ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.
– મકરંદ મુસળે

છગન ટપાલી – કિશોર બારોટ

એને મન સહુ ડેલી સરખી, ના દવલી ના વહાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

કોઈને આખો ફાગણ આપી મહેકાવી દે શ્વાસ,
કોઈને કાળું માતમ આપી, છીનવી લે અજવાસ,
કોઈની આંખે આંસુ મૂકે, કોઈની ગાલે લાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પીડા-સપનાં-હરખ-દિલાસા-ઉઘરાણી ને જાસા,
એના થેલે વિધવિધ રંગી ભરચક કૈં ચામાસાં,
ક્યાંક તમાચો થઈને વરસે ક્યાંક હુંફાળી તાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પત્રોના રેશમ દોરા લઈ ગલીએ ગલીએ ફરતો,
સંવેદનના વેલબુટ્ટાઓ હૈયે હૈયે ભરતો,
પછી સોયની માફક વચ્ચેથીખસતો, થઈ ખાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

– કિશોર બારોટ

હવે તો જો કે ટપાલ અને ટપાલી -બંનેનો એકડો લગભગ નીકળી જવા પર છે પણ અલી ડોસા અને મરિયમની વાર્તા લખવામાં ધૂમકેતુને જીવન સાર્થક થયું લાગ્યું હોય એવા સમય અને એવા કોઈક ગામડાના ટપાલીની આ વાત છે. ગીતની પહેલી જ પંક્તિમાં ટપાલીની તટસ્થતા કવિએ બખૂબી ઉપસાવી આપી છે. આખું ગીત સંઘેડાઉતાર છે અને કોઈ ટિપ્પણીનું મહોતાજ નથી. એને એમ જ માણીએ.. ગીત વાંચતાવેંત જ નિદા ફાઝલીનો આ અમર દોહો પણ તરત જ યાદ આવે:

सीधा-साधा डाकिया जादू करे महान
एक ही थैले में भरे आँसू और मुस्कान

13 Comments »

 1. Kanankumar trivedi said,

  April 26, 2019 @ 4:40 am

  બહુ જ સરસ રચના…
  ખૂબ જ મજા આવી.
  વીતી ગયેલા સમયકાળ માં ફરી જવા મળ્યું.

 2. Rajesh Hingu said,

  April 26, 2019 @ 5:16 am

  વાહ.. સુંદર ગીત..

 3. Prof. K. J. Suvagiya said,

  April 26, 2019 @ 7:13 am

  डाकिया डाक लाया
  डाकिया डाक लाया
  ख़ुशी का पयाम कहीं
  कहीं दर्दनाक लाया
  डाकिया डाक लाया …
  ‘સ્વસ્થાન સીરી ગામ..’થી શરૂ થઈ,
  ‘લિ. અમારા ઝાઝાંથી ઝુહાર…’એ પુરા થતા,
  જિંદગીના આ અમૂલખ દસ્તાવેજમાં
  લોકો પોતાના આયખાનો એક ટુકડો જડી દેતાં’તાં, જાણે!!…
  ખત, ચિઠ્ઠી, ડાક કે કાગળ, પતું, ટપાલ
  વગરની લોક સંસ્કૃતિ, તેનું સાહિત્ય વગેરે કેવાં થશે?
  ક્યાં સમાશે એ લાગણીઓ…
  ‘આંધળી માના કાગળ’ની વેદનાનો અનુભવ શી રીતે
  થશે આવનારી પેઢીને….

 4. રસિક દવે said,

  April 26, 2019 @ 7:37 am

  ખૂબ સરસ ગીત. અહીં ટપાલી સ્થિતપ્રજ્ઞતાનું પ્રતિક બની રહે છે.

 5. કિશોર બારોટ said,

  April 26, 2019 @ 8:54 am

  વિવેક ભાઈ, લયસ્તરોમાં સ્થાન આપી મારા ગીતને ગૌરવ બક્ષવા બદલ ખુબ ખુબ આભાર

 6. ભરત ભટ્ટ 'પવન' said,

  April 26, 2019 @ 9:05 am

  કિશોરભાઈની ખૂબ સુંદર રચના

 7. કિશોર બારોટ said,

  April 26, 2019 @ 11:16 am

  વિવેક ભાઈ, મારા ગીતને લયસ્તરોમાં સ્થાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

 8. મીના said,

  April 26, 2019 @ 2:08 pm

  વાહ વાહ..

 9. Chitralekha Majmudar said,

  April 26, 2019 @ 11:42 pm

  Old gold days, the past gets revived..Post and Postman are missed. Element of human touch is diminishing……Very well written poem and has good description. It is touching and sentimental too.

 10. Bharat Bhatt said,

  April 27, 2019 @ 1:22 am

  ખુબ સુંદર કાવ્ય.
  ટપાલી સાયકલ પર આવે. સાયકલ એટલે દ્વિચક્રી , એક ખુશીનું અને બીજું દુઃખનું ચક્ર .
  જુના જમણી યાદ તાજી થઇ. ટપાલની રાહ, અને આવે પછી તેને ખોલવાની ઈંતઝારી.
  કાવ્ય ઘણું બધું દર્શાવી જાય છે.
  ભરત ભટ્ટ
  SEATTLE

 11. Poonam said,

  April 27, 2019 @ 2:45 am

  કોઈની આંખે આંસુ મૂકે, કોઈની ગાલે લાલી,
  ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.
  Saras

 12. Bharat Bhatt said,

  April 28, 2019 @ 11:07 pm

  ૧૧ પ્રતિભાવ મળ્યા .તે દર્શાવે છે કે ખુબ સુંદર રચના. ઘણા બધાયને ગમી હશે !
  મેં પણ વારંવાર વાંચી.લખતા રહો એવી શુભેચ્છા અને ઇંતેઝારી.
  Bharat Bhatt

 13. Bharat Bhatt said,

  April 28, 2019 @ 11:08 pm

  ૧૧ પ્રતિભાવ મળ્યા .તે દર્શાવે છે કે ખુબ સુંદર રચના. ઘણા બધાયને ગમી હશે !
  મેં પણ વારંવાર વાંચી.લખતા રહો એવી શુભેચ્છા અને ઇંતેઝારી.
  Bharat Bhatt

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment