માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

– વળાંક – ઉદયન ઠક્કર

‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય.
તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’

સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઇંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર

લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય

વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટપ ટપ ટીપતો કંસારો
જીભ કાઢીને હસતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ…ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
…વાતની શરૂઆત કોણ કરે?

સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે

-ઉદયન ઠક્કર

સંપાદન આજકાલ મૂલ્યહીન બની ગયું છે. કોઈકના મનમાં વિચાર આવે કે મિત્રતા વિશે એક સંપાદન કરવા જેવું છે એટલે એ પત્રો દ્વારા, સોશ્યલ મિડિયા દ્વારા વાત વહેતી મૂકે કે આ વિષય પર તમારા લેખો, કવિતાઓ લખી મોકલાવો. સર્જકોમાં તરત જ પ્રેરણાનો જુવાળ આવે અને ઢગલોક લેખ-કાવ્યો સંપાદકને વિના મહેનતે ઘર બેઠાં મળી જાય. સામે ચાલીને મંગાવ્યું હોય એટલે ‘સાભાર પરત’ તો કરી ન શકાય એટલે જે આવ્યું એ બધું પ્રેસમાં પહોંચી જાય અને એક પુસ્તક બજારમાં તરતું થઈ જાય. સંપાદકના છોગામાં વળી એક પીછું ઉમેરાય. જાતમહેનત અને વિશદ સંશોધન કરવા જેટલો રસ અને સમય ભાગ્યે જ કોઈ પાસે છે. સાચો સંપાદક તો મહીસાગરમાં ઝંપલાવીને મોતી લઈ આવે છે.

ઉદયન ઠક્કર આવા સંચાલકોને એક સણસણતો તમાચો મારે છે… સલામ કવિ!

4 Comments »

  1. Aasifkhan said,

    January 11, 2019 @ 4:33 AM

    સરસ

  2. pragnaju said,

    January 11, 2019 @ 8:52 AM

    કવિશ્રી ઉદયન ઠક્કરજી એ આપણા સૌના અનુભવોને સ રસ રીતે વ્યક્ત કર્યા. અમારા ભાવનગર મા પચાસના દાયકામાં મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય ખાસ વંચાતું નહીં . બાદ છાપાંઓમાં વિભાજન થયા અને હેડ લાઈનો અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારાયો જૂતા પગના માપના ન હોય
    તો પગ જૂતાના માપના કરી નાખે
    એનું નામ બજાર
    ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ…૧૯૯૬મા ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. પત્રકારોએ મેનેજમેન્ ના ખેરખાંઓને કહ્યું “ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ
    અને શિખાઉ ભગવાને બનાવ્યા હોય
    એવા ગલગોટા
    સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
    જેનું નામ…ખોવાઈ ગયું છે
    વગડો એટલે… શ્યામા -શ્વેત લક્ષ્મીનો જમાનો પણ ઇં. ને. વાળા વહેલા પહોંચી ચર્ચાઓ કરે. સાથે આવ્યા તટસ્થતાનું મહોરું લગાવી વયસ્ક કટારીયાઓ લેખકો, મૂર્ધન્યો, સેલીબ્રીટીઓ ૧તેઓ ગાળને બ્રહ્મવાક્ય માને…https://medium.com/wordsthatmatter/why-f-ck-is-the-word-of-the-year-7203511a0829
    ફૂલ વતી બોલતા ભમરા
    સીમ વતી બોલતાં તમરાં
    સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
    …વાતની શરૂઆત કોણ કરે?
    ત્યારે કવિશ્રી ઉદયન ઠક્કરજી ને ‘તે ‘ લખાવે અને પ્રગટે…
    સંપાદકશ્રી,
    બજારથી વગડે જતો મારગ
    મારા જીવનનો વળાંક છે
    મા. ડૉ વિવેક ના સરસ રસદર્શન -‘ ઉદયન ઠક્કર આવા સંચાલકોને એક સણસણતો તમાચો મારે છે… સલામ કવિ!’

  3. SARYU PARIKH said,

    January 11, 2019 @ 9:47 AM

    એક કાવ્ય યાદ આવ્યું.
    વળાંક
    તુજ દ્વારે ટકોરા, હતું કરવું કબૂલ.
    હું લાવેલો ફૂલ, કહ્યું કરજે તું મૂલ.
    ના બારણું ઉઘાડ્યું, તેં લીધું ના ફૂલ,
    હું પાછો ફર્યો, જાણે થઈ ગઈ કો ભૂલ…
    મનના પતંગાને સાહિને કોરથી,
    અંતર અભીપ્સાને સમજી સંકોરી.
    ઉત્કટ પ્રયત્ને તને મનથી ભુલાવી;
    તારી ભૂંસી ને છબી, નવલી બનાવી…
    કાળ કર્મ વેલ મને આગળ લઈ જાયે,
    હસ્તી મારી ઊર્ધ્વ આભે સોહાયે.
    સંગિની સાથ રસમ રીતિ સંચવાયે;
    યાદની લહેરખી ક્વચિત હૈયું કંપાવે…
    તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
    જીવન સરિયામ હોત નોખા વળાંકે!
    —— ‘મંત્ર’ કાવ્યસગ્રહ. સરયૂ પરીખ

  4. ketan yajnik said,

    January 11, 2019 @ 12:52 PM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment