વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.
કુલદીપ કારિયા

યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

– મુકેશ જોષી

મુકેશ જોષી (૦૨-૧૦-૧૯૬૫) મુંબઈમાં રહે છે. આ પેઢીમાં રમેશ પારેખનો વારસો જાળવી શકે એવા ચંદ ગીતકારોમાંથી એક છે. ગીત ઉપરાંત ગઝલ અને બીજા અનેક પ્રયોગો કર્યા છે. (કાવ્યસંગ્રહ: કાગળને પ્રથમ તિલક)

મુકેશ જોષીનું આ ગીત પ્રિયજનમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાની ઈચ્છા અજબ સુંવાળી રીતે વ્યક્ત થઈ છે. ‘હું થોડા દિવસ તારામાં રહું?’ એવી કોમળ માંગણી કરતા પહેલા પણ કવિ પૂછી લે છે, ‘તને ખોટું ન લાગે તો એક વાત કહું’ ! જરાય નડ્યા વિના પ્રિયજનના થઈ જવું એ બહુ મોટી વાત છે. પ્રિયજનના પગ કંટકમાં પડે એ પહેલા હથેળી ધરવાનું કામ બહુ અઘરું છે. અને છતાંય કવિને આ બધુ કરવાનું એક અરજના રૂપમાં કરે છે. એક એક પંક્તિઓમાં પ્રિયજનમાં રહી, પ્રિયજનના થઈ ને પ્રિયજનને પામી જવાનો મહિમા કોમળતમ શબ્દોથી ગવાયો છે. હજી કોઈ સંગીતકારે આ ગીતને સ્વરબદ્ધ કર્યુ નથી એ એક આશ્ચર્યની વાત છે.

6 Comments »

 1. Mitr said,

  December 20, 2009 @ 5:45 am

  દૂધમાં સાકરની જેમ ભળી જવાની ઈચ્છા અજબ સુંવાળી રીતે વ્યક્ત થઈ છે…..

  મુકેશ જોશી નવી પેઢીના ઉત્તમ કવિ અને ગીતકાર છે.

  માત્ર ૩૦ ગીતની મર્યાદાને લીધે અમુક ઉત્તમ ગીતકારો ધ્યાન બહાર રહી જાય એ સ્વાભાવિક છે. કૃષ્ણ દવે જેવા ગીત કવિને સમાવી લીધા હોત તો સારુ થાત.

 2. pragnaju said,

  December 20, 2009 @ 11:37 am

  રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
  મારી હથેળી પછી પગ તારો પડશે
  વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ
  સરસ…
  યાદ આવી
  આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
  અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
  કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
  કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

 3. Lata Hirani said,

  December 20, 2009 @ 5:33 pm

  ઉત્તમ કવિની ઉત્તમ રચના..

 4. varsha tanna said,

  December 24, 2009 @ 5:28 am

  સારુ કર્યુ મુકેશ જોષીની આટલી સુદર રચના મૂકી. ખરેખર હેયાની વાત ખૂબજ સરળ શબ્દોમ ઢાળી છે.

 5. mita said,

  December 24, 2009 @ 5:30 am

  બહુ જ્ સરસ્.

 6. Ramesh Patel said,

  December 30, 2009 @ 11:19 pm

  કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
  મને સાચકલે મારામાં ફાવતું નથી.
  આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

  – મુકેશ જોષી
  તમારા જેવું કહેવાનું બધાને કેમ કરીને ફાવે.
  ખૂબ જ યાદગાર ગીત.
  રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment