સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
રાકેશ હાંસલિયા

ક્યાં ગયા? – વિશ્વરથ

મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?

લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?

ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયમ્,
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?

વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?

ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઇ નાખવા,
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?

મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?

રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં,
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?

– વિશ્વરથ

 

Leave a Comment