મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

ગઝલમાં દર્દ અને દવા

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !
-અમૃત ‘ઘાયલ’

પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.
-અમૃત ‘ઘાયલ’

કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
-અમૃત ‘ઘાયલ’

આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
-મરીઝ

વીતે વર્ષો પછી એ તપ ફળે છે,
મળ્યું જે ‘દર્દ’ તે કોને મળે છે ?
નથી આ દર્દ, છે ઈશ્વરની લીલા,
’તબીબ’ ઉપચારથી આગળ વધી જા.
-મરીઝ
(‘તબીબ’ને પૈસા ખાતર ‘દર્દ’ સંગ્રહ નામે વેચી દીધેલી કૃતિઓમાંની એકનો અંશ)

ભૂલી જાઓ તમે એને તો એ સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.
-મરીઝ

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે !
-મરીઝ

એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
-મરીઝ

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-ડૉ. રઈશ મનીઆર

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?-
‘શૂન્ય’ પાલનપુરી(સૌજન્ય: સુરેશ જાની)

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.
-વિવેક

દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!
-વિવેક

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
-વિવેક

લયસ્તરોમાં આ પ્રકારનો બદલાવ આપને કેવો લાગ્યો? આ વિષય પર ઘણા બીજા શાયરોના પણ ઘણા બીજા શેર આપણા સાહિત્યના બાગમાં છે જ. આપ અમને લખી મોકલશો તો બીજી કડીમાં આપના સૌજન્યસ્વીકાર સાથે રજૂ કરીશું. દર અઠવાડિયે એકવાર આ પ્રકારે એક જ વિષય પર અલગ અલગ શેરોનો રસાસ્વાદ કરાવવાની નેમ છે…. આપનો અભિપ્રાય આપશો?

-વિવેક

8 Comments »

 1. Suresh said,

  May 16, 2006 @ 8:00 am

  ભાઇ વિવેક,
  યાદ વાળી ગઝલ મેં ક્યારેક આખી સાંભળી છે. મારા આલ્બમોમાંથી શોધીંને આખી ગઝલ તને મોકલાવીશ. તેની એક બીજી લીટી ચી:-
  ‘ક્યાં જઇને રહું તેવી નથી કોઇ જગા યાદ.’
  આ વિચાર ઘણો સારો છે. આખી ગઝલ કે કવિતા વાંચવા કરતાં એકાદ ચોટદાર કડી વાંચવા મળે તો પણ રસાસ્વાદ લઇ શકાય.

 2. Suresh said,

  May 16, 2006 @ 8:04 am

  બઝ્મે વફા જેવું કાંઇક, એક વિષય લઇને આમ કરી શકાય. બધા થોડી રીસર્ચ કરીને આમાં ફાળો આપી શકે.

 3. વિવેક said,

  May 16, 2006 @ 8:16 am

  સુરેશભાઈ,

  ‘આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
  ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.’

  આ પંક્તિ મરીઝની છે એવું મનમાં તો હતું પણ તમારી આ ‘જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ’ વાળી પંક્તિએ વિસ્મૃતિને ઠેકાણે આણી દીધી. આભાર. આખી ગઝલ અમારા બ્લોગ પર ઉપલબ્ધ છે જ :

  http://dhavalshah.com/layastaro/2006/01/blog-post_30.html

  -વિવેક

 4. Shah Pravinchandra Kasturchand said,

  May 16, 2006 @ 9:36 am

  Suman Prakashan published “chu.ntelaa sheronee shreni”
  mariz,shoonya,befaam,gani,saif vagereni gazalomathi sheroni varani kari chhe.

 5. Suresh said,

  May 16, 2006 @ 3:26 pm

  ‘તબીબો પાસેથી હું નીકળ્યો, દિલની દવા લઇને.
  જગત સામે જ ઉભેલું હતું, દર્દો નવા લઇને.’

  તબીબને આ શેર મોકલતાં મને આનંદ થાય છે!
  મારી પાસે આશિત દેસાઇનું ‘સૂર વૈભવ’ આલ્બમ છે, એમાં આ ગઝલ છે. પણ તેમાં શાયરનું નામ લખેલું નથી.

 6. Suresh said,

  May 17, 2006 @ 9:03 pm

  દર્દને ગાયા વિના રોયા કરો.
  પ્રેમમાં જે થાય છે,જોયા કરો.
  – કૈલાસ પંડિત.
  ( પુ. ઉપાધ્યાયે સુદર રીતે ગાયું છે.)

 7. લયસ્તરો » ગઝલમાં દર્દ અને દવા - ૨ said,

  July 1, 2006 @ 3:39 am

  […] July 1, 2006 at 3:38 am · Filed under પ્રકીર્ણ આજે પહેલી જુલાઈ એટલે વર્લ્ડ ડોક્ટર્સ ડે. એક તબીબ હોવાના નાતે આજે મારે લયસ્તરોના વાંચકોને શેનું પ્રિસ્કીપ્શન આપવું? ગઝલમાં દર્દ અને દવાનો બીજો ડોઝ આપી દઉં, ચાલશે? અગાઉ લયસ્તરો પર આપ પહેલો ભાગ વાંચી ચૂક્યા છો. […]

 8. deepak said,

  November 25, 2006 @ 5:28 am

  ખુબ જ સરસ ગઝલો છે…..

  એક નાનો ગુનો કરી બેઠો છૂ
  પ્રેમ કરવા ની ભુલ બેઠો છૂ

  જુના ઘા હજુ રુજાયા નથી ત્યા
  ફરી દીલ ધરી બેઠો છૂ

  “દીપ” ઃ- દીપક પરમાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment