ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
વિવેક મનહર ટેલર

કજિયો – કેતન ભટ્ટ

એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!

જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં
પરભુ તો ય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

આશાનું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઈ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

કોલર ઊંચા રાખવાનો
જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે
‘અહમ માપમાં રાખો’,
પણ એમ જીવણ કાંઈ પરભુનું
બધુંય માની જાય ?
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય !

કંટાળી ને પરભુએ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે
હવે ન કજિયો થાય !

– કેતન ભટ્ટ

 

મસ્ત વાત !!!!!

2 Comments »

  1. Bharat Bhatt said,

    March 7, 2019 @ 11:58 PM

    એક ડોસો એટલે જીવ .
    પ્રભુ દરજી . વાહ સુંદર કાવ્ય . બધી મનોકામના કદી પૂર્ણ થતી નથી . છતાંયે પ્રભુ પાસે
    માંગણીઓ કર્યા કરીએ . પ્રભુ એવું વિઘ્ન આપે કે ઈચ્છાઓ તો દૂર રહી પણ વિઘ્ન દૂર કરવામાં શક્તિ મૂડી ખર્ચાઈ જાય .
    ભરત ભટ્ટ
    Seattle

  2. Rohit kapadia said,

    March 8, 2019 @ 6:17 AM

    પ્રભુ અને દરજીનાં ઝઘડાની વાત દ્વારા ખૂબ જ સુંદર અને સચોટ ઉપદેશ અપાયો છે. ઝઘડો ખતમ કરવા માટે પણ યોગ્ય માર્ગદર્શન અપાયું છે. ગદ્ય રચના હોવા છતાં પણ ગણગણવાનું મન થાય એવી સુંદર રચના. ધન્યવાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment