શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! – રાજo
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ.
- ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
ગાંધીજી પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામનાર મેઘાણીની લોહીના લયમાં ઘૂંટાયેલી કવિતાએ ગુજરાતી પ્રજામાં સ્વાતંત્ર્યની મોહિની લગાડેલી અને જાનફિશાની કરવાની તમન્ના જગાડેલી. જીવી જનારને જીવતર સાર્થક ભાસે અને મરનારને મોત અમૃત સમ લાગે એ રીતે એમણે કવિતામાં જીવતાના જશ ગાયા ને શહીદોને લાડ લડાવ્યા. લોકકાવ્યની પરંપરાનો સર્જનાત્મક વિનિયોગ અને લોકહૃદયની ભાવનાઓની યુગલક્ષી રજૂઆત ધ્યાનાર્હ બની રહે છે. કવિતા ઉપરાંત વાર્તા, નવલકથા, લોકસાહિત્ય સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ- 87 જેટલા ગ્રંથોમાં મેઘાણીની રસધાર અવિરત વહેતી રહી અને મા ગુર્જરીના ચરણ પખાળતી રહી.
જન્મ: 28-08-1896, ચોટીલા; મૃત્યુ: 09-03-1947, કાવ્યસંગ્રહ: ‘યુગવંદના’, ‘બાપુનાં પારણાં’, ‘એકતારો’.

જ્યશ્રી said,
December 8, 2006 @ 1:24 am
ઘણી નાની હતી ત્યારથી આ ગીત ના શબ્દો કશે સાંભળ્યા હોય એમ ઘણા જાણીતા લાગતા. આખુ ગીત તો ઘણા વખત પછી વાંચવા મળ્યુ. ગજબની ખુમારી છે આ શબ્દોમાં. જેટલી વાર વાંચો કે સાંભળો એટલી વાર એક ઉત્સાહ જગાવી જાય છે.
http://tahuko.com//?p=364
ઝવેરચંદ મેઘાણી, Zaverchand Meghani « ગુજરાતી સારસ્વત પરિચય said,
July 31, 2007 @ 9:56 pm
[...] “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; … રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ” [...]
Dipika said,
November 7, 2007 @ 2:51 pm
ઘણી જ સરસ કવિતા છે. પ્રાથમિક શાળા મા ભણયા હતા. તમારેી પાસે ” ચારણ કન્યા” નેી કવિતા છે?!
Can you please send it to me if you have it on my email Address..
Thank you
Dipika
Bharat said,
January 9, 2009 @ 1:16 pm
ખુબ સુન્દેર વેબ સઇત ચ્હે .નાન પાન યાદ આવિ ગાયુ.દેશ યાદ આવિ ગયો.
કલાપિ નિ કવિતા ખુબ યાદ આવે ચ્હે.
Pancham Shukla said,
May 18, 2009 @ 4:59 pm
યુ-ટ્યુબ પર આ ગીત સાંભળોઃ
http://www.youtube.com/watch?v=I8_ULVl7qz0&feature=PlayList&p=505B2109EB81BE2A&playnext=1&playnext_from=PL&index=9
Pancham Shukla said,
May 18, 2009 @ 5:03 pm
અને મેઘાણી વિષે મેઘાની સાહિત્યના તજજ્ઞ પ્રો. કનુભાઈ જાનીઃ
http://www.youtube.com/watch?v=8c2r2kvDU1U