નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

થઈ ગયો – ઉદયન ઠક્કર

પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.

કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.

પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી
ધીરે ધીરે થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.

પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે…
જોઇને દર્પણમાં, છોગાળો-છબીલો થઇ ગયો

માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો

– ઉદયન ઠક્કર

પ્રકૃતિના મૂળભૂત તત્વો –  હવા,પાણી,પ્રુથ્વી,સૂર્ય,માટી – ની એકબીજાની સાથેની પ્રતિક્રિયાને મસ્તીખોર રીતે રજૂ કરતી ગઝલ.  એક રીતે જુઓ તો સૃષ્ટિના સર્જનને જાણે માણસ મોટો થતો હોય એમ વર્ણવ્યું છે. પહેલા શેરમાં જન્મ, પછી બોલતા શીખવું, ચાલતા શીખવું, જુવાન થવું, સમયની થાપટ ખાવી અને છેવટે દુનિયાદારી શીખવી.જોકે, ગઝલની ખરી મઝા તો આવો લાંબો વિચાર કર્યા વિના જ આસ્વાદવામાં છે.

હંમેશની જેમ ઉ.ઠ.ની આ ગઝલ પણ તાજા કલ્પનોની લ્હાણી કરતી આવે છે અને હસતા – ને વિચારતા – કરી જાય છે.

17 Comments »

  1. Bharat Trivedi said,

    June 21, 2010 @ 4:08 PM

    માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
    પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

    ઉદયન ઠક્કર આપણા એક ઉત્તમ ગીતકાર/ ગઝલકાર છે. ચિલાચાલુ લખવુ જાણે તેમના સ્વ્ભાવમા જ નથી. મજા આવી ગઈ. – ભરત

  2. pragnaju said,

    June 21, 2010 @ 6:14 PM

    પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો
    તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.

    કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
    પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.
    સ રસ

    પીળચટ્ટો સૂરજ, ભૂરા આકાશને અડે ત્યારે લીલી વનરાજીનો કબીલો કેવો ફૂલે ફાલે ?
    અને તે વાત રંગોની ભાષામાં એટલી જ સત્ય- પીળો અને ભૂરો મેળવીએ તો લીલો જ રંગ નીપજે !!

  3. સુનીલ શાહ said,

    June 21, 2010 @ 9:26 PM

    માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
    પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

    સાચ્ચે જ અદભુત…

  4. sapana said,

    June 21, 2010 @ 11:21 PM

    અહાહા! વાહ પ્રકૃતિને ખૂબ હિલોળે ચડાવી!
    સપના

  5. રાકેશ ઠક્કર , વાપી said,

    June 22, 2010 @ 12:44 AM

    વાહ !
    કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
    પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.

  6. વિવેક said,

    June 22, 2010 @ 2:19 AM

    સુંદર ગઝલ.. માટીના ઢેફાવાળી વાત ગમી ગઈ…

  7. dr bharat said,

    June 22, 2010 @ 3:26 AM

    માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
    પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

    પ્રકૃતિને કબીલા ની ચર્ચામાં સરસ વર્ણવી છે!

  8. deepak said,

    June 22, 2010 @ 4:09 AM

    બધાજ શેર ખુબજ સરસ થયા છે… સાચેજ મજા આવી ગઈ…
    ગઝલકારે જે રીતે પ્રકૃતિના મૂળભૂત તત્વોને અલગ અલગ શેરમાં પરોવ્યા છે તે કાબીલે તારીફ છે…

  9. Pinki said,

    June 22, 2010 @ 4:48 AM

    ગમતીલી ગઝલ.. કદાચ, વૅબમહેફિલમાં પણ મૂકી’તી !

    મને સૌથી વધુ વાત ગમી હોય તો એ કે,
    રંગોની મેળવણી કરીએ તો પણ, પીળો અને ભૂરો રંગ મિશ્ર કરતાં લીલો જ રંગ બને છે.

    અને પ્રકૃતિ પણ ભૂરો (પાણી,આકાશ) અને પીળચટ્ટો સૂરજ,
    મેળવીએ તો જ લીલોતરી એટલે કે જીવન ખીલે !!

    સાવ સરળ શબ્દોમાં જીવનનું બ્રહ્મજ્ઞાન જાણે કે આપી દીધું છે.

  10. કિરણસિંહ ચૌહાણ said,

    June 22, 2010 @ 7:52 AM

    બહુ જ મસ્તીભરી અને અર્થસભર ગઝલ.

  11. અનામી said,

    June 22, 2010 @ 8:27 AM

    વાહ…..આખેઆખી ગઝલ સુંદર હોય એવું ક્યારેક જ બને છે…..ને આ સર્વાંગ સુંદર ગઝલ છે….ખુમારી ને ફકીરીથી ભરેલી……
    -અનામી.

  12. jigar joshi 'prem' said,

    June 22, 2010 @ 8:57 AM

    વાહ ! રચના આખી ગમી જાય એવી છે

  13. Sakshar Thakkar said,

    June 22, 2010 @ 10:49 AM

    આપણે તો ફેન થઇ ગયા છે ઉદયન કાકાના….

  14. Ramesh Patel said,

    June 22, 2010 @ 5:51 PM

    માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
    પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

    સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
    અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો

    – ઉદયન ઠક્કર
    જબરદસ્ત ,અર્થ અને મર્મભરી ગઝલ.મજા આપી ગઈ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  15. sudhir patel said,

    June 22, 2010 @ 9:11 PM

    ખૂબ સુંદર ગઝલ ફરી માણવી ગમી!
    સુધીર પટેલ.

  16. Yogesh Pandya said,

    June 22, 2010 @ 9:13 PM

    માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
    પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

    વાહ ઉદયન ભાઇ વાહ .

  17. વિહંગ વ્યાસ said,

    June 23, 2010 @ 2:25 AM

    સરળ બાનીની આ ગઝલમાં અર્થોનું વૈવિધ્ય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment