હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી

પાંડોબા અને મેઘધનુષ્ય – ઉદયન ઠક્કર

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’

– ઉદયન ઠક્કર

એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !

5 Comments »

 1. Vineshchandra Chhotai said,

  June 21, 2017 @ 7:39 am

  Really great message on current situation of our society , situation for nature n literature too !!!!

 2. Shivani Shah said,

  June 21, 2017 @ 3:49 pm

  ‘ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં,’
  Very unusual poem !

  ‘પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
  પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…’
  નવી શૈલીમાં, ખૂબ interesting રીતે જૂની વાત..એક તરફ રંગીન સપનાઓનુ મેઘધનુષ અને બીજીબાજુ કઠોર વાસ્તવિકતા ..
  લયસ્તરો ને સલામ !

 3. Shivani Shah said,

  June 21, 2017 @ 6:18 pm

  પોપટ તો પઢાવેલું બોલે..
  એ કેવી રીતે સમજે પાંડોબાની કાર્યશિલતાનું મહત્વ ?
  એને કોણ સમજાવે કે પાંડોબા માંજી માંજીને વાસણો પર જે ચળકાટ લાવ્યા
  તેનાથી દરેક વાસણ પોતાનામાં પોતપોતાનું મેઘધનુષ ઝીલતું થઈ ગયું.
  એમને ખબર નથી કે કોઈ પણ વ્યક્તિ માંજવાનું અને ઝળહળવાનું, બેઉ એક જ આયખામાં કરી શકે.

 4. બીના said,

  June 23, 2017 @ 1:29 am

  સરસ કાવ્ય.
  આપણી પંડ,પાંડોબા, આપણે ખૂલા ખેતરમાં અરસ પરસ એક મેકનું સખ્ય માણવાને બદલે પોતપોતાની માની લીધેલી સીમાઓના ભોય વાડામાં પોત પોતાની માની લીધેલી કર્તવ્ય બેડીમાં જકડાઈને મેઘધનુષ્યને પણ ધોઈ નાખીએ છીએ.
  પણ કવિ એક સલાહ આપે છે .
  “ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
  વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા”
  ચાલો કવિનું કહેવું માનીને નીકળી પડીએ.
  સ-રસ કાવ્ય
  અપરાજિતા (બીના ગાંધી કાનાણી)
  એક નોટ: બાઈબલમાં મેઘધનુષ્ય ને “ઈશ્વરે મનુષ્ય સાથેના ઐક્યનો” જે કરાર કર્યો છે તેનું પ્રતિક લેખાયું છે.

 5. વિવેક said,

  June 27, 2017 @ 9:04 am

  અદભુત કવિતા !

  ઉદયન ઠક્કર માટે એમ કહી શકાય કે આ માણસ છે…ક ભીતરની નિસ્બતથી કવિતા સાથે બંધાયેલો માણસ છે. એ કવિતાને નથી વર્યા, કવિતા એમને વરી છે. એમની કવિતાઓમાં ઊંડી સમજ, પ્રબુદ્ધ દૃષ્ટિ અને અનવરત ખંત ઊડીને આંખે વળગે છે… પોતાની જ પંક્તિ ‘કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ને એ પોતે ટોર્ચલાઇટ તરીકે પોતાના માટે જ વાપરતા રહે છે અને ઉફરાં ચાલીને નિતનવા ચીલા ચાતરે છે. પાંડોબાની આ કવિતા એક યથાર્થ ઉદાહરણ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment