એવા અણમોલ મોતીઓ આપ્યા છે, કે બસ… કોઇ શબ્દો જ નથી કે પૂરતો આભાર પણ માની શકાય…

લયસ્તરોમાં સૌથી વધારે કંઇ ગમ્યુ હોય… તો એ છે દરેક રચના સાથે કવિ અથવા કવિતાની ઓળખાણ… મારો અનુભવ એવો રહ્યો કે આ થોડા વાક્યોનો રસાસ્વાદ મને કવિ અને કવિતાની થોડી વધુ નજીક લઇ જાય છે.

રમેશ પારેખ શબ્દસપ્તક… મિત્રતા… ગઝલમાં દર્દ અને દવા… કિરણોત્સવ…. વગેરે સંકલિતો એ તો એવી મજા કરાવી છે… વાહ વાહ…

ઘણું બધુ કહેવાની ઇચ્છા થાય છે… પણ ખરેખર, પહેલા કહ્યું એમ પૂરતા શબ્દો નથી મળતા… મારા ભત્રીજાના જન્મદિવસે હું જેટલી ખુશ હોઉં છું.. એવી જ ખુશી આજે થઇ રહી છે…. ઘર પરિવારથી દૂર રહેતી હું, મને લયસ્તરોમાં એક આત્મીયજન મળ્યુ છે… જે મારી દરેક લાગણી સમજે છે… અને મારી લાગણીઓને વાચા પણ આપે છે… મન:સ્થિતિને સહારાની જરૂર હોય.. કે ઉત્સાહની… લયસ્તરો આપી જાણે છે…

ગુજરાતી કવિતાનો આ મહાસાગર આ જ રીતે હંમેશા છલકતો રહે… અને વિશ્વભરના ગુજરાતી કવિતાના ચાહકોને આ જ રીતે અમુલ્ય મોતીઓની લ્હાણી કરતો રહે.. એવી શુભેચ્છા..

ખૂબ ખૂબ અભિનંદન …. !!

લયસ્તરોની સફરના આ બધા સાથીઓનો દિલથી આભાર.

8 Comments »

 1. ઊર્મિસાગર said,

  December 4, 2006 @ 4:03 pm

  અભિનંદન,
  ઓ બે વર્ષનાં
  બાળ! નામ એવા
  જ ગુણ તારા
  છે, લયસ્તરો!

 2. Jugalkishor said,

  December 4, 2006 @ 11:02 pm

  કાવ્યનો લય-આપણાં સ્તર.

  કાવ્યના જે શ્વાસ ને ઉચ્છ્વાસ,તે લય,
  કાવ્યનો તો પ્રાણ પણ લય;
  રૂપ ના, પણ સ્પર્શ ને જે ઘ્રાણ-
  તે લય.

  એમનાં શાં શોધવાનાં હોય સ્તર ?
  એ રહે સૌ, સર્જકોનાં ‘સ્તર’ ઉપર;
  કાવ્યને તો એક બસ્ લય, એક સ્તર-
  સર્જી ર્ હે ભાવક મહીં જે સ્તર્ ઉપર સ્તર્ !
  — જુગલકિશોર ( આમ, અત્યારે જ પ્રગટ્યું ને મુક્યું !)

 3. હરીશ દવે said,

  December 4, 2006 @ 11:05 pm

  હાર્દિક અભિનંદન! મિત્રો!
  “લયસ્તરો” ગુજરાતી નેટ જગતમાં સિદ્ધિઓનાં નવાં સોપાન સર કરે અને ઈંટરનેટ પર ગરવી ગુજરાતી ભાષાનું નામ ઉજાળે તેવી શુબેચ્છાઓ!
  ….. હરીશ દવે અમદાવાદ

 4. Pravin V. Patel said,

  December 5, 2006 @ 11:59 pm

  ભાવનાશીલ ભાગ્યવાન મિત્રો,
  ત્રિપુટીની એક વિચારસરણી હોવાથી, ધાર્યુ નિશાન પાર પાડી શકશે એમા શંકા નથી.
  વીણાવાદીની આપ સહુ પર અપાર આશીર્વાદ વરસાવે એવી હાર્દિક પ્રાર્થના.
  કામયાબી આપની રાહ નિહાળે છે.
  અભિનંદન………….સાથી હાથ બઢાના===============

 5. જય ભટ્ટ said,

  December 8, 2006 @ 1:39 am

  લયસ્તરો દ્વારા ગુજરાતી કવિતા,ગીત,સંગીત અને ગઝલોનો અવિરત ખજાનો પીરસતાં પીરસતાં લયસ્તરો બ્લોગે બે વર્ષ પુરાં કર્યાં. આ સફર નિરંતર સનાતન આગલ વધે અને સાથે સાથે પથ પર અનેક મિત્રો જોડાઈ ને આપણી ભાષા ના આ અમુલ્ય ખજાનાને વધુ ને વધુ દુનિયાભર માં ફેલાવી સંગીત ના લયસ્તરો ને અમર બનાવે એવી હાર્દીક અભિલાશા સાથે – જય ભટ્ટ

 6. વિવેક said,

  December 11, 2006 @ 2:33 am

  નીલમ દોશીએ મોકલાવેલી એક કવિતા મમળાવીએ:

  આપીએ શુભેચ્છાઓ પ્રેમે,
  લયસ્તરો લયથી ગૂંજી રહે
  કદી ન અટકે,ન રૂકે…
  વણઝાર એની…
  .કાફલો આગે આગે ધપતો રહે
  બે વરસના બાળની પ્રગતિ
  સતત થતી રહે….
  લયસ્તરો…માણીએ મનભરીને..
  આપ સૌ સુકાનીઓ છો સમર્થ…
  છે અખૂટ વિશ્વાસ આપ સૌમાં
  લયસ્તરો ઝરણા સમ વહેતા રહેશે
  ગીત થી ગૂંજતા રહેશે
  ઇશ્વરની આશિષ સદા સાથે રહે
  મંગલ કામના છે અમ મિત્રોની…
  થોડુ લખ્યુ,ઝાઝેરૂ વાંચજો…

  નીલમ દોશી.

 7. ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો « સહિયારું સર્જન said,

  December 12, 2006 @ 5:43 pm

  […] અહીં પ્રસ્તુત છે લયસ્તરોને બીજા જન્મદિવસ પર શુભેચ્છારૂપે પાઠવેલી મારી એક મુક્તપંચિકા… […]

 8. લયસ્તરો » લયસ્તરોને જન્મદિવસની અનોખી ભેટ said,

  January 15, 2007 @ 10:34 pm

  […] તાજેતરમાં લયસ્તરોને બે વર્ષ પૂરા થયા. આ અવસરે લયસ્તરોને મળેલી સૌથી અનોખી ભેટ સહિયારું સર્જન પર લયસ્તરોના શુભેચ્છકોએ લયસ્તરોને પાઠવેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ છે. આનાથી વધારે સારી ભેટ તો કઈ હોય શકે ! આભાર – ઊર્મિ, કિરીટભાઈ, ચીમનભાઈ, નીલાબેન, વિજયભાઈ અને નીલમબેન. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment