હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’

ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

000

રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’

આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.

આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.

5 Comments »

 1. Anonymous said,

  May 22, 2006 @ 11:49 pm

  Mitr Vivek,
  R.P. na aa kaavya thi paricjit karawa badal ane aethi y vishesh thhoda j shabdo ma soonder rasaswaad karawa badal aabhaar..

  Meena chheda

 2. લયસ્તરો » રમેશ પારેખ વગરનું એક વર્ષ… said,

  May 17, 2007 @ 5:07 am

  […] – રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ…. – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત […]

 3. kanchankumari parmar said,

  November 17, 2009 @ 3:25 am

  નપુંશક કહિ કોઈ ઍક જાત ને વગોવિ ; રાજ્પુતો નિ શોર્ય્ તા અને ઉદાર્તા કવિ ને ખુંચ્તિ હોય એવુ નથિ લાગતુ……….

 4. pravinsinh parmar said,

  November 17, 2009 @ 7:26 am

  ramesh parekh is very fond of critisizing rajput community in his poem.rajput community has its sparkling history of bravery and martyrdom.ramesh parekh’s poem on bapu is not an achievement but it shows his cheap way of thinking.he also gets pleasure in using unparliamentary words in his creations.intellectuals should not praise the works of persons like ramesh parekh.

 5. Hasit Hemani said,

  November 14, 2012 @ 11:28 am

  આલા ખાચર બાપુને ત્યાં શેર માટીની ખોટ નો અર્થ એવો હરગીઝ ન થાય કે બાપુ નપુંસક હશે. ર. પા.એ પણ આવા મનઘડંત અર્થનો ચોક્કસ વિરોધ કર્યો હોત. ર.પા. એ ફક્ત સમયના બદલાવ સાથે રાજપૂત કોમના વળતા પાણી થયા છતાં તેમની ખમીરાયમાં લગીરેય ફરક નથી પડતો અને તેમાંથી ઉત્પન થતુ હાસ્ય જ આપણી સમક્ષ રજૂ કર્યુ છે કોય પણ કોમ ને ર. પા. ઉતારી પાડે તેવી કલ્પના પણ થઈ ન શકે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment