હું – પ્રફુલ્લ દવે
કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.
કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.
બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.
કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.
રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.
નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.
અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.
- પ્રફુલ્લ દવે
આ પ્રફુલ્લ દવે જાણીતા લોકસંગીતના ગાયક નહીં પણ અમદાવાદમાં રહેતા, ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ છે. એમને મળવું હોય તો ભાવનગરની ‘બુધ સભા’ માં અને અમદાવાદના શનિવારી ‘ સાહિત્ય ચોરામાં’ મોટાભાગે મળી જાય.કવિતા વાંચવા સાંભળવામાં રસ રાખે છે એટલું જ નહીં જાતે સુંદર રચનાઓ કરે છે પણ ખરા. મોટાભાગે થોડાક જ વખત પહેલાં તેમનો કાવ્ય સંગ્રહ પણ છપાયો છે.
જે લોકો ‘હું’ને છોડી દેવાની વાત કરે છે, તે ‘હું’ શું છે તે જાણતા જ નથી. આપણે જેને જાણતા જ ન હોઇએ તેને છોડી કેવી રીતે શકીએ?‘હું’ની બરાબર ઓળખ આપતી તેમની આ ગઝલ મારી પ્રિય ગઝલ છે. તેમાં શ્રીકૃષ્ણ , વેદ વ્યાસ, નરસિંહ મહેતા અને શબરીને ‘હું’ ની સાથે ખરી ખૂબીથી વણી લીધા છે. જ્યારે આપણા ‘હું’નું તાદાત્મ્ય આ બધા ‘હું’ ના સ્વરૂપો સાથે થાય છે, ત્યારે આપણા ‘હું’ ને ત્યજવાનું નહીં પણ તેની સાથે એકાકાર થઇ જવાનું કવિ ઇજન આપે છે. અહમ્ તો આ રીતે જ ઓગળે.

પંચમ શુક્લ said,
July 26, 2006 @ 10:18 am
Very nice gazal with spiritual intellect. This reminds me the concept of જીવ શીવ નું અદ્વૈત…આ ગઝલ સાથે કદાચ મારી ગમતી રચના પણ મજા પડે એવી છે, જૂઓ:
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/RajendraShukla/HTML%20files/Icchani%20apmele.htm
હું « સહિયારું સર્જન - પદ્ય said,
April 20, 2007 @ 3:33 am
[...] “અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે; રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.” – પ્રફુલ્લ દવે [...]
યાદને સલામ « કાવ્ય સુર said,
May 3, 2007 @ 3:11 am
[...] બે ત્રણ મહીના પછી પ્રફુલ્લભાઇનો પ્રેમથી નીતરતો પત્ર મળ્યો. મારી કવીતા તેમણે મારા વતી વાંચી હતી તેમ જણાવ્યું અને મને બહુ જ ગમેલી તેમની એક ગઝલ ‘ હું ‘ પણ તેમણે મને લખી મોકલી. [...]
પ્રફુલ્લ દવે, Praful Dave « ગુજરાતી સારસ્વત પરિચય said,
May 3, 2007 @ 3:27 am
[...] પ્રફુલ્લ દવે, Praful Dave Filed under: કવિ — સુરેશ જાની @ 1:00 am “ અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે; રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે. ” [...]
હું « અંતરની વાણી said,
January 7, 2008 @ 3:36 am
[...] [ મારા પરમ મીત્ર શ્રી. પ્રફુલ્લ દવે ની, ‘હું’ વીશે મને બહુ જ ગમતી, એક રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ] [...]