કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

શકુંતલા ⁃ પ્રતિષ્ઠા પંડ્યા

સરી જવા દે વીંટીઓને આંગળીઓથી બધી
ઓગળી જવા દે વીંટીઓને માછલીઓના અંધારા પેટમાં
છો ભૂલી જતી શકુંતલા દુષ્યંતને
છો દોડી જતી છોડીને કાલિદાસને
છોડીને આદિપર્વની વાર્તાનો તંત
ઉછરવા દે શકુંતલાઓને શકુંત પક્ષીઓના ઝુંડ મહીં
ઊંચા,લીલા ઝાડની ટોચ પર
ખીલવા દે એની ઘઉંવર્ણી પીઠ પર
બે સુંવાળી,વિશાળ કાળી પાંખો
મર્યાદાઓના તારમાં દુષ્યંત બાંધી શકે નહિ એવી પાંખો
દુર્વાસાના ક્રોધની જ્વાળાઓ એને જલાવી શકે નહિ એવી પાંખો
ને પાંખમાં ભરીને લીલાં વન આખેઆખાં
પછી ઊડવા દે
ફડફડતા આકાશમાં
શકુંતલાઓ

⁃ પ્રતિષ્ઠા પંડ્યા

આજની આ કવિતાનો સર્વાંગ રસાસ્વાદ સમર્થ વિવેચક કવિ ઉદયન ઠક્કરની કલમે માણીએ:

મુક્તિ

શકુંતલાની કથા મહાભારતના આદિપર્વમાં મળે છે.

વિશ્વામિત્ર અને મેનકાએ પોતાની દીકરીને ત્યજી દીધી. ઋષિ કણ્વને એ બાળકી શકુંત (મોર અથવા ચાસ) પક્ષીઓના ઝુંડ વચ્ચેથી મળી માટે તેનું નામ રાખ્યું શકુંતલા.કણ્વે તેને પુત્રીની જેમ ઉછેરી.
મૃગયા કરતાં રાજા દુષ્યંત એક વાર કણ્વને આશ્રમે આવી ચડ્યા.ઋષિની ગેરહાજરીમાં શકુંતલાએ રાજાનો સત્કાર કર્યો.તેના રૂપ અને વિવેકથી આકર્ષાયેલા રાજાએ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મૂક્યો.પોતાના પુત્રને ગાદી મળશે એ શરત રાજાએ માન્ય કરી પછી શંકુતલાએ ગાંધર્વવિવાહ કર્યા. તેને રાજધાનીમાં તેડાવવાનું વચન દઈને રાજાએ શકુંતલાની વિદાય લીધી.આ બાજુ શકુંતલાને પુત્ર થયો અને તેણે પોતાની નિર્ભયતાથી અને શક્તિથી બધાંને ચકિત કર્યાં.થોડાં વર્ષો પછી કણ્વે શકુંતલાને પુત્રસહિત પતિગૃહે વળાવી. દુષ્યંતને બધી વાતો યાદ હોવા છતાં તેણે શકુંતલાને ઓળખવાનો સાફ ઇન્કાર કર્યો. શકુંતલાએ સમજાવ્યું કે મારો નહિ તો તમારા પુત્રનો તો સ્વીકાર કરો! દુષ્યંત સાવ નામુકર ગયો ત્યારે તેની સામે આગઝરતી દ્રષ્ટિ નાખીને શકુંતલા પાછી જવા માંડી.તેવામાં આકાશવાણી થઈ.દેવતાએ કહ્યું,’રાજા, આ તારાં જ પત્ની અને પુત્ર છે,તેમનો સ્વીકાર કર!’ દુષ્યંતે તેમ કરવું પડ્યું.
મહાભારતની આ કથામાં અમુક ફેરફાર કરીને કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટક લખ્યું. દુષ્યંતે શકુંતલાને યાદગીરીરૂપે વીંટી આપી,એ આંગળીથી સરી પડી,માછલી તેને ગળી ગઈ, દુર્વાસાના શાપને લીધે દુષ્યંતને વિસ્મૃતિ થઈ- આ બધું કાલિદાસે મૂળ કથામાં ઉમેર્યું.કાલિદાસના નાટકમાં દુષ્યંતની રાજસભામાંથી શકુંતલાને તેની માતા મેનકા લઈ જાય છે. દુષ્યંતના પશ્ચાત્તાપ પછી હેમગિરિ પર્વત પર તેનો શકુંતલા સાથે પુનર્મિલાપ થાય છે.
હવે આપણે પ્રસ્તુત કાવ્ય જોઈએ.કવયિત્રી શકુંતલાની કથામાં ફેરફાર કરવા માગે છે. કાવ્ય ‘આજ્ઞાર્થ’માં લખાયું છે.અહીં વિનવણી નથી,કાકલૂદી નથી,પણ માગણી છે.

કવયિત્રી કહે છે-ભલેને વીંટી સરી પડે, ભલેને મત્સ્ય એને ગળી જાય, ભલેને દુષ્યંત બધું ભૂલી જાય.એક ડગલું આગળ જઈને કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલા જ ભૂલી જાય દુષ્યંતને! આ કાલિદાસની નાયિકા નથી જે દુષ્યંતના દરબારમાં હાવરીબાવરી થઈ જાય, કે નથી આદિપર્વની નાયિકા જે દુષ્યંતને ઉપદેશ આપે. અરે, આને તો રાણી બનવાના ઓરતા જ નથી. એ કાલિદાસ અને વ્યાસ, બન્નેની કથાની બહાર દોડી જવા ઇચ્છે છે.કવયિત્રી એને પતિ અને પિતા બન્નેથી મુક્ત જોવા ઇચ્છે છે, શકુંત પક્ષીઓની વચ્ચે. તેનું સ્થાન પતિના ચરણોમાં નહિ પણ વૃક્ષની ટોચે છે. આ તેની નૈસર્ગિક (લીલી) અવસ્થા છે.

કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલાને શકુંત જેવી પાંખો ઊગે,વિશાળ, જેથી તે મનસ્વિની બનીને ઊંચું ઉડ્ડયન કરી શકે. ‘ઘઉંવર્ણી’ (પીઠ) અને ‘સુંવાળી’ (પાંખો) આ બે વિશેષણો સ્ત્રીની સેન્સુઅસનેસનાં સૂચક છે.જો શકુંતલા દુષ્યંતને મળવા ઉત્સુક હોય જ નહિ તો દુર્વાસાનો શાપ નિષ્ફળ જાય. દુષ્યંતની તારની વાડ શી રીતે રોકી શકે પાંખાળી શકુંતલાને? શકુંત પંખીઓ વચ્ચેથી મળેલી શકુંતલાની નિયતિ કુદરતના ખોળે લીલુંછમ જીવવાની છે.તે પાંખો એવી તો ફફડાવશે કે આકાશ આખું ફફડતું લાગશે.

-ઉદયન ઠક્કર

2 Comments »

  1. ketan yajnik said,

    March 14, 2019 @ 5:41 AM

    વવલાટ

  2. Kalpana Pathak said,

    September 30, 2020 @ 4:08 AM

    ઘણા વખત પછી આટલું સુંદર લેખન અને વિવેચન વાંચવા મળ્યું..
    આભાર ….ખૂબ ખૂબ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment