ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

આપણી આ વાર્તા – સંજુ વાળા

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

-સંજુ વાળા

અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.

9 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  June 13, 2016 @ 2:22 am

  પાંચ સાચા કે સાચું ગણિત ?

  વાહ સંજુભાઈ …!

 2. CHENAM SHUKLA said,

  June 13, 2016 @ 4:38 am

  સરસ ગીત છે પણ ..બીજા અંતરામાં કોઈ ભૂલ લાગે છે …જે ટાઈપીંગની ભૂલ લાગે છે

 3. તીર્થેશ said,

  June 13, 2016 @ 7:52 am

  Where ?

 4. CHENAM SHUKLA said,

  June 13, 2016 @ 8:23 am

  તીર્થેશભાઈ ‘મનાઈ’ના પ્રાસમાં ‘સાંજ’ કદાચ નહિ હોય

 5. KETAN YAJNIK said,

  June 13, 2016 @ 9:09 am

  शाम ही से बुजासा रहता है
  दिल हुआ है चराग मुफ्लिस्का
  मीर ताकि मीर
  આદથી જ અંત ની વાત

 6. Saryu parikh said,

  June 13, 2016 @ 9:09 am

  વાહ! બહુ જ સુંદર રચના.
  સરયૂ પરીખ્

 7. તીર્થેશ said,

  June 13, 2016 @ 10:46 am

  not able to get the paper print version. digital version is thus only. but you may be right. will try to search further. thanks.

 8. Sanju Vala said,

  June 14, 2016 @ 3:27 am

  મિત્રો. ..
  આ રચના અહીં સ્થાપવા બદલ આભારી છું.

  બીજા અંતરામાં
  સાંઈ…. શબ્દ છે. કયાંક ભૂલ થઈ ગઈ હશે.
  આ રીતે કવિતાના હાર્દ સુધી જવાની વાત બનતી રહે ત્યાં સુધી તો આપણી કવિતા જીવતી રહેશે જ.
  આભાર

 9. Sanju Vala said,

  June 14, 2016 @ 3:31 am

  સંપાદક મિત્રો. ..

  આ સાંજની જગાએ સાંઈ કરી આપે તેવી વિનંતી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment