વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.
ઉર્વીશ વસાવડા

ચાંદની – બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
કપૂર ધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપ આભલાં.
પલ પલ ખૂલે જ્યોત્સના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવીની ઊભી જાણે લસે નવપદ્મજા!
પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
દિવસ અજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું!
જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
ભવનભવને મેડી સૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વીમલાં સૌન્દર્યો શા રહી રહી નીતરે!

– બાલમુકુન્દ દવે

આજે શરદપૂર્ણિમા. કાલે ચાંદનીપડવો. સહુને ઘારીમુબારક. અને લયસ્તરોના વાચકમિત્રો માટે ઘારી જેવી શરદપૂર્ણિમાની ચાંદની રેલાવતી આ કવિતા..

કવિનો કેમેરો કેવો કમાલ ફરે છે તે જુઓ… જીવનમાં અચાનક અને પૂરેપૂરું મળી જાય એની કિંમત રહેતી નથી. શરદઋતુની આ ચાંદની કદાચ એથી જ ધીરે ધીરે ગળાઈ-ચળાઈને, અર્થાત્ શુદ્ધ થઈને મોડી મોડી પણ પૂરબહાર ખીલે છે. ગળાયેલી ચાંદનીને કવિ કપૂરની સફેદી સાથે સરખાવે છે. આવી અદભુત ઉપમા આપણે ત્યાં ભાગ્યે જ જોવામાં આવી હશે. કપૂર એની આગવી સુગંધ ઉપરાંત સફેદી અને પારદર્શિતાના ગુણ ધરાવે છે. શુદ્ધ શ્વેત ચાંદની માટે આનાથી વધુ ઉપયુક્ત ઉપમા બીજી કઈ હોઈ શકે? વરસાદની મોસમ હવે પતી ગઈ છે એટલે આભમાં પવનની પાંખ પર સરકતાં વાદળો પણ સફેદ જ હોવાનાં.

કેમેરાનો લેન્સ હવે આખા બ્રહ્માંડને સમાવિષ્ટ કરી લે છે. ચાંદની જાણે વિશાળ પુષ્પ હોય એમ એની પંખડીઓ એક પછી એક ખુલતી જાય છે અને મધ્યમાં પૃથ્વી લક્ષ્મી સમી ઊભી ભાસે છે. આવા આ અપાર્થિવ અવસરે પાર્થિવ તત્ત્વો ચાંદનીમાં એકસમાન ન્હાઈને જાણે પરસ્પરમાં ઓગળી-વિલીને થઈ કળાત્મક કૃતિનું સર્જન કરે છે. દિવસના અજવાળામાં જે કદરૂપું ભાસે છે એ બધું પણ ચાંદનીમાં ધોવાઈને નવીન અને સોહામણું બની રહે છે. દુનિયા આખી તાંબાકુંડી ન હોય અને ચાંદ જાણે એમાં નહાવા ન આવતો હોય એમ ધીમે ધીમે આભથી સરી રહ્યો છે. અહીં કશું જ ઉતાવળે થતું નથી એનું કારણ ચાંદનીની શીતળતા અને શુભ્રતા છે. ઘરે ઘરે મેડી પર સૂતેલાં પ્રેમનિમગ્ન યુગલો પર નાનાં-બારીક છિદ્રોમાંથી જાણે ચાંદની નહીં પણ પ્રકૃતિની મમતા દ્રવી રહી છે. નદી-નાળાં, પર્વત-મેદાન-જંગલ – બધું રમણીય છે. પાંદડા પરની કીડી પણ કમનીય દેખાય એ ચાંદનીની કમાલ છે અને આ કમનીયતા આબાદ ઝીલી શકે એ કવિના કેમેરાની કમાલ છે. ચાંદનીનો પોતાનો નથી કોઈ દેહ, નથી આકાર પણ એ છતાં એ અવનવા આકાર લઈ અવનિ પર ઉતરે છે અને પરિશુદ્ધ પણ ગહન સૌંદર્યસૃષ્ટિની જનેતા બની રહે છે..

1 Comment »

  1. Dr Tirthesh said,

    October 11, 2017 @ 8:18 am

    Vaah……!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment