હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

મારો અભાવ – મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

– મનોજ ખંડેરિયા

આજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં કીરણે આ ગઝલના છેલ્લા શેરના માત્ર આછાપાતળા શબ્દો મૂક્યા ને પૂછ્યું કે કોઈ પાસે આ ગઝલ છે કે કેમ. મયૂરે તરત જ શેર પૂરો કરી આપ્યો. અને હું ઘરે આવીને પૂરી ગઝલ શોધું એ પહેલા તો ભૈડુસાહેબે એને ગૃપ પર પોસ્ટ કરી પણ દીધી ! ઈંટરનેટ પર ગુજરાતી કવિતામાં વધતા જતા રસની આ નિશાની છે. આમ આંતરરાષ્ટ્રીય સહકારથી સાંભરેલી આ ગઝલ તમે પણ માણો.

આની સાથે જ આગળ રજૂ કરેલી મનોજ ખંડેરિયાની જ બે ગઝલ પણ જોશો – વિકલ્પ નથી અને એમ પણ બને .

1 Comment »

 1. Anonymous said,

  April 21, 2006 @ 11:16 pm

  પાથરી જઈશ.

  આગિયો થૈને હવામા હુઁ બળી જઈશ.
  હુઁતમારા માર્ગમાઁ દીવો ધરી જઈશ.

  વીણતો રહીશ કંટ્કો રાહના સહુ,
  ને તમારા રાહમા ફૂલો ભરી જઈશ.

  કોકવેળા ઘાવને આ જોઇપણ લેજો,
  દરદ ભીનુઁ હુઁ દિલે આ કોતરી જઈશ.

  આંખની મોઘી મતા ને સાચવી લેજો,
  યાદના પાલવ મહેકતા પાથરી જઈશ.

  આવશે કોદી હવાના કાગળો ભીના,
  તો”વફા”હુઁ મ્હેકની જયમ સાંભરી જઈશ.

  મોહ્મ્મદ અલી ભૈડુ”વફા”
  છઁદ:(ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment