હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.
-પારુલ ખખ્ખર

ગઝલ – ગની દહીંવાલા

સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.

વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.

માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.

અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’

– ગની દહીંવાલા

સાત અલગ અલગ રંગોનું ઈન્દ્રધનુષ રચાયું હોય એવા સાત મજાના શેરોની આ ગઝલ. પરંપરાની આંગળી હાથમાં હોવા છતાં અહીં ઝાકળનાં પંખી, ઝાંઝવાનો પાક પીળા પ્રકાશનું હાંફવું જેવા કલ્પનોની તાજગી સરાબોળ કરી દે એવી છે. ફળ વધુ પડતું પાકી જાય તો રસ બેસ્વાદ બની જાય એ વાતનો ઉલ્લેખ મત્લાના શેરમાં સાવ અલગ જ રીતે કરે છે. વર્ષોથી ઊગતા-આથમતા સૂરજના પાકા ફળમાંથી એક ટીપાં જેવો બેસ્વાદ દિવસ ટપકી પડ્યો છે જે આપણને આગળના સહુ દિવસોની જેમ તૃપ્ત તો કરી શક્વાનો જ નથી ને તોય જાગવું, દોડવું તો પડશે જ ને?! सुबह होती है, शाम होती है, जिंदगी यूँ तमाम होती है ।

12 Comments »

  1. કુણાલ said,

    November 19, 2009 @ 4:02 AM

    અદભૂત ભાવો ઉત્પન્ન કરતી ગઝલ .. !!

    અંધાર આવું આવું કરે બારી બા’રથી,
    પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.

    સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
    ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.

    કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
    ‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.

    આ છેલ્લાં ત્રણ અશ’આર ખુબ જ સરસ …

  2. GURUDATT said,

    November 19, 2009 @ 7:15 AM

    કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
    ‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો…

    આખી યે ગઝલ માણવાની વાગોળવાની ખુબ જ ગમે તેવી છે..

    જાણીતી ગઝલ યાદ આવે છે..

    જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઇશ્વરે જ ક્રુપા કરી.

    કોઈ શ્વાસ બંધ કરી ગયુ, કે પવન ના પહોચે અગન સુધી!..

    મક્તાના શેરમાં કાયમ ચરમસીમા એ પહોચે છે! આ કવિની વાત જ નિરાળી છે!

  3. SAPAN said,

    November 19, 2009 @ 7:35 AM

    આ ગઝલ માટે એક જ શબ્દ…. અદભુત….

  4. સુનીલ શાહ said,

    November 19, 2009 @ 8:03 AM

    વાહ..મઝા આવી ગઈ…

  5. mahesh dalal said,

    November 19, 2009 @ 10:48 AM

    વાહ ગનિભઈ વાહ

  6. sapana said,

    November 19, 2009 @ 11:30 AM

    માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
    વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.

    લાજવાબ્..
    સપના

  7. ધવલ said,

    November 19, 2009 @ 8:33 PM

    વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
    બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.

    – વાહ !

  8. Pinki said,

    November 20, 2009 @ 5:46 AM

    ખુબ સરસ ગઝલ….!!

    સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
    જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.

    વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
    બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.

  9. BB said,

    November 20, 2009 @ 8:20 AM

    કવિ ની કેતલિ સુન્દર કલ્પના

  10. manhar m.mody ('mann' palanpuri) said,

    November 20, 2009 @ 11:21 PM

    ગની સાહેબની ગઝલ માટે શું કહેવાનું હોય !!! મંજાયેલી કલમ નો કમાલ એવો કે દરેકે દરેક શેરમાં ‘વાહ,વાહ ‘ કહેવાઈ જ જાય.

  11. Kirtikant Purohit said,

    November 22, 2009 @ 10:47 AM

    ગઝલના અતૃપ્તો માટે એક તૃપ્ત ગઝલ.

  12. hemendra shah said,

    November 24, 2009 @ 6:01 AM

    સ્ર્સ સ્ર્સ સ્ર્સ્

    બાકિ શ્બ્દો શોધ્તા શોધ્તા તો જિન્દ્ગ િન સાન્જ પ્દિ જાય એવુ થાય્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment