સૂમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે,
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

ક્યાં છે ? – સુધીર પટેલ

જાત આખીય હચમચી કયાં છે ?
વેદના પણ જરા બચી ક્યાં છે ?

વાર તો લાગશે હજી નમતા,
ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?

એટલે શબ્દનાં વળે ડૂચા
વાત ભીતર કશી પચી ક્યાં છે ?

મૌન પથ્થર સમું ધરી બેઠા,
વાત મારી કોઈ જચી કયાં છે ?

સોળ શણગાર કૈં સજે ‘સુધીર’,
એ ગઝલ તો હજી રચી ક્યાં છે ?

– સુધીર પટેલ

સુધીર પટેલ નોર્થ કેરોલિના, યુએસએમાં રહે છે. એમની રચનાઓ ગુજરાતી ગઝલ, ઝાઝી.કોમ, ગઝલ-ગુર્જરી વગેરેમાં પ્રકાશિત થાય છે. એ ઉપરાંત એમના બે કાવ્યસંગ્રહો નામ આવ્યું હોઠ પર એનું અને મૂંગામંતર થઈ જુવો પ્રગટ થયા છે.

1 Comment »

 1. વિવેક said,

  March 2, 2006 @ 9:15 am

  વાર તો લાગશે હજી નમતા,
  ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?

  -સુંદર ભાવાભિવ્યક્તિ! પંડમાં વધે ત્યારે નમતા જવાની પ્રકૃતિની સહજવૃત્તિનો મનુષ્યજાતમાં અભાવ હોવાનો વિરોધાભાસ એક કડવાશ સાથે અનુભવાય છે.

  સુંદર કવિકર્મ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment