ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

અંકિત ત્રિવેદી

ઊંડી વાવમાં તડકો પેસવા જાય – મકરંદ દવે

ઊંડી વાવમાં તડકો પેસવા જાય
          તો તડકો કેટલો ઊંડે પેસે ?
   પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
           બહુ બહુ ચાલીસ પગથિયે
               બહુ થયું માનીને તડકો
                           બસ કહીને બેસે;
                          કેટલો ઊંડે પેસે ?

તડકો    માપે   એટલી  ઊંડી   વાવ,
તડકો આપે  એ જ  ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;

તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
                  આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
            લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
                                              મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
                              દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
                             નસે નસે.

પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !

તડકાના આ રાજમાં વાવની
                       વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
                             આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.

-મકરંદ દવે

કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને !  આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…

10 Comments »

 1. Nirav said,

  March 1, 2010 @ 12:23 am

  સુંદર કાવ્ય રચના ! સુંદર પ્રસ્તાવના !
  ધવલ, તું ગુજરાતી વિષય વર્ગખંડમાં ભણાવતો હોય, તો છોકરાઓને જલસો થઇ જાય.

 2. Dr P A Mevada said,

  March 1, 2010 @ 3:14 am

  સુંદર રુપક કાવ્ય છે. અનુભૂતિ નો ખજાનો.
  ‘સાજ’ મેવાડા

 3. Pushpakant Talati said,

  March 1, 2010 @ 5:27 am

  ઘણાજ ઊન્ડા અને ગહન વિષયની આ રચના છે.
  સમજવા માટે ખાસ સમજ જોઇએ. સામાન્ય વ્યક્તિને ન સમજાય તેવી આ ક્રુતિ ખરેખર અદભુત છે. આ રચના નીચે આપેલો ફકરો વાચ્યા વગર મને પણ સમજાત નહી.
  અ દ ભુ ત અને સુ ન્દ ર રચના.

 4. વિવેક said,

  March 1, 2010 @ 7:39 am

  વહાલા નીરવ,

  પોસ્ટ કરનારનું નામ લખવામાં કંઈક ક્ષતિ થઈ ગઈ છે. લયસ્તરો પર રવિવારની પોસ્ટ હવેથી તીર્થેશ મહેતા કરે છે…

  આ કવિતાનું આનાથી વધુ સારી રીતે વિશ્લેષણ બીજું કોઈ કરી તો બતાવે !!!

  પેલા ‘હસ્તક્ષેપ’ કરનારાઓ, સાંભળો છો કે ?!

 5. ધવલ said,

  March 1, 2010 @ 8:02 am

  બહુ ઉત્તમ કવિતા અને … અઘરી કવિતાને ‘ખોલી’ આપતો તીર્થેશનો સુંદર રસાસ્વાદ ! મકરંદ દવેને ‘સાંઈ-કવિ’ કેમ કહેવાય છે એનું આ બહુ ઉત્તમ ઉદાહરણ છે.

 6. ઊર્મિ said,

  March 2, 2010 @ 8:59 am

  પહેલા તો કવિતા એમ જ વાંચી…. અને આસ્વાદ વાંચ્યા બાદ ફરી વાંચી… અને લાગ્યું કે તીર્થેશના આવા સુંદર આસ્વાદ વગર આવી સ-રસ કવિતા માંડ થોડી થોડી સમજાઈ હોત પણ ઘણીખરી તો ઉપરથી જ ચાલી ગઈ હોત…! કવિતાને ખોલી આપવા બદલ આભાર તીર્થેશ !

 7. ડૉ.મહેશ રાવલ said,

  March 2, 2010 @ 1:26 pm

  શ્રી મકરંદભાઈની કવિતા હંમેશની જેમ ગૂઢભાવ લઈને આવી છે ,ઊર્મિએ કહ્યું એમ જો તીર્થેશભાઈ( ? )એ
  ખોલી ન આપી હોત તો સમજવી અઘરી જ પડત એ નક્કી….!
  કવિતાચયન અને કવિતાના હાર્દનું આલેખન બન્ને સુંદર રહ્યાં
  -અભિનંદન.

 8. Pancham Shukla said,

  March 2, 2010 @ 6:22 pm

  સુંદર કાવ્ય અને એવો જ મઝાનો આસ્વાદ.

  લયસ્તરો આસ્વાદથી એક મોટો વાચક/ભાવક વર્ગ (કાફિયા ગોઠવેલી) ગઝલો ઉપરાંત ઓછા લોકપ્રિય (તરત ગેડ ન બેસે એવા) પણ સાચા/કુદરતી કાવ્યોને માણવાની સમજ કેળવી રહ્યો છે એ મોટું આશ્વાસન છે.

 9. pragnaju said,

  March 3, 2010 @ 12:12 am

  તડકાના આ રાજમાં વાવની
  વારતા માંડી !
  હાય રે સુરતા , હાય રે ગાંડી !
  આછી પાંખી,
  આ પુરાતન વાવની ઝાંખી,
  એની એકલી આંખ પુરાવે સાખી.

  -ખૂબ સુંદર

  -રસ દર્શન ન વાંચ્યું હોત તો ઘણી વાત ન સમજાત
  અને મને કોઈ વાર પાગલ ગણે અને કહે તો મઝા આવે!
  આપણી અનુભૂતિ કોને સમજાવીએ અને કેવી રીતે?

  ખાસ કરીને જ્યારે હોઇ એ ભાવમય પ્રજ્ઞામા…

 10. Nirav said,

  March 3, 2010 @ 3:52 am

  અભિનંદન, તીર્થેશ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment