હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.
બિનિતા પુરોહિત

એમના શબ્દોનું સદા ઋણ રહેશે.

ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર અને સદાનવીન ઘાટ આપનાર કવિ રમેશ પારેખનું આજે રાજકોટમાં નિધન થયું છે. રમેશ પારેખ, આ છ અક્ષરનું નામ ગુજરાતી ભાષા પર અનરાધાર વરસ્યું છે. એમના વિષે ઘણું લખાયું છે અને હજુ ઘણું લખાશે. મારે તો બસ એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાનું આવું જાજરમાન રુપ આપણને બતાવનાર કવિના શબ્દોનું સદા ઋણ રહેશે.

કવિની સાચી અંજલી એ તો એના શબ્દોને આપેલી અંજલી જ હોય શકે. સુરેશ દલાલે રમેશ પારેખની આપેલી આ શબ્દાંજલીથી વધારે સારી અંજલી મળવી મુશ્કેલ છે.

રમેશ પારેખના શબ્દો

રમેશ પારેખના શબ્દો
           એ મીરાંની બાવરી આંખ છે;
રમેશ પારેખના શબ્દો
           એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે.
ધોધમાર ગુલમ્હોર
           એ રમેશ પારેખના ગીત છે;
સ્તનમાં ટહુકેલા મોર;
           એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.
રમેશ! તારાં અછાંદસ કાવ્યો
           એ લયના ઝંઝાવતનું નીખરેલું રૂપ છે.
રમેશ! તારા સોનેટ
           એ જળ અને આસવના બિલોરી સ્તૂપ છે.
રમેશ! તારી ગઝલ
           એ રણ પર ઊગેલો ચાંદ છે;
રમેશ! તારી કવિતા
           એ ઝાડને ફૂટેલું લીલેરું પાંદ છે.

-સુરેશ દલાલ

2 Comments »

 1. radhika said,

  May 18, 2006 @ 2:09 am

  શ્રી રમેશ પારેખ કવીતાને સમર્પીત જીવન જીવ્યા છે

  શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,

  વીવેકભાઈના આ શબ્દો મુજબ કદાચ એમ કરી પારેખસાહેબને સજીવન કરી શકીએ

 2. JAYESH.R. SHUKLA said,

  September 6, 2013 @ 6:17 am

  કવિશ્રી સુરેશ દલાલદ્વ્રારા અપાયેલ કાવ્યમય શ્રદ્ધાંજલીથી વિશેષ શું કહેવાનું હોય!!!!
  ** સાચેજ રમેશ પારેખ એટલે રમેશ પારેખ..
  .** જયેશ શુક્લ.”નિમિત્ત”૦૬.૦૯.૨૦૧૩.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment