તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

સ્વર્ગ મારું – રવીન્દ્રનાથ ઠાકુર

સ્વર્ગ મારું
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં,નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાંતરો ના પુણ્યે
જન્મ્યો છું આજ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે,મારા સાજે,મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે !
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઉઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યા છે ફૂલ,
વનનાં પાને, ઝરણા ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનંદ-કલ્લોલે.

-રવીન્દ્રનાથ ઠાકુર (‘બલાકા’માંથી)
(અનુવાદ – ઉમાશંકર જોશી)

જીવનોત્સવનો આનંદ માણતા રવિબાબુ આ મધુર કાવ્યમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વર્ગ શોધવા આ ધરતી છોડીને કશે જવાની જરૂર શી ? એથી પણ આગળ વધીને કવિ ગાય છે કે સ્વર્ગ મારા દેહરૂપે મૂર્ત થઇને કૃતાર્થ થયું છે – સ્વર્ગ કૃતાર્થ થયું છે !!! મારા પ્રાણમાં સ્થાન પામેલું સ્વર્ગ આકાશમાં પણ ન સમય તેવડા આનંદથી મને જોઈ રહ્યું છે અને તેની અસર આ પ્રકૃતિ પર કેવી અદભૂત થઇ છે તે નિહાળો… સુખમાં સ્વર્ગ તો સૌને અનુભવાય, કવિને દુઃખમાં પણ ઈશ્વરકૃપા અનુભવાય છે.

(દિગંગના = દિક+અંગના = દિશારૂપી સુંદરી)

5 Comments »

 1. Girish Parikh said,

  February 14, 2010 @ 5:28 pm

  રવીન્દ્રનાથ ઠાકુરનું મૂળ ગીત બંગાળીમાં અને એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રવીન્દ્રનાથ જેવા જ આપણા સિધ્ધહસ્ત કવિ ઉમાશંકર જોશીએ. ભારતના એ બે મહાન કવિઓનું મિલન આ કાવ્યમાં થયું છે. કવિ કહે છે તેમ સ્વર્ગ આપણા દેહમાં જ છે – – અને એની પ્રતીતી કરાવતા આ કાવ્યમાં પણ છે!

 2. મીના છેડા said,

  February 14, 2010 @ 10:52 pm

  સરસ

 3. વિવેક said,

  February 15, 2010 @ 8:37 am

  સાદ્યંત સુંદર રચના…

 4. નિનાદ અધ્યારુ said,

  February 15, 2010 @ 9:42 am

  સ્વર્ગ દેવુ હોય તો દઇદે અહીં,
  આ ગલીથી દૂર હું જાતો નથી !

  શાયર ‘રાજ’ લખતરવી સાહેબનૉ આ શેર યાદ આવ્યો.
  રવીન્દ્રનાથ સાથે ઊમાશંકરને પણ એટલીજ દાદ આપવી ઘટે.

 5. Girish Parikh said,

  February 15, 2010 @ 3:03 pm

  ધૂમકેતુની ‘સ્વર્ગ અને પૃથ્વી’ વાર્તા પણ વાંચવા જેવી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment